શેર બજાર

રોકાણકારોના માનસ પર આરબીઆઈની આડઅસર યથાવત્ રહેતા બેન્ચમાર્ક નેગેટિવ ઝોનમાં લપસ્યો, નિફ્ટી ૧૯,૭૦૦ની નીચે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદેશી ફંડોએ ફરી ધીમી ગતિએ શરૂ કરેલી વેચાવાલી અને રિઝર્વ બેન્કે પાછલા સપ્તાહે પર્સનલ લોન સંદર્ભે રિસ્ક વેઇટેજમાં કરેલા વધારાને કારણે બજારના માનસ પર પડેલી નકારાત્મક અસર યથાવત રહેતા સપ્તાહના પહેલા દિવસે બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં વધુ નીચી સપાટીએ ગબડ્યા હતાં. નિફ્ટી ૧૯,૭૦૦ની નીચે સરક્યો હતો. સેન્સેક્સ ૧૩૯.૫૮ પોઈન્ટ અથવા ૦.૨૧ ટકા ઘટીને ૬૫,૬૫૫.૧૫ પર અને નિફ્ટી ૩૭.૮૦ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકા ઘટીને ૧૯,૬૯૪ પર બંધ થયો હતો.
વિશ્ર્વબજારના મિશ્ર સંકેતો વચ્ચે બજારની શરૂઆત નરમ ટોન સાથે થઈ હતી અને દિવસ દરમિયાન ખાસ કરીનેે ઓટો, કેપિટલ અને એફએમસીજી નામોમાં વેચવાલી જોવા મળી હતી. જોકે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને હેલ્થકેર સેકટરના શેરોમાં લેવાલીનો ટેકો મળવાથી ઇન્ટ્રાડેના કેટલાક નુકસાનને સરભર કરવામાં બજારને મદદ મળી હતી.
સેન્સેક્સના ટોપ લૂઝર્સ શેરોમાં બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટસ, હિંદુસ્તાન યુનિલીવર, ટાટા મોટર્સ અને જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ હતો. જ્યારે ટોપ ગેઇનર્સમાં ભારતી એરટેલ, વિપ્રો, એચસીેલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને મારુતિનો સમાવેશ હતો. નિફ્ટીમાં ટોપ લુઝર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ હતોે, જ્યારે ડિવિસ લેબ્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો અને ઓએનજીસી ટોપ ગેઇનર્સ બન્યા હતા. સેક્ટોરલ મોરચે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સ ૦.૬ ટકા અને હેલ્થકેર ઇન્ડેક્સ ૦.૩ ટકા વધ્યો હતો, જ્યારે મેટલ, ઓટો, કેપિટલ ગુડ્સ, એફએમસીજી અને રિયલ્ટી નામોમાં વેચવાલી જોવા મળી હતી.
પ્રાઇમરી માર્કેટમાં હલચલ ચાલુ રહી છે. સ્ટેશનરી પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ ઇશ્યૂમાંથી રૂ. ૫૯૩ કરોડ એકત્ર કરવા માગે છે. શેર દીઠ રૂ. ૨૮૮-૩૦૪ની પ્રાઇસ બેન્ડ ધરાવે છે. બિડ, ઓફર બુધવારે બાવીસમી નવેમ્બરના રોજ ખુલશે અને શુક્રવારે ૨૪મી નવેમ્બર, ૨૦૨૩ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ આજે મંગળવારે, ખૂલશે. બિડ ઓછામાં ઓછા ૪૯ ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ ૪૯ ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. મૂડીબજારમાંથી આ સપ્તાહે છ કંપની રૂ. ૭,૪૦૦ કરોડ એકત્ર કરશે. પ્રથામિક મૂડીબજારમાં નાણાં ભંડોળ એકત્ર કરવા પ્રવેશી રહેલી કંપનીઓમાં જાહેર ક્ષેત્રની કંપનીથી માંડીને એનબીએફસીનો સમાવેશ થાય છે. સરકારી માલિકીની ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી સૌપ્રથમ હશે, જે ૨૧ નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે રૂ. ૨,૧૫૦ કરોડની પ્રારંભિક જાહેર ઓફર સાથેે પ્રવેશ કરશે. મેઈનબોર્ડ સેગમેન્ટમાંથી આગામી ચાર આઈપીઓ ટાટા ટેક્નોલોજીસ, ગંધાર ઓઈલ રિફાઈનરી ઈન્ડિયા, ફેડબેંક ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝના હશે, જેમાં બિડિંગ ૨૨ નવેમ્બરે શરૂ અને અંતિમ દિવસ ૨૪ નવેમ્બર હશે. પૂણે સ્થિત ટાટા ટેક્નોલોજી પબ્લિક ઇશ્યુ દ્વારા રૂ. ૩,૦૪૨.૫૧ કરોડ એકત્ર કરશે. ગંધાર ઓઇલ રિફાઇનરી ઇન્ડિયા આઇપીઓ દ્વારા રૂ. ૫૦૦ કરોડનું ફંડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસિસ રૂ. ૧,૦૯૨.૨૬ કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. એસએમઇ સેગમેન્ટમાં પણ બે ભરણાં આવી રહ્યાં છે. પર્સનલ લોન માટે લેન્ડર્સ પર રિઝર્વ બેન્ક દ્વારા લદાયેલા કડક નિયમોની નકારાત્મક અસર બજારના માનસ પર સપ્તાહના પહેલા દિવસે પણ હાવી રહી હતી. રોકાણકારો આરબીઆઇના રિસ્ક વેઇટેજ વધારવાના પગલાંની મૂલ્યાંકન કરી રહ્યાં હોવા સાથે બેન્કિંગ અને નાણાકીય સેકટરના શેરોમાં વેચવાલીનું દબાણ વધતું રહ્યું હોવાને કારણે સોમવારે પણ ભારતીય શેરબજારમાં નરમાઇ જોવા મળી હતી.
બજારનો અંડરટોન મક્ક્મ રહ્યો હતો અને નાના શેરમાં લેવાલી અને સુધારો જોવા મળ્યો છે. ટોચના રિસર્ચ એનલિસ્ટે જણાવ્યું હતું કે, બેન્કોમાં વેચવાલી ખતમ થઈ જશે કારણ કે રિટેલ ક્લાયન્ટ્સ માટે બેન્કોનું અસુરક્ષિત ધિરાણ ખૂબ જ ઓછું છે અને બેન્કો ખૂબ જ મજબૂત જોખમ વ્યવસ્થાપન ધરાવે છે. ગયા અઠવાડિયે, ભારતીય રિઝર્વ બેન્કે કેટલીક વ્યક્તિગત લોનમાં ઝડપી વૃદ્ધિ અંગે વારંવારની ચેતવણીઓ બાદ દેશની બેંકોને વધુ મૂડી અલગ રાખવાની સૂચના આપી હતી.

બીએસઇ એસએમઇ સેગમેન્ટમાંથી ગ્રોઇન્ગટન વેન્ચર્સ મેઇનબોર્ડમાં જશે
મુંબઈ: ગ્રોઈન્ગ્ટન વેન્ચર્સ ઈન્ડિયા લિમિટેડને ૨૧મી નવેમ્બરે મેઈનબોર્ડ પર સ્થળાંતર માટે મંજૂરી મળી છે. આ કંપની ફ્રેશ ફ્રુટ્સની આયાત અને કોર્પોરેટ ઇન હોસ્પિટાલિટી અને ઇકોમર્સ કંપનીમાં વિતરણથી સપ્લાય ચેઇનના વ્યવસાયમાં સંકળાયેલી છે. કંપની તુર્કી, વિયેતનામ, દક્ષિણ આફ્રિકા, ગ્રીસ, ચિલી વગેરેના ખેતરોમાંથી ફળો મેળવીને દ્વારા સમગ્ર ભારતના બજારમાં તાજા ફળોનો સપ્લાય કરવાની દ્રષ્ટિ સાથે વ્યવસાયિક રીતે સંચાલિત છે. કંપનીએ માર્ચ ૨૦૨૩માં ૨૪:૧૦૦ના રેશિયોમાં બોનસ શેર જાહેર કર્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે પરિણામમાં વાર્ષિક ધોરણે વેચાણમાં ૧૭૭ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૩૮૨ લાખ થી વધીને રૂ. ૧૦૫૮ લાખ અને ઓપરેટિંગ નફામાં ૨૨૮ ટકાનો વધારો થતાં રૂ. ૩૮ લાખથી વધીને રૂ. ૧૨૫ લાખ થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં વેચાણ રૂ. ૧૯૬૨ લાખનું થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button