રીંછડાનો હુંકાર: વ્યાપક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૭૨,૦૦૦ની નીચે અથડાયો, નિફ્ટી ૨૧,૮૫૦ની નીચે સરક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એશિયાઇ બજારોની નરમાઇ સાથે સ્થાનિક સ્તરે મંદીવાળા મંગળવારે ફરી હાવી બન્યા હતા અને સાર્વત્રિક વેચવાલીનો હાહાકાર મચાવી દીધો હતો. બેન્ક ઓફ જાપાને ૧૭ વર્ષ બાદ પહેલી વખત વ્યાજદરમાં વધારો કર્યો હતો અને ત્યારબાદ એશિયન બજારોમાં ઘટાડો થયો હતો. સ્થાનિક સ્તરે પાછલા સત્રમાં સાધારણ સુધારણા બાદ ૧૯ માર્ચે મંદીવાળાઓએ જોરદાર વેચવાલીનો હુમલો કરીનેે બીએસઇના બેન્ચમાર્ક સેન્સેક્સને નકારાત્મક ક્ષેત્રમાં ધકેલી દીધો હતો. મંગળવારના સત્રમાં વ્યાપક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૭૨,૦૦૦ની નીચે અથડાયો, નિફ્ટી ૨૧,૮૫૦ની નીચે સરક્યો છે.
બેન્ચમાર્ક શેરઆંક નકારાત્મક નોંધ સાથે ખૂલ્યા હતા અને સમગ્ર સેક્ટરમાં વેચવાલી વચ્ચે નિફ્ટી અને સેન્સેક્સ ૨૧,૮૦૦ પોઇન્ટ અને ૭૨,૦૦૦ પોઇન્ટની ઇન્ટ્રાડે નીચી સપાટીને અથડાયા હતા.
સવારના સત્રમાં સેન્સેક્સ ૨૮૫ પોઈન્ટના નીચા ગેપ સાથે ૭૨,૪૬૨ પોઇન્ટના સ્તર પર ખુલ્યો હતો, જ્યારે એનએસઇના નિફ્ટીએ ૧૦૯ પોઈન્ટ ઘટાડા સાથે ૨૧,૯૪૬ પોઇન્ટના સ્તર પર કામકાજની શરૂઆત કરી હતી. સત્રને અંતે સેન્સેક્સ ૭૩૬.૩૭ પોઈન્ટ્સ અથવા ૧.૦૧ ટકા ઘટીને ૭૨,૦૧૨.૦૫ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૨૩૮.૨૦ પોઈન્ટ્સ અથવા ૧.૦૮ ટકા ઘટીને ૨૧,૮૧૭.૫૦ સપાટી પર સ્થિર થયો હતો. નિફ્ટીના શેરોમાં સૌથી વધુ નુકસાન કરનારાઓમાં ટીસીએસ, બીપીસીએલ, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા ક્ધઝ્યુમર અને નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ હતોે, જ્યારે બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, કોટક મહિન્દ્રા બેંક, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલનો સૌથી વધુ વધનારા શેરોમાં સમાવેશ હતો.
હેલ્થકેર, આઈટી, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર સેગમેન્ટમાં એકથી બે ટકાના ઘટાડા સાથે તમામ સેકટરલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ રહ્યાં હતા. વ્યક્તિગત શેરોમાં, ઇન્ડસ ટાવર્સ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ અને ઝી એન્ટરટેઇનમેન્ટમાં ૩૦૦ ટકાથી વધુનો વોલ્યુમ સ્પાઇક જોવા મળ્યો હતો. કોલગેટ પામોલિવ, ગુજરાત ગેસ અને ટીસીએસમાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યું હતું, જ્યારે બજાજ ઓટો, જુબિલન્ટ ફૂડવર્ક્સ અને ઝટજ મોટર કંપનીમાં લોંગ બિલ્ડ-અપ જોવા મળ્યું હતું.
સેબીની ચેતવણી અને ફંડોની સ્ટ્રેસ ટેસ્ટ બાદ રિડેમ્પશનના દબાણને કારણે નાના શેરોમાં વેચવાલી વધતી રહી હોવાથી, મિડ અને સ્મોલકેપ શેરઆંકોમાં પણ નિરાશાજનક વલણ જોવા મળ્યું છે. આ સત્રમાં પણ મિડકેપ અને સ્મોલકેપના બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં એકાદ ટકાનો કડાકા જોવા મળ્યો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, શેરબજારમાં વૈશ્ર્વિક પરિબળો સાથે સ્થાનિક સ્તરે ઇલેક્શનની જાહેરાતને પગલે સાવચેતીના માહોલ વચ્ચે ઉથલપાથલ અને અફડાતફડીનો દોર તીવ્ર બન્યો છે. લેવેચના ઉપરાછાપરી દોર વચ્ચે એનએસઈનો બેન્ચમાર્ક નિફ્ટી સત્ર દરમિયાન ૨૧,૮૦૦ સુધી જઈ પાછો ફર્યો હતો.
બેન્ક ઓફ જાપાનના નાણાકીય નીતિના નિર્ણય પહેલા આજે એશિયન બજારોમાં ઘટાડો થયો હતો, આ વર્ષે ૧૭ વર્ષ પછી અહીં નકારાત્મક વ્યાજ દર નીતિને સમાપ્ત કરે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ભારતીય શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.
સેન્સેક્સ ૧૦૪.૯૯ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકા વધીને ૭૨,૭૪૮.૪૨ પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૫૦૩૨.૩૫ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકાના ઉછાળા સાથે ૨૨,૦૫૫.૭૦ પોઇન્ટ પર બંધ થયો હતો. હાલ ઉછાળે વેચવાલીનો તાલ પણ જોવા મળે છે, એટલે ચોક્કસ ટ્રેન્ડ પકડાતો નથી. બજારના સાધનો અનુસાર રોકાણકારોનું ધ્યાન આગામી લોકસભાની ચૂંટણીઓ તરફ પણ જઈ રહ્યું છે, જે ૧૯ એપ્રિલે શરૂ થશે અને ચોથી જૂને પૂર્ણ થશે.
માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા એસએમઇ આઇપીઓ, સ્મોલ કેપ અને મિડકેપના વેલ્યુએશન્સ સહિત બજારના એકથી વધુ સેગમેન્ટ અંગે જાહેર કરાયેલી આશંકા, મ્યુચ્યુઅલ ફંડ્સના તણાવ પરીક્ષણના પરિણામો, ફરજિયાત રિડેમ્પશન જેવા પરિબળો બજાર પર સંભવત: દબાણ લાવી શકે છે.
અગ્રણી ટેકનિકલ એનાલિસ્ટ કહે છે કે, નિફ્ટી માટે ૨૧,૫૩૦ પોઇન્ટના સ્તર પર મુખ્ય સપોર્ટ સાથે, ઇન્ટ્રાડે સપોર્ટ લેવલ ૨૧,૮૬૧ની સપાટી પર છે. જ્યારે તાત્કાલિક પ્રતિકાર સપાટી ૨૨,૨૫૦ પોઇન્ટના સ્તર પર છે. પ્રવર્તમાન અનિશ્ર્ચિતતાઓ વચ્ચે રોકાણકારોએ સાવચેત રહેવું આવશ્યક છે. સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ ૧.૩૮ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૦.૫૭ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૨૬ ટકા, ભારતી એરટેલ ૦.૨૩ ટકા અને એચડીએફસી બેન્ક ૦.૧૯ ટકા વધ્યા હતા, જ્યારે ટીસીએસ ૪.૦૩ ટકા, નેસલે ઈન્ડિયા ૩.૩૭ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૧૫ ટકા, વિપ્રો ૩.૦૫ ટકા અને એચસીએલ ટેક્નોલોજીસ ૨.૬૨ ટકા ઘટ્યા હતા. બધા ગુપની કુલ ૪૬ કંપનીઓમાંથી ૨૫ કંપનીઓને ઉપલી અને ૨૧ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.
એશિયાઇ બજારોમાં સિઓલ, શાંઘાઇ અને હોંગકોંગ શેરબજારો નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા અને ટોકિયોમાં સુધારો જોવા મળ્યો હતો. એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ શુક્રવારે રૂ. ૮૪૮.૫૬ કરોડની ઇક્વિટી ખરીદ્યા બાદ સોમવારે રૂ. ૨૦૫૧.૦૯ કરોડની વેચવાલી નોંધાવી હતી. ઓ બાબત નોંધવી રહી કે, એફઆઇઆઇએ માર્ચ મહિનામાં અત્યાર સુધી રૂ. ૪૦,૦૦૦ કરોડથી વધુની લેવાલી નોંધાવી છે.
વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૪૦ ટકા ઘટીને ૮૬.૫૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. સોમવારે બીએસઇનો ૩૦ શેરનો બેન્ચમાર્ક ૧૦૪.૯૯ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકા ઘટીને ૭૨,૭૪૮.૪૨ પર સેટલ થયો હતો. એનએસઇનો નિફ્ટી ૩૨.૩૫ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા ઘટીને ૨૨,૦૫૫.૭૦ પોઇન્ટ પર સ્થિર થયો હતો.