બે સત્રના ઘટાડા બાદ બાર્ગેઈન હંટિંગ: સેન્સેક્સમાં ૪૦૫ પૉઈન્ટનું અને નિફ્ટીમાં ૧૦૯ પૉઈન્ટનું બાઉન્સબૅક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત બે સત્ર સુધી ઘટાડાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે ખાસ કરીને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં જોવા મળેલા કરેક્શન ઉપરાંત ગત સપ્ટેમ્બર મહિનાનો સર્વિસીસ પીએમઆઈ આંક ઑગસ્ટના ૬૦.૧ની સામે વધીને ૧૩ વર્ષની ઊંચી ૬૧ની સપાટીએ રહ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મુખ્યત્વે કેપિટલ ગૂડ્સ, બૅન્કિંગ અને આઈટી ક્ષેત્રના શૅરોમાં બાર્ગેઈન હંટિંગ નીકળતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૦૫.૫૩ પૉઈન્ટનું અને ૧૦૯.૬૫ પૉઈન્ટનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું જેમાં નિફ્ટી ફરી ૧૯,૫૦૦ની સપાટીની ઉપર બંધ રહ્યો હતો. વધુમાં આજે સ્થાનિકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધુ રૂ. ૧૮૬૪.૨૦ કરોડની વેચવાલી રહી હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૫૨૧.૪૧ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલ હતા.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૫,૨૨૬.૦૪ના બંધ સામે સુધારાના ટોને ૬૫,૫૯૮.૨૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૫,૪૪૩.૩૪ અને ઉપરમાં ૬૫,૭૫૩.૨૦ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૦.૬૨ ટકા અથવા તો ૪૦૫.૫૩ પૉઈન્ટના સુધારા સાથે ૬૫,૬૩૧.૫૭ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૯,૪૩૬.૧૦ના બંધ સામે સુધારાના ટોને ૧૯,૫૨૧.૮૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૯,૪૮૭.૩૦થી ૧૯,૫૭૬.૯૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૫૬ ટકા અથવા તો ૧૦૯.૬૫ પૉઈન્ટ વધીને ૧૯,૫૪૫.૭૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટાડા ઉપરાંત સપ્ટેમ્બર મહિનાનો સર્વિસીસ પીએમઆઈ આંક ૧૩ વર્ષની ઊંચી સપાટીએ રહ્યો હોવાના નિર્દેશો સાથે બજારમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, હાલમાં ચાલી રહેલી રિઝર્વ બૅન્કની નાણાનીતિની સમીક્ષાની બેઠક અને બાહ્ય માગના પરિબળો શાંત હોવાથી બજારમાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. વધુમાં એચડીએએફસી સિક્યોરિટીઝનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ દિપક જસાણીએ જણાવ્યું હતું કે ગઈકાલે અમેરિકી બજારમાં ઘટાડો મર્યાદિત રહ્યા બાદ આજે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને અમેરિકાના લેબર ડેટા હળવા આવતાં વૈશ્ર્વિક બજારો સ્થિર થવા મથી રહ્યા હતા, જ્યારે સ્થાનિકમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. એકંદરે આજે બજારમાં બાઉન્સબૅક જોવા મળ્યું હોવા છતાં અમેરિકા ખાતે વ્યાજદરમાં વધારા અંગેની અનિશ્ર્ચિતતા, વૈશ્ર્વિક સ્તરે માગમાં થઈ રહેલો ઘટાડા સાથે વૈશ્ર્વિક આર્થિક મંદીની ચિંતા સપાટી પર હોવાથી આગામી ટૂંકાથી મધ્યમ સમયગાળા દરમિયાન બજારમાં ચંચળતાનું વલણ જોવા મળે તેવી શક્યતા કોટક સિક્યોરિટીઝનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ શ્રીકાંત ચૌહાણે વ્યક્ત કરી હતી.
આજે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૩૫ શૅરના ભાવ વધીને અને ૧૫ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૯ શૅરના ભાવ વધીને અને ૧૦ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે એકમાત્ર આઈટીસીનાં શૅરના ભાવ ટકેલા રહ્યા હતા. સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૨.૩૬ ટકાનો સુધારો લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે ટિટાનમાં ૧.૫૪ ટકા, ટીસીએસમાં ૧.૪૮ ટકા, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા અને ઈન્ફોસિસમાં ૧.૧૯ ટકા તથા એશિયન પેઈન્ટ્સમાં ૧.૧૩ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય મુખ્ય ઘટનાર શૅરોમાં પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૧.૨૬ ટકાનો, એનટીપીસીમાં ૦.૪૭ ટકાનો, નેસ્લેમાં ૦.૨૮ ટકાનો, એચસીએલ ટૅક્નોલૉજિસમાં ૦.૨૭ ટકાનો, સન ફાર્મામાં ૦.૧૬ ટકાનો અને બજાજ ફાઈનાન્સમાં ૦.૦૭ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૦૩ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૫૯ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૧.૩૧ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૦.૯૮ ટકાનો, ઈન્ડસ્ટ્રીયલ ઈન્ડેક્સમાં ૦.૯૫ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૦.૯૨ ટકાનો, ટૅક્નોલૉજી ઈન્ડેક્સમાં ૦.૮૩ ટકાનો અને ઑટો ઈન્ડેક્સમાં ૦.૮૧ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે તેની સામે બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૦.૫૬ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૦.૪૯ ટકાનો અને હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૩૦ ટકાનો ઘટાડો આવ્યો હતો. દરમિયાન આજે એશિયન બજારોમાં ટોકિયો અને હૉંગકૉંગની બજાર સુધારા સાથે બંધ રહી હતી, જ્યારે સિઉલની બજારમાં ઘટાડો અને શાંઘાઈની બજાર સત્તાવાર ધોરણે બંધ રહી હતી. તેમ જ યુરોપની બજારોમાં મધ્યસત્ર દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું હતું. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮૯ ટકા ઘટીને બેરલદીઠ ૮૫.૦૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.