બેન્ક શેરોની લેવાલીએ બેન્ચમાર્ક સ્પ્રિંગની જેમ ઊછળ્યો, નિફ્ટી બેન્ક અને મિડકૅપ ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ જામ્યો છે. ઇન્ડેક્સ હેવીવેઇટ શેરો અને ખાસ કરીને બેન્ક શેરોની આગેવાનીએ નીકળેલી જોરદાર લેવાલીના ટેકાએ સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સ સત્ર દરમિયાન 991 પોઇન્ટ ઊંચી સપાટીએ, જ્યારે નિફ્ટી 22,655ની નજીક પહોચ્યો હતેો. બેન્ક નિફ્ટી, મિડકેપ ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા છે. સેન્સેક્સ સત્ર દરમિયાન 990.99 પોઇન્ટ અથવા તો 1.34 ટકાના ઉછાળા સાથે 74,721.15ની ઊંચી સપાટીને અથડાઇને અંતે 941.12 પોઇન્ટ અથવા તો 1.28 ટકાના સુધારા સાથે 74,671.28 પોઇન્ટની સપાટેી સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી 223.45 પોઇન્ટ અથવા તો એક ટકાના ઉછાળા સાથે 22,643.40 પોઇન્ટના સ્તરે સ્થિર થયો હતો.
આઇસીઆઇસીઆઇ બેંક અને એસબીઆઇ લાઇફ દ્વારા જાહેર કરવામાં આવેલા મજબૂત પરિણામોને પગલે, બેન્ક શેરોમાં આવેલા જોરદાર ઉછાળા પાછળ નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 49,468ની તેની સર્વકાલિન ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર પાંચ ટકા ઊછળ્યો હતો. અન્ય ટોપ ગેઇનર શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, સ્ટેટ બેન્ક, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ટીસીએસ, બજાજ ફાઇનાન્સ અને એચડીએફસી બેન્કનો સમાવેશ હતો. એચસીએલ ટેકનોલોજીના પરિણામ બજારને માફક ના જણાતાં તેમાં વેચાવાલી વચ્ચે છ ટકાનો કડાકો નોંધાયો હતો.
આઇટીસી, વિપ્રો અને બજાજ ફિનસર્વનો ટોપ લૂઝરમાં સમાવેશ હતો. લાઇફ સાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત ઇન્ડિજિન લિમિટેડ રૂ. 1842 કરોડના આઇપીઓ સાથે છઠી મેના રોજ મૂડી બજારમાં પ્રવેશી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. 430થી રૂ. 452 નક્કી કરવામાં આવી છે, ભરણું આઠમી મેના રોજ બંધ થશે. ભરણાંમાં રૂ. 760 કરોડનો હિસ્સો ફ્રેશ ઇક્વિટીનો અન્ે રૂ. 1082 કરોડનો હિસ્સો ઓએફએસનો છે.
રિયલ્ટી, એફએમસીજી, મેટલ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ, પાવર, બેન્ક અને ઓઈલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 0.5 ટકાથી બે ટકા સુધીના ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં પહોંચ્યા હતા. બજારના સાધનો અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે ઇરાનના છેલ્લા વિધાન બાદ ભૌગોલિક રાજકીય તંગદિલી હળવી થવા સાથે કોર્પોરેટ ક્ષેત્રના મજબૂત પરિણામોને કારણે સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે.
એશિયન બજારોમાં સિઓલ, શાંઘાઇ અને હોંગકોંગ શેરબજાર પોઝિટીવ ઝોનમાં બંધ થયા હતા. યુરોપના શેરબજારોમાં ખૂલતા સત્રમાં મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. અમેરિકાના શેરબજારો પાછલા શુક્રવારે સુધારા સાથે બંધ થયા હતા. બજારના નિષ્ણાતોના મતે અમેરિકાની ટેકનોલોજી કંપનીઓના પરિણામ સારા આવવા સાથે યુએસ ટેન યર્સ ટે્રઝરી બિલ્સની યિલ્ડમાં ઘટાડો થવાને કારણે વિશ્વબજારના એકંદર સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો હતો. સ્થાનિક સ્તરે બેન્કોના પરિણામ સારા આવવાને કારણે બેન્ક નિફ્ટી ઇન્ડેક્સમાં સુધારો જોવા મળ્યો હતો.
મધ્યપૂર્વની તંગદીલી હળવી થવા સાથે કોર્પોરેટ ક્ષેત્રના મજબૂત પરિણામ જોતા બજારનું પોઝિટિવ સેન્ટિમેન્ટ જળવાઇ રહેવાની અપેક્ષા છે.
ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.51 ટકા ગબડીને 89.04 ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી એકધારી ચાલુ રહી છે. પાછલા શુક્રવારે એફઆઇઆઇએ રૂ. 3408.88 કરોડની વેચવાલી નોંધાવી હતી. જોકે સામે સ્થાનિક સંસ્થાઓએ રૂ. 4356 કરોડની લેવાલી નોંધાવી હતી.
આ સપ્તાહે બજારની નજર એફઓએમસી બઠકના નિર્ણય, કોપોરેટ ક્ષેત્રના ચોથા ત્રિમાસિક પરિણામ, ઓટોમોબાઇલના વેચાણના આંકડા અને સ્થાનિક આર્થિક ડેટા પર રહેશે. પહેલી મેના રોજ મહારાષ્ટ્ર દિન નિમિત્તે બજાર બંધ રહશે. રોકાણકારો ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયની ખાસ પ્રતીક્ષા કરી રહ્યાં છે. આ ઉપરાંત મેન્યુફેકચરિંગ પીએમઆઇ ડેટાની બજારના સેન્ટિમેન્ટ પર અસર થઇ શકે છે.
કોર્પોરેટ ક્ષેત્રના માર્ચ ક્વાર્ટરના મિશ્ર પરિણામો, મધ્ય પૂર્વના તણાવમાં મળેલા હાશકારા, ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડા અને મેન્યુફેકચરિંગ અને સર્વિસિસ સેકટરના ફ્લેશ ડેટા સકારાત્મક રહેતા ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને ટેકો મળી રહેવાની આશા છે. ટોચના ફંડ મેનેજરે જણાવ્યું હતું કે, નજીકના ગાળામાં બજારમાં કોન્સોલિડેશનની અપેક્ષા છે. મોટાગજાના રોકાણકારો બોન્ડ્સ અને સોના તરફ ફંટાઇ શકે છે. વધુમાં, આગામી યુએસ ફેડની નીતિની જાહેરાત અને નોન-ફાર્મ પેરોલ ડેટા વૈશ્વિક બજારોને અસર કરશે, જ્યારે ચાલુ ચોથા ક્વાર્ટરની કમાણીના અહેવાલો સ્થાનિક બજારની ગતિશીલતાને પ્રભાવિત કરશે.
પ્રાથમિક બજારોના મોરચે, આ સપ્તાહે મેઇન બોર્ડમાં કોઈ નવો આઇપીઓ નથી, પરંતુ એસએમઇ સેગમેન્ટમાં હલચલ ચાલુ રહેશે. સ્ટોરેજ ટેક્નોલોજીસ એન્ડ ઓટોમેશન, એમકે પ્રોડક્ટ્સ અને સાઈ સ્વામી મેટલ્સ એન્ડ એલોયસ, એમ ત્રણ કંપનીઓના પ્રારંભિક જાહેર ભરણાં (આઈપીઓ) 30મી એપ્રિલે ખુલશે અને ત્રીજી મેના રોજ બંધ થશે, જ્યારે સ્લોન ઈન્ફોસિસ્ટમ માટે આઈપીઓ ત્રીજી મેના રોજ ખુલશે.
વૈશ્વિક સ્તરે, તમામની નજર પહેલી મેના રોજ જાહેર થનારા ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકના પરિણામ પર રહેશે.
બજારના નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ 5.25-5.50 ટકાના ફેડ ફંડ રેટમાં કોઈ ફેરફારની અપેક્ષા ધરાવતા નથી. બજારનું ધ્યાન ફેડ ચેરમેન જેરોમ પોવેલની કોમેન્ટ્રી પર રહેશે. પાછલા સપ્તાહ દરમિયાન, સેન્સેક્સ 0.88 ટકા વધીને 73,730 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ઇન્ડેક્સ 1.2 ટકા વધીને 22,420 પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો. પરંતુ વ્યાપક બજારોમાં સારી એવી તેજી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સ અનુક્રમે ચાર અને 4.4 ટકા ઉછળ્યા હતા અને નવી બંધ ઊંચાઈએ પહોંચ્યા હતા.