
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારે મંગળવારના સત્રમાં મિડલ ઇસ્ટના મિસાઇલ મારા, ચીનના સ્ટિમ્યુલસની અસર, એફઆઇઆઇની વેચવાલી અને આરબીઆઇના નિર્ણય તથા વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચિંતાને બાજુએ મૂકીને છ દિવસની મંદીને બ્રેક મારી હતી. બ્લુચિપ શેરોમાં વધારો થતાં સેન્સેક્સ ૫૮૪ પોઈન્ટ ઊછળ્યો અને માર્કેટ કેપમાં અંદાજે રૂ. આઠ લાખ કરોડનો વધારો થયો છે.
ઈન્ડેક્સ હેવીવેઈટ્સ એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં તેજીને પગલે છ દિવસની મંદી પછી મંગળવારે ઈક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો.
બીએસઇનો ત્રીસ શેર ધરાવતો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૮૪.૮૧ પોઈન્ટ અથવા ૦.૭૨ ટકા વધીને ૮૧,૬૩૪.૮૧ પોઇન્ટના સ્તર પર અને એનએસઇ નિફ્ટી ૨૧૭.૪૦ પોઈન્ટ અથવા ૦.૮૮ ટકા વધીને ૨૫,૦૧૩.૧૫ પોઇન્ટ પર પહોંચ્યો હતો. નોંધવું રહ્યું કે, શેરબજારની તેજીને અવરોધતા તમામ પરિબળ યથાવત રહેવા સાથે સપ્તાહના પહેલા દિવસે વેચવાલીનું બોમ્બાર્ડિંગ ચાલુ રહેતા નિફ્ટી ૨૫,૦૦૦ની સપાટી તોડતો ૨૪,૮૦૦ની નીચે ધસી ગયો હતો, જ્યારે સેન્સેક્સ પણ ૮૧,૦૦૦ની સપાટી માંડ માંડ ટકાવી શક્યો હતો. સેન્સેક્સ પેકમાંથી, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને કોટક મહિન્દ્રા બેંક બેન્ચમાર્કના ટોપ ગેનર હતા. તેનાથી વિપરીત, ટાટા સ્ટીલ, ટાઇટન, બજાજ ફિનસર્વ, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, આઇટીસી, ટાટા મોટર્સ અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ બેન્ચમાર્કના ટોપ લુઝર બન્યા હતા.
ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીને સેન્ટ્રલ ક્ધઝ્યુમર પ્રોટેકશન ઓથોરિટીએ ગેરમાર્ગે દોરનારી જાહેરખબરો અને ગેરવાજબી વ્યાપાર પ્રવૃત્ત્ાિ બદ્દલ નોટીસ ફટકારી હોવાના સમાચરે તેના શેરમાં ૬.૧૭ ટકાનો મોટો કડાકો જોવા મળ્યો હતો. ઇન્ડોસ્પેસે તમિલનાડુમાં લોજિસ્ટિક અને વેરહાઉસ પાર્કમાં રૂ. ૪,૫૦૦ કરોડ સુધીના રોકાણની જાહેરાત કરી છે. હીરો મોટર્સ લિમિટેડે તેના રૂ. ૯૦૦ કરોડના આઇપીઓની યોજના હાલ પડતી મૂકી છે અને તે માટેના દસ્તાવેજ પાછાં ખેંચી
લીધા છે.
ઘરોના ભાવમાં ઝડપી વધારા સાથે નવા સપ્લાઇમાં ઘટાડો થવાથી દેશના ટોચના આઠ હાઉસિંગ માર્કેટમાં ઘરોના વાર્ષિક વેચાણમાં પાંચ ટકાનો ઘટાડો થયો હોવાનું પ્રોપ ટાઇગરે પોતાના રિપોટ૪માં જણાવ્યું છે, અગાઉ એનારોકના રિપોર્ટમાં પણ સાત શહેરોમાં ઘરોનું વેચાણ ૧૧ ટકા ઘચ્યું હોવાનું ટાંકવામાં આવ્યું હતું.
ચીનની ઇકોનોમિક પ્લાનિંગ એજન્સીએ અર્થતંત્રને ટેકો આપવા માટે બીજા સ્ટિમ્યુલસની જાહેરાત કરી હતી, જોકે તેનું કદ બજારની અપેક્ષાથી નીચું હોવાને કારણે શાંધાઇ એક્સચેન્જનો સુધારો ધોવાઇ ગયો હોવાના અહેવાલ હતા.
નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ્સ કમિશને ૨૦૨૫ના સરકારી બજેટમાંથી ૧૦૦ અબજ યુઆન ( ૧૪.૧ અબજ ડોલર)ના ખર્ચની અને ક્ધસ્ટ્રકશન પ્રોજેક્ટ માટે ૧૦૦ અબજ યુઆનના ખર્ચની જાહેરાત કરી હતી. જોકે, આ આંકડા અબજો અબજ યુઆનના એક્સપેન્ડિચરના ખર્ચની અપેક્ષા કરતા ઘણો નાનો હોવાથી સટોડિયા વર્ગ નિરાશ થયો હતો.
પશ્ર્ચિમ એશિયામાં ધમાસાણ યુદ્ધ આગળ વધી રહ્યું છે અને ઇઝરાયલ હવે કશું વધુ ભયંકર કરશે કે શું એવી ચિંતા પ્રસરી રહી છે. ઇરાને પાછલા મંગળવારે ઇઝરાયલ પર ૧૮૦ મિસાઇલ ફાયર કરી હતી ત્યાર બાદ ઇઝરાયલે લેબેનોન પર જોરદાર હલ્લો કર્યો હતો અને ગ્રાઉન્ડ ઓપરેશન્સ પણ શરૂ કર્યા હતા.
શનિવારે અને રવિવારે હિઝબુલ્લા સહિતના જૂથોએ ઇઝરાયલ પર વધુ મિસાઇલ એટેક કર્યા છે. અત્યારે આ સત્રમાં તો બજારે જાણે મિડલ ઇસ્ટની લશ્કરી અથડામણો, ચીનના સ્ટિમ્યુલસ પેકેજની અસર અને એફઆઇઆઇના પલાયન જેવા પરિબળોને કોરાણે મુક્યા છે, પરંતુ યુદ્ધની અસરો હંમેશાં દૂરગામી હોય છે. સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે અદાણી પોર્ટ્સ ૪.૭૬ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૩.૪૨ ટકા, રિલાયન્સ ૨.૦૧ ટકા, એચડીએફસી બેન્ક ૧.૯૫ ટકા, લાર્સન ૧.૮૩ ટકા, સ્ટેટ બેન્ક૧.૫૯ ટકા, એનટીપીસી ૧.૪૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૩૫ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૯૩ ટકા, અને કોટક બેન્ક ૦.૮૯ ટકા વધ્યા હતા.
જ્યારે ટાટા સ્ટીલ ૨.૮૯ ટકા, ટાઈટન ૨.૫૯ ટકા, બજાજ ફિનસર્વ ૨.૨૭ ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૧.૯૮ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૧૨ ટકા, ટાટા મોટર્સ ૦.૮૯ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૦.૬૩ ટકા, આઈટીસી ૦.૫૧ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી ૦.૪૯ ટકા, ભારતી એરટેલ ૦.૨૮ ટકા અને પાવર ગ્રીડ ૦.૨૬ ટકા ઘટ્યા હતા.
વૈશ્ર્વિક મોરચે યુરોપીયન બજારો મધ્ય સત્રના સોદામાં નીચા મથાળે ટ્રેડ થઇ રહ્યા હતા. સોમવારે અમેરિકન બજારો નકારાત્મક ક્ષેત્રમાં બંધ રહ્યા હતા. એશિયન બજારોમાં, ટોક્યિો, હોંગકોંગ અને સિઓલ નેગેટિવ ઝોનમાં ગબડ્યા હતા.
જ્યારે શાંઘાઈ શેરબજારમાં સુધારાનો પવન જોવા મળ્યો હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૮૪ ટકા ઘટીને ૭૯.૪૪ ડોલર પ્રતિ બેરલ થયું હતું. સોમવારે બીએસઇ સેન્સેક્સ ૬૩૮.૪૫ પોઈન્ટ ગગડીને ૮૧,૦૫૦ પર સ્થિર થયો હતો. નિફ્ટી ૨૧૮.૮૫ પોઈન્ટ ઘટીને ૨૪,૭૯૫.૭૫ પર બંધ રહ્યો હતો.