
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે આજે વર્તમાન નાણાકીય વર્ષ માટે રજૂ કરેલા અંદાજપત્રના પ્રસ્તાવોમાં ફ્યુચર ઍન્ડ ઓપ્શન પરના સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને લૉંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં એક તબક્કે અનુક્રમે ૧૨૭૭.૭૬ પૉઈન્ટનો અને ૪૩૫.૦૫ પૉઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જોકે, ત્યાર બાદ એફએમસીજી અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ ક્ષેત્રમાં વેરા રાહત અને કસ્ટમ ડ્યૂટીમાં કપાતનાં પ્રસ્તાવો સાથે શૅરોમાં લેવાલી નીકળતાં સત્રના અંતે સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે ૭૩.૦૪ પૉઈન્ટ અને ૩૦.૨૦ પૉઈન્ટના સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૪,૩૩૦.૭૭ કરોડની ખરીદી સામે રૂ. ૧૭,૩૦૬.૦૮ કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. ૨૯૭૫.૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૭,૭૯૯.૪૪ કરોડની ખરીદી સામે રૂ. ૧૬,૩૮૦.૬૨ કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. ૧૪૧૮.૮૨ કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાનું એક્સચેન્જે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતુ. વધુમાં આજે બીએસઈ ખાતે કુલ ૪૦૧૫ શૅરમાં કામકાજ થયા હતા. જેમાં ૧૬૮૦ શૅરના ભાવ વધીને, ૨૨૨૩ શૅરના ભાવ ઘટીને અને ૧૧૨ શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે એકમાત્ર શૅરમાં નીચલી સર્કિટ લાગી હતી.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૮૦,૪૨૯.૦૪ના બંધ સામે સુધારાના અન્ડર
ોને ૮૦,૭૨૪.૩૦ની સપાટીએ ખૂલ્યા બાદ ઉપરમાં ૮૦,૭૬૬.૪૧ અને નીચામાં ૭૯,૨૨૪.૩૨ સુધી ગબડ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૭૩.૦૪ પૉઈન્ટ અથવા તો ૦.૦૯ ટકાના ઘટાડા સાથે ૮૦,૪૨૯.૦૪ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૪,૫૦૯.૨૫ના બંધ સામે વધીને ૨૪,૫૬૮.૯૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૨૪,૦૭૪.૨૦ અને ઉપરમાં ૨૪,૫૮૨.૫૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૩૦.૨૦ પૉઈન્ટ અથવા તો ૦.૧૨ ટકા ઘટીને ૨૪,૪૭૯.૦૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
અંદાજપત્રમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારીને ૨૦ ટકા અને લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારીને ૧૨.૫૦ ટકા કરવાની સાથે ફ્યુચર અને ઓપ્શનમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો કરવામાં આવ્યો તેનો બજાર નકારાત્મક પ્રતિસાદ આપવાની જ હતી અને તેની જાહેરાત સાથે સેન્સેક્સે ૧૦૦૦ કરતાં વધુ પૉઈન્ટનો ઘટાડો દર્શાવ્યો હોવાનું સાઈટ્રસ એડવાઈઝર્સનાં ફાઉન્ડર સંજય સિંહાએ જણાવ્યું હતું.
આ કડાકા બાદ સરકાર રાજકોષીય ખાધ ઓછી રહે તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરશે અને માળખાકીય ખર્ચમાં વધુ ફાળવણી સાથે ગ્રામીણ ખર્ચમાં વધારો થવાની દિશામાં ધ્યાન રાખશે, એવું જણાવતા એફએમસીજી અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ શૅરોમાં સુધારો જોવા મળતાં અગાઉનો ઘટાડો સરભર થઈને બજાર સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યું હોવાનું મહેતા ઈક્વિટીઝનાં રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ પ્રશાંત તાપ્સેએ જણાવ્યું હતું. એકંદરે સરકાર અંદાજપત્રમાં આવક વધારવા અને મૂડીગત્ ખર્ચ વધારવા તરફ ધ્યાન રાખશે, એવું સ્થાનિક રોકાણકારોનું માનવું હતું, પરંતુ રાજકોષીય લક્ષ્યાંક હાંસલ કરવા ખર્ચમાં ઘટાડા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતાં વૃદ્ધિ મર્યાદિત રહે તેવી ધારણા હેઠળ મિશ્ર વલણ જોવા મળ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
આજે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૨૦ શૅરના ભાવ વધીને, ૨૯ શૅરના ભાવ ઘટીને અને એક શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૪ શૅરના ભાવ વધીને અને ૧૬ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૬.૬૩ ટકાનો વધારો ટિટાનમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે આઈટીસીમાં ૫.૫૨ ટકાનો, અદાણી પોર્ટસમાં ૨.૮૩ ટકાનો, એનટીપીસીમાં ૨.૩૬ ટકાનો, ઈન્ફોસિસમાં ૧.૪૬ ટકાનો અને એચસીએલ ટેક્નોલૉજીસમાં ૧.૨૮ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૩.૧૦ ટકાનો, બજાજ ફાઈનાન્સમાં ૨.૧૮ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૬૫ ટકાનો, એક્સિસ બૅન્કમાં ૧.૬૪ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૧.૩૯ ટકાનો અને પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૧.૩૩ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં મુખ્યત્વે રિઅલ્ટી ઈન્ડેક્સમાં ૨.૧૫ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૨.૦૩ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૧.૮૦ ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં ૧.૭૬ ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં ૧.૪૮ ટકાનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૧.૩૮ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે તેની સામે એફએમસીજી ઈન્ડેક્સમાં ૨.૪૮ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૨.૪૫ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૦.૮૨ ટકાનો, હેલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૫૯ ટકાનો, ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં ૦.૫૬ ટકાનો અને ઑટો ઈન્ડેક્સમાં ૦.૧૯ ટકાનો સુધારો આવ્યો હતો. આજે બીએસઈ ખાતે મિડકેપ ઈન્ડેક્સ ૦.૭૪ ટકા અને સ્મોલ કેપ ઈન્ડેક્સ ૦.૧૮ ટકા ઘટીને બંધ રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉના છેલ્લા ત્રણ અંદાજપત્રની રજૂઆતના દિવસે બજાર સુધારાના અન્ડરટોને બંધ રહી હતી. જેમાં વર્ષ ૨૦૨૩માં સેન્સેક્સ ૧૫૮.૧૮ પૉઈન્ટ, વર્ષ ૨૦૨૨માં સેન્સેક્સ ૮૪૮.૪૦ પૉઈન્ટ અને વર્ષ ૨૦૨૧માં સેન્સેક્સ ૨૩૧૪.૮૪ પૉઈન્ટ વધીને બંધ રહ્યો હતો, જ્યારે આ વર્ષે ઘટાડો જોવા મળ્યો છે.
આજે એશિયામાં સિઉલની બજાર સુધારાના ટોને બંધ રહી હતી, જ્યારે ટોકિયો, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર ઘટાડા સાથે બંધ રહી હતી. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.