શેર બજાર

રેકોર્ડ બ્રેકિંગ આગેકૂચ બાદ આખલાએ પોરો ખાધો, નિફ્ટીની ૨૦,૯૦૦ સુધી પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારમાંથી સારા સંકેત છતાં ઇન્ફલેશનના આંકડાની જાહેરાત અગાુની સાવચેતી વચ્ચે ઊંચા મથાળે વેચવાલી નીકળતાં સેન્સેક્સના ૭૦,૦૦૦ અને નિફ્ટીના ૨૧,૦૦૦ પાર કરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતાં. સેન્સેક્સ સત્રને અંતે ૩૭૭.૫૦ પોઇન્ટના ઘટાડા સાથે ૬૯,૫૫૧ પોઇન્ટની અને નિફટી ૯૦.૭૦ પોઇન્ટના ઘટાડા સાથે ૨૦,૯૦૬ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. ખાદ્ય પદાર્થોના ભંચા ભાવને જોતાં નવેમ્બર મહિનાના ફુગાવામાં વધારો આવશે અને તેને કારણે રિઝર્વ બેન્ક વ્યાજદરનો ઘટાડો ટાળશે એવી અટકળો વચ્ચે પ્રોફિટ બુકિંગ શરૂ થતાં બંને બેન્ચમાર્ક નીચી સપાટીએ ગબડ્યાં હતાં.

મારુતિ, ટાઇટન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી: ઇન્ડસઇન્ડ બેન્ક સેન્સેક્સનો ટોપ લૂઝર બન્યો હતો. અન્ય ઘટનારા મુખ્ય શેરોમાં મારુતિ, ટાઇટન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટૂબ્રો, કોટક મહિન્દ્રા બેન્ક અને એચડીએફસી બેન્કનો સમાવેશ હતો. જ્યારે ટોપ ગેઇનર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, એક્સિસ બેન્ક, ટીસીએસ, વિપ્રો અને આઇટીસી મેજર ગેઇનર હતાં. જોકે, મૂડીબજારમાં ભરણાંઓની ભરમાર ચાલુ રહી છે. મોતીસન્સ જ્વેલર્સના આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. બાવનથી રૂ.પંચાવન નક્કી થઇ છે. સબસ્ક્રિપ્શનની તારીખ ૧૮ ડિસેમ્બરે ખૂલશે અને ૨૦ ડિસેમ્બરે બંધ થશે. આ સંપૂર્ણ ભરણું ૨.૭૪ કરોડ શેરનું છે અને તમાં ઓએફએસ નથી. મિનિમમ બિડ ૨૫૦ શેરની છે. શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે.

બેન્કિંગ અને ફિનટેક ક્ષેત્રમાં વિશેષતા ધરાવતા સૌથી મોટા સોફ્ટવેર અને ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઇડર્સમાની એક નેટવર્ક પીપલ સર્વિસીસ ટેક્નોલોજી લિમિટેડ ધ ઈકોનોમિક ટાઈમ્સ એમએસએમઇ એવોર્ડ્સ અંતર્ગત ટોપ પરફોર્મિંગ લિસ્ટેડ ઈન્ડિયન એસએમઇ ૨૦૨૩ તરીકે પુરસ્કૃત થઇ છે. પારિતોષક વિતરણ કાર્યક્રમમાં ભારતના લઘુ, નાના અને મધ્યમ સ્તરના ઉદ્યોગોની ઉદ્યોગસાહસિક ઉત્સાહ અને ઉત્કૃષ્ટ વ્યાપારી સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ ઉદ્યોગોને રાષ્ટ્રની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે.

મૂડીબજારમાં એસએમઈ સહિત આઠ કંપનીના આઇપીઓ: આ સપ્તાહે પાંચ કંપનીઓના આઇપીઓ આવી રહ્યાં છે જે અંદાજે રૂ. ૪૨૦૦ કરોડ એકત્ર કરશે. આ સપ્તાહે મેઇન બોર્ડમાં પાંચ આઇપીઓ આવી રહ્યાં છે, જેમાં ઇન્ડિયા શેલટર્સ, ડોમ્સ, આઇનોક્સ ઇન્ડિયા, મોતીસન્સ જ્વેર્લ્સ અને સુરજ એસ્ટેટનો સમાવેશ છે.

એનએસઇ ઇમર્જમાં એસએમઇ સેગમેન્ટમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રની અગ્રણી કંપની એસજે લોજિસ્ટિક્સનો આઇપીઓ ૧૨ ડિસેમ્બરથી ખુલશે અને ૧૪ ડિસેમ્બરે બંધ થશે. કંપની રૂ. ૧૨૧થી રૂ. ૧૨૫ના ભાવે આશરે રૂ. ૪૮ કરોડ એકત્ર કરશે. ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર હેમ સિક્યોરિટીઝ છે. શેર એનએસઇ ઇમર્જ પર લિસ્ટ થશે. એસજે લોજિસ્ટિક્સ પ્રોજેક્ટ કાર્ગો, ઓડીસી કાર્ગો, વેરહાઉસિંગ અને અન્ય જેવી સુવિધાઓ સાથે લોજિસ્ટિક્સ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ ધરાવે છે. કંપની દક્ષિણ પૂર્વ એશિયાના બજારો સાથે દક્ષિણ અમેરિકા, યુરોપ, ગલ્ફ દેશોને આવરી લે છે, તેના ૧૫૦થી વધુ ગ્રાહકો છે. કંપની નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૩માં કાર્ગો સેગમેન્ટનો સીએજીઆર ૧૯૫ ટકા છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં આવક રૂ. ૧૩૪.૩૧ કરોડ હતી અને ચોખ્ખો નફો રૂ. ૭.૬૧ કરોડ હતો. દેશના લોજિસ્ટિક્સ સેક્ટરનું મૂલ્ય ૨૦૨૧માં રૂ. ૨૫૦ અબજ હતું, જે વાર્ષિક ૧૦થી ૧૨ ટકાના દરે વધીને ૨૦૨૫ સુધીમાં ૩૮૦ અબજ થઈ
શકે છે.

બીએસઇ એસએમઇ પર સિયારામ રિસાયક્લિંગનું ભરણું: બ્રાસ ઇન્ગોટ્સ, બિલેટ્સ, સેનિટરી અને પ્લમ્બિંગ ઉત્પાદન અને રિસાઇક્લિગંમાં સંકળાયેલી સિયારામ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ ૧૪ ડિસેમ્બરે ખુલશે અને ૧૮ ડિસેમ્બરે બંધ થશે. કંપની રૂ. ૪૩-૪૬ પ્રતિ શેરના ભાવે રૂ. ૨૨.૯૨ કરોડ એકત્ર કરશે. ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર હેમ સિક્યોરિટીઝ છે. આ શેર બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. કંપની ગુજરાતના જામનગરમાં ત્રણ ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે. તેના ઉત્પાદનો ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાજર છે. તે ચીન, જર્મની, બેલ્જિયમ અને ઓમાનમાં પણ નિકાસ કરે છે. નાણાકીય વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૩ વચ્ચે કંપનીની આવક ૮૮.૫૨ ટકા સીએજીઆરના દરે વધી છે. આ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો ૧૩૧.૯૧ ટકાના સીએજીઆર દરે વધ્યો છે. તેની ૩૨ ટકા આવક નિકાસમાંથી આવે છે. ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં, તેની આવક રૂ. ૪૯૨.૮૭ કરોડ અને ચોખ્ખો નફો રૂ. ૭.૬૫ કરોડ હતો.

બેન્ચમાર્ક કોમ્પ્યુટર્સમાં લઘુતમ લોટ ૨૦૦૦ શેરનો: બેન્ચમાર્ક કોમ્પ્યુટર સોલ્યુશન્સ લિમીટેડ શેરદીઠ રૂ. ૬૬ના ભાવે ૧૮૫૪૦૦૦ ઇક્વિટી શેર્સના આઇપીઓ સાથે ૧૪મી ડિસેમ્બરે બજારમાં પ્રવેશ કરશે. કંપની રૂ. ૧૨.૨૪ કરોડ ઊભા કરવા ધારે છે. ભરણું ૧૮ ડિસેમ્બરે બંધ થશે અને શેર બીએસઇ એસએમઇ પર ફાળવણી બાદ લિસ્ટ થશે. ઇસ્યુમાં કંપનીની ભરપાઇ થયેલી મૂડીના ૨૭.૦૧ ટકા હિસ્સાનો સમાવેશ થશે. લઘુત્તમ અરજી ૨૦૦૦ શેરની અને ત્યાર બાદ તેના ગુણાંકમાં કરવાની રહેશે. આ ઇસ્યુના લિડ મેનેજર બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ અને ઇસ્યુ રજિસ્ટ્રાર કેફિન ટેકનોલોજીઝ છે.

આઇપીઓના ભંડોળમાંથી પ્રાપ્ત થયેલી ચોખ્ખી રકમમાં રૂ. ૩.૯૦ કરોડ મૂડી ખર્ચ, રૂ. ૩.૮૦ કરોડ કાર્યશીલ મૂડી અને રૂ. ૨.૯૮ કરોડ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૨ માટે ટર્નઓવર/ચોખ્ખો નફો અનુક્રમે રૂ. ૧૮.૬૪ કરોડ અને ૦.૮૩ કરોડ અને નાણાંકીય વર્ષ ૨૦૨૩ માટે રૂ. ૩૧.૯૫ કરોડ અને રૂ. ૨.૦૩ કરોડ હાંસલ કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…