આરબીઆઈની નીતિ જાહેરાત બાદ મંદીવાળા હાવી થયા, સેન્સેક્સમાં સાતસોથી મોટું ગાબડું, બેન્ક શેરોમાં વેચવાલી તીવ્ર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આરબીઆઈના નાણાકીય નીતિના નિર્ણયની જાહેરાત પછી વ્યાજ દરમાં ઘટાડો કરવાના સમય અંગેની અનિશ્ર્ચિતતાને કારણે બેન્કિંગ અને ઓટો શેર્સમાં વેચવાલીથી ગુરૂવારે બેન્ચમાર્ક શેરઆંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ એક ટકાનો ઘટાડો થયો હતો.
સત્રના પ્રારંભે નોંધાયેલો તમામ સુધારો ગુમાવીને ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૭૨૩.૫૭ પોઈન્ટ અથવા ૧ ટકા ઘટીને ૭૧,૪૨૮.૪૩ પોઇન્ટ પર સ્થિર થયો હતો. આરબીઆઈની નાણાકીય નીતિની જાહેરાત પછી બેરોમીટર રેડ ઝોનમાં સરકી ગયું અને તે પછી બેન્ચમાર્ક ૭૧,૨૩૦.૬૨ પોઇન્ટની નીચી સપાટીએ અથડાયો હતો, જે ૯૨૧.૩૮ પોઈન્ટ અથવા ૧.૨૭ ટકાના નુકસાનને દર્શાવે છે. નિફ્ટી ૨૧૨.૫૫ પોઈન્ટ અથવા ૦.૯૭ ટકા ઘટીને ૨૧,૭૧૭.૯૫ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો.
આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિએ વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા અને છૂટક ફુગાવાને ચાર ટકા સુધી નીચે લાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સતત છઠ્ઠી વખત નીતિ દર યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈએ એકોમોડેટીવ સ્ટાન્સ પાછું ખેંચવાની પ્રકિયા જાળવી રાખવાની જાહેરાત કરી હતી. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, તેણે વર્તમાન અને વિકસતી મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિના મૂલ્યાંકનના આધારે પોલિસી રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. દર સંવેદનશીલ બેન્કિંગ અને નાણાકીય સેવાઓ, ઓટો, રિયલ્ટી અને કોમોડિટી શેર દબાણ હેઠળ રહ્યા હતા જ્યારે એનર્જી અને આઈટી શેર આગળ વધ્યા હતા. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પાવરગ્રીડ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, એચસીએલ ટેક્નોલોજીસ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોપ ગેઇનર્સ બન્યાં હતાં. પેટીએમના શેરમાં બે દિવસની આગેકૂચ બાદ ફરી સાત ટકાનો કડાકો નોંધાયો હતો. પાવરગ્રીડનો શેર મજબૂત પરિણામ પછી સાત ટકા ઊછળ્યો હતો. કર્ણાટક સરકારના ટુરિઝન ડિપાર્ટમેન્ટે મુંબઇ ખાતે કર્ણાટક સ્ટેટ ટુરિઝન ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગ સાથે પર્યટન ઉદ્યોગને વેગ આપવા માટે રોડ શો યોજ્યો હતો, જેમાં ૧૨૫થી વધુ ટૂર ઓપરેટરો અને ટ્રાવેલ એજન્ટ્સે બિઝનેસ ટુ બિઝનેસ ઇન્ટરએક્શન યોજાયું હતું. સિમેન્ટ અને સોલાર પાવર જનરેશન, ડિસ્ટ્રિબ્યુશન અને ઉત્પાદનમાં વ્યસ્ત શ્રી કેશવ સિમેન્ટ એન્ડ ઇન્ફ્રા લિમિટેડે નાણાકીય વર્ષ ૨૪ના ત્રીજા ત્રિમાસિક અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૦.૫૧ ટકાની નકારાત્મક વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૩૪.૬૩ કરોડની કુલ આવક અને ૧૮૬.૦૩ ટકાના વધારા સાથે રૂ. ૩.૯૭ કરોડનો ચોખ્ખો નપો નોંધાવ્યો છે. એ જ સાથે ૧૨.૪૭ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૧.૬૯ કરોડનો એબિટા, ૩૪.૩૮ ટકાનું એબિટા માર્જિન અને ૧૧.૪૬ ટકાનું નેટ પ્રોફિટ માર્જિન નોંધાવ્યું છે.
થર્મેક્સનો નફો ૮૮ ટકા વધીને રૂ. ૨૩૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એલઆઇસી મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે, એલઆઇસી એમએફ નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇટીએફના એનએફઓની જાહેરાત કરી છે. બેન્ક ઓફ ઇડિયા એમએફ મલ્ટિ એસેટ એલોકેશન ફંડના એનએફઓ મારફત રૂ. ૫૦૦ કરોડ એકત્ર કરશે. બ્રોડર માર્કેટમાં બીએસઇ સ્મોલકેપ ગેજ ૦.૪૪ ટકા ઘટ્યો હતો જ્યારે મિડકેપ ઇન્ડેક્સ ૦.૦૮ ટકા વધ્યો હતો. ક્ષેત્રીય સૂચકાંકોમાં એફએમસીજી બે ટકા અને બેન્કેક્સ ૧.૮૦ ટકા ઘટ્યો હતો. નાણાકીય સેવાઓ (૧.૪૬ ટકા), કોમોડિટી (૧.૧૩ ટકા), ઓટો (૦.૯૪ ટકા) અને રિયલ્ટી (૦.૭૩ ટકા) પણ નીચા બંધ રહ્યા હતા. એનર્જી, આઈટી, ટેલિકોમ્યુનિકેશન, યુટિલિટીઝ અને ટેકમાં સુધારો થયો હતો. બજારનો અંડરટોન નરમ પડ્યો હતો. કુલ ટ્રેડેડ શેરમાંથી ૨,૨૦૪ જેટલા શેરો ઘટ્યા હતા જ્યારે ૧,૬૩૬ આગળ વધ્યા હતા અને ૧૦૫ મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા. એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો અને શાંઘાઈ સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા હતા, જ્યારે હોંગકોંગ નીચા સપાટીએ સરક્યું હતું. યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં મોટેભાગે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બુધવારે અમેરિકી બજારો ઉછાળા સાથે બંધ થયા હતાં. ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, પોલીસી મોટાભાગે અપેક્ષિત ધારણા અનુસાર જ હતી પરંતુ રોકાણકારોએ સાવચેત રહેવાનું પસંદ કર્યું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં પ્રોફિટ બુકિંગને પગલે ફોલો-અપ સેલિંગ ઉભરી આવતાં નિફ્ટીએ તીવ્ર ઘટાડાનો અનુભવ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૮ ટકા ઘટીને ૭૯.૦૭ ડોલર પ્રતિ બેરલ બોલાઈ ગયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ બુધવારે રૂ. ૧,૬૯૧.૦૨ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. બુધવારે બીએસઇ બેન્ચમાર્ક ૩૪.૦૯ પોઈન્ટ અથવા ૦.૦૫ ટકા ઘટીને ૭૨,૧૫૨ પર સેટલ થયો હતો. નિફ્ટી ૧.૧૦ પોઈન્ટ અથવા ૦.૦૧ ટકાના વધારા સાથે ૨૧,૯૩૦.૫૦ પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૩.૫૪ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૦૮ ટકા, ટીસીએસ ૧.૨૯ ટકા, એચસીએલ ટેક્નોલોજીસ ૧.૨૪ ટકા અને ભારતી એરટેલ ૦.૭૧ ટકા વધ્યા હતા, જ્યારે આઈટીસી ૪.૦૪ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૩.૫૩ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૩૪ ટકા, નેસલે ઈન્ડિયા ૩.૦૨ ટકા અને એક્સિસ બેન્ક ૨.૯૫ ટકા ઘટ્યા હતા. આજે બધા ગ્રુપની કુલ ૧૨ કંપનીઓમાંથી ૬ કંપનીઓને ઉપલી અને ૬ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.