શેરબજારમાં નિરસ માહોલ વચ્ચે અદાણી શેરોમાં જોરદાર ઉછાળા
નિલેશ વાઘેલા
મુંબઇ: વિશ્વ બજારના નબળા સંકેતો પાછળ સ્થાનિક શેરબજારમાં પણ નબળાઈ જોવા મળી હતી. જોકે નિરસ માહોલ વચ્ચે અદાણી જૂથના શેરોમાં જોરદાર ઉછાળા આવતા બજારને સ્થિરતા મળી રહી હોવાનું જોવા મળ્યું.
આ જૂથના શેરોમાં ત્રણ ટકાથી ૨૦ ટકા સુધીના ઉછાળા જોવા મળ્યા હતા. અદાણી ગ્રુપના શેર નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ બન્યા હતા. એનર્જી શેરોમાં પણ કરંટ હતો. જોકે આઈટી શેર ફરી ધોવાયા હતા.
બંને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો નફા અને નુકસાન વચ્ચે અથડાતાં રહ્યા હતા, જે વૈશ્વિક બજારોમાં જોવા મળેલા મંદ વલણને પ્રતિબિંબિત કરે છે. જો કે, અદાણી ગ્રૂપના તમામ શેરો સ્પોટ લાઇટમાં રહ્યા હતા, જેણે મધ્ય સત્ર સુધીમાં બેન્ચમાર્ક સૂચકાંકોને ગ્રીન ઝોનમાં તરતા રહેવામાં પણ મદદ કરી હતી.
જાન્યુઆરીમાં યુએસ શોર્ટ-સેલર હિંડનબર્ગ દ્વારા ઉઠાવવામાં આવેલા એકાઉન્ટિંગ ફ્રોડ અને સ્ટોક મેનિપ્યુલેશનના આરોપો અંગે અદાણી ગ્રૂપની કંપનીઓની તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂર્ણ કર્યા પછી અદાણી સમૂહ સાથે જોડાયેલા સ્ટોક્સમાં 20 ટકા સુધીનો વધારો થયો હતો.
અદાલતે કહ્યું કે તે માત્ર અમુક રિપોર્ટના આધારે અને તેના આદેશોથી પ્રભાવિત સંસ્થાઓને સાંભળ્યા વિના તપાસનો આદેશ આપી શકે નહીં. આ વિધાનથી બજારમાં સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
જો કે આ તબક્કે પણ બજાર નેગેટિવ અને પોઝિટિવ ઝોન વચ્ચે અટવાઈ રહ્યું છે. નિફ્ટી માટે ૨૦,૦૦૦ના સ્તરને આંબવા ૧૯,૮૦૦ની સપાટી નિર્ણાયક હોવાનું બજારના નિષ્ણાતો જણાવી રહ્યા છે.