એબ્રિલ પેપરમાં રોકાણકારોને ઝટકો, ૨૦ ટકાનું ધોવાણ | મુંબઈ સમાચાર
શેર બજાર

એબ્રિલ પેપરમાં રોકાણકારોને ઝટકો, ૨૦ ટકાનું ધોવાણ

નિલેશ વાધેલા

મુંબઇ: એબ્રિલ પેપરના જાહેર ભરણાંમાં રોકાણ કરનારાઓને ભારે ઝટકો સહન કરવો પડ્યો છે, કારણ કે તેમણે આ પ્રારંભિક ઓફરમાં કરેલા રોકાણમાં એક ઝાટકે ૨૦ ટકાનું ધોવાણ સહન કરવાનો વારો આવ્યો છે. એબ્રિલ પેપર ટેકના શેરનો આજે ૫ાંચમી સપ્ટેમ્બરે શુક્રવારના રોજ શેરબજારમાં નબળો પ્રવેશ થયો હતો અને એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર પ્રતિ શેર રૂ. ૪૮.૮૦ પર લિસ્ટ થયા હતા.

શેરનો આ ભાવ આઇપીઓની રૂપિયા ૬૧ પ્રતિ શેરની સામેં ૨૦ ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે. સામાન્ય રીતે એસએમઇ શેરોમાં ૨૦ ટકાથી ૯૦ ટકા સુધીનું પ્રીમિયમ જોવા મળતું હોય છે, એને સ્થાને ડિસ્કાઉન્ટ લિસ્ટિંગ જોતાં રોકાણકારો આઘાત પામ્યા હતા.

આ પણ વાંચો: થોડા પૈસા બચ્યા હોય તો સાચવી રાખજોઃ એક બે નહીં 13 મોટી કંપનીના IPO આવી રહ્યા છે

એ પણ જોવાની વાત છે કે, કંપનીના પ્રથમ પબ્લિક ઇશ્યૂમાં ૨૯ ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર દરમિયાન સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયેલા ત્રણ દિવસના પબ્લિક બિડિંગ દરમિયાન રોકાણકારોનો ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. રોકાણકારોએ ઓછામાં ઓછા ૨,૦૦૦ શેર માટે અરજી કરવાની શરત હતી, અર્થાત લઘુત્તમ રોકાણ રૂ. ૧.૨૨ લાખ અને ત્યારબાદ ગુણાંકમાં કરવાનું હતું.

આને કારણે ગ્રે માર્કેટ પ્રાઇસની વિશ્ર્વસનીયતા સામે પણ સવાલો ઊભા થયા છે. ઉપલબ્ધ ડેટા અનુસાર, લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં લગભગ ૫ાંચ ટકા પ્રીમિયમ સાથે અનલિસ્ટેડ શેર ટ્રેડિંગ થયા હોવા છતાં લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ થયું છે. પ્રાઇમરી માર્કેટમાં હજુ અનેક ઇશ્યૂ આવી રહ્યા છે ત્યારે આ ઘટના રોકાણકારો માટે લાલબત્તી સમાન છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button