ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે ઈન્ડેક્સ હેવી વેઈટ શૅરોમાં ધૂમ વેચવાલી અને વિદેશી ફંડોનો વ્યાપક બાહ્ય પ્રવાહ
સેન્સેક્સ ૧૦૬૨ પૉઈન્ટ ખાબક્યો, નિફ્ટીએ ૩૪૫ પૉઈન્ટના કડાકા સાથે ૨૨,૦૦૦ની સપાટી ગુમાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રવર્તમાન લોકસભાની ચૂંટણીનાં પરિણામોની અનિશ્ર્ચિતતાને ધ્યાનમાં લેતાં રોકાણકારોની એચડીએફસી બૅન્ક, લાર્સન ઍન્ડ ટૂબ્રો તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવાં ઈન્ડેક્સ હેવી વેઈટ શૅરોમાં ધૂમ વેચવાલી ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગઈકાલે રૂ. ૬૬૬૯.૧૦ કરોડની વેચવાલી જોવા મળ્યા બાદ આજે વધુ રૂ. ૬૯૯૪.૮૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક ૧૦૬૨.૨૨ પૉઈન્ટના ગાબડા સાથે ૭૩,૦૦૦ની સપાટીની અંદર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૩૪૫ પૉઈન્ટના કડાકા સાથે ૨૨,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયો હતો. જોકે, આજે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૫૬૪૨.૫૩ કરોડની ચોખ્ખી લેવાલી પણ ઘટાડો ખાળી નહોતી શકી.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૭૩,૪૬૬.૩૯ પૉઈન્ટના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૭૩,૪૯૯.૪૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં ખૂલતી જ ૭૩,૪૯૯.૪૯ની સપાટી અને નીચામાં ૭૨,૩૩૪.૧૮ સુધી ઘટ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૦૬૨.૨૨ પૉઈન્ટ અથવા તો ૧.૪૫ ટકા તૂટીને ૭૨,૪૦૪.૧૭ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૨,૩૦૨.૫૦ના બંધ સામે ૨૨,૨૨૪.૮૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં ૨૨,૩૦૭.૭૫ અને નીચામાં ૨૧,૯૩૨.૪૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૧.૫૫ ટકા અથવા તો ૩૪૫ પૉઈન્ટના ઘટાડા સાથે ૨૧,૯૫૭.૫૦ના મથાળે બંધ રહ્યો હતો. તેમ જ આજે સ્મોલકેપ ઈન્ડેક્સમાં અને મિડકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૨.૪૧ ટકા અને ૨.૦૧ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો.
એકંદરે અમુક કંપનીઓનાં ગત નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકગાળાના પરિણામો અપેક્ષા કરતાં નબળા આવવાની સાથે પ્રવર્તમાન લોકસભાની ચૂંટણીનાં પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે રોકાણકારો સાઈડલાઈન થઈ જતાં બજારમાં ભારે ચંચળતાનું વલણ જોવા મળી રહ્યું હોવાનું જીઓજિત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન બજારમાં વધઘટે નરમાઈનું વલણ જ જોવા મળે તેવી શક્યતા છે. વધુમાં આજે મોડી સાંજની બૅન્ક ઑફ ઈંગ્લેન્ડની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ અને આગામી સપ્તાહે જાહેર થનારા અમેરિકાનાં ફુગાવાના ડેટા પર રોકાણકારોની નજર હોવાથી અમુક અંશે સાવચેતીનો અભિગમ પણ જોવા મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આજની બૅન્ક ઑફ ઈંગ્લેન્ડની નીતિવિષયક બેઠક પૂર્વે વૈશ્ર્વિક સ્તરે ઘણાંખરા બજારોમાં નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, ચીનનાં ગત એપ્રિલ મહિનાના આયાત-નિકાસના ડેટા સારા આવ્યા હોવાથી ચીનના બજારોમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ ચીન સિવાયની બજારોના નિરુત્સાહી અહેવાલ, સ્થાનિક સ્તરે ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતાને ધ્યાનમાં લેતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ રહેતાં આજે નિફ્ટીમાં તિવ્ર ઘટાડો જોવા મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ દિપક જસાણીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી માત્ર પાંચ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા. જેમાં ટાટા મોટર્સમાં ૧.૭૭ ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૧.૩૭ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૧૪ ટકાનો અને ઈન્ફોસિસ તથા એચસીએલ ટેક્નોલૉજીસમાં ૦.૮૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ સિવાયના અન્ય ૨૫ શૅરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં મુખ્યત્વે લાર્સન ઍન્ડ ટૂબ્રોનાં પરિણામ બજારની અપેક્ષાથી નબળા રહેતાં આજે શૅરના ભાવમાં સૌથી વધુ છ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય અન્ય મુખ્ય ઘટનાર શૅરોમાં એશિયન પેઈન્ટ્સમાં ૪.૬૮ ટકાનો, જેએસડબ્લ્યુ સ્ટીલમાં ૩.૬૪ ટકાનો, આઈટીસીમાં ૩.૫૬ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૨.૮૮ ટકાનો અને બજાજ ફાઈનાન્સમાં ૨.૮૬ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે રિલાયન્સમાં ૧.૭૭ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસમાં એકમાત્ર ઑટો ઈન્ડેક્સમાં ૦.૫૭ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડાઈસીસમાં ૦.૩૩ ટકાથી ૩.૧૩ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં મુખ્યત્વે ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૩.૪૧ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૩.૩૯ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૩.૩૭ ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૩.૩૩ ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં ૩.૨૩ ટકાનો અને મેટલ ઈન્ડેક્સમાં ૩.૧૩ ટકાનો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન આજે એશિયન બજારોમાં શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર સુધારા સાથે બંધ રહી હતી, અને સિઉલ અને ટોકિયોમાં નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે યુરોપનાં બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.