બ્રાસ અને કોપરની અમુક વેરાઈટીઓ સહિતની ધાતુઓમાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપરનાં ભાવમાં જોવા મળેલા ઘટાડાતરફી વલણ તેમ જ અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં માત્ર કોપર વાયરબાર અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં જોવા મળેલા અનુક્રમે કિલોદીઠ રૂ. બે અને રૂ. એકના સુધારાને બાદ કરતાં કોપરની અન્ય વેરાઈટી, લીડ ઈન્ગોટ્સ, ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૮ સુધીનો ઘટાડો આવ્યો હતો, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલી આક્રમક રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮ ઘટીને રૂ. ૧૭૦૫ અને રૂ. ૧૭ ઘટીને રૂ. ૨૧૫૮ના મથાળે રહ્યા હતા. આ સિવાય નિરસ માગે કોપર કેબલ સ્ક્રેપ અને કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૭૧૯ અને રૂ. ૭૦૯ના મથાળે અને કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, બ્રાસ યુટેન્સ્લિસ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૬૯૪, રૂ. ૬૫૩, રૂ. ૫૦૮, રૂ. ૪૭૭ અને રૂ. ૧૮૯ના મથાળે રહ્યા હતા. જોકે, આજે માત્ર કોપર વાયરબાર અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૭૫૬ અને રૂ. એક વધીને રૂ. ૨૦૭ના મથાળે રહ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૭૦ અને રૂ. ૨૨૩ના મથાળે ટકેલાં રહ્યાં હતાં.