શૅરબજારમાં છેલ્લી ઘડીની વેચવાલીએ સુધારો ધોવાયો, નિફ્ટીએ ૨૨,૭૮૩.૩૫ પોઇન્ટનું નવું ઇન્ટ્રા-ડે શિખર બનાવ્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારમાં મંગળવારના સત્રના પાછલા ભાગમાં એકાએક પ્રોફિટ બુકિંગનો મારો શરૂ થતાં ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી તમામ પ્રારંભિક સુધારો ગુમાવીને નીચા સ્તરે ગબડ્યા હતા. વૈશ્ર્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ખાસ કરીને આઇટી અને પાવર શેરોમાં વેચવાલીનો મારો ચાલતા તેજીનો ખેલ બગડ્યો હતો. બે દિવસીની આગેકૂચને બ્રેક મારીને ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૧૮૮.૫૦ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકા ઘટીને ૭૪,૪૮૨.૭૮ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૪૪૦.૧૧ પોઈન્ટ અથવા ૦.૫૮ ટકા વધીને ૭૫,૧૧૧.૩૯ પોઇન્ટ સુધી ઊંચે પહોંચ્યો હતો.
આ તરફ એનએસઇનો પચાસ શેરવાળો બેન્ચમાર્ક નિફ્ટી ૩૮.૫૫ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા ઘટીને ૨૨,૬૦૪.૮૫ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. મોડી બપોરના કામકાજ દરમિયાન આ બેન્ચમાર્ક ૧૩૯.૯૫ પોઈન્ટ અથવા ૦.૬૧ ટકા વધીને ૨૨,૭૮૩.૩૫ પોઇન્ટની ઇન્ટ્રા-ડે સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો. સેન્સેક્સ બાસ્કેટમાંથી, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચસીએલ ટેક્નોલોજીસ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, લાર્સન એન્ડ ટુબ્રો અને કોટક મહિન્દ્રા બેંક સૌથી વધુ ગબડનારા મુખ્ય શેરોમાં સામેલ હતા.
જાહેર ક્ષેત્રની કંપની આરઇસી લિમિટેડે વાર્ષિક ધોરણે અત્યાર સુધીનો સૌથી વધુ રૂ. ૧૪,૦૧૯ કરોડનો ચોખ્ખો નફો અને શેરદીઠ પાંચ રૂપિયાનું અંતિમ ડિવિડંડ જાહેર કર્યું છે. ચોથા ક્વાર્ટર માટે કંપનીએ રેવેન્યુ ૨૫ ટકા વધીને રૂ. ૧૦,૧૧૩ કરોડ, કુલ આવક રૂ. ૧૨,૬૪૩ કરોડ સામે ૨૫ ટકાના વધારા સાથે રૂ. ૧૦,૧૨૪ કરોડ રહી હતી. ચોખ્ખી વ્યાજ આવક રૂ. ૪,૪૦૭ કરોડ સામે ૨૯ ટકા વધીને રૂ. ૩,૪૦૯ કરોડ, જ્યારે ચોખ્ખો નફાો રૂ. ૪,૦૧૬ કરોડ સામે ૩૪ ટકાના વધારા સાથે રૂ. ૩,૦૦૧ કરોડ નોંધાઇ હતી.
નેટવર્ક પીપલ સર્વિસીસ ટેક્નોલોજીસ લિમિટેડ (એનપીએસટી)એ ચોથા ત્રિમાસિક ઓડિટેડ પરિણામોમાં સ્ટેન્ડઅલોન ધોરણે ૧૦૮.૮૩ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૪૪.૭૧ કરોડની કુલ આવક, ૧૩૦.૯૨ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૫.૩૧ કરોડનું એબિટા, ૧૬૦.૯૦ ટકાનો રૂ. ૧૦.૦૨ કરોડનો ચોખ્ખો નફો, એબિટા માર્જિન ૩૪.૨૪ ટકા અને ૨૨.૪૧ ટકાનું નેટ પ્રોફિટ માર્જિન નોંધાવ્યું છે.
એવીજી લોજિસ્ટિક્સ લિમિટેડે એક પ્રખ્યાત ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ ઉત્પાદક પાસેથી નોંધપાત્ર કરાર હાંસલ કર્યો છે. આ ઐતિહાસિક કરાર હેઠળ, કંપની ત્રણ વર્ષના સમયગાળામાં સેવા આપવા માટે આશરે રૂ.૫૦ કરોડના કરાર મૂલ્ય સાથેના વોશિંગ મશીન, એર કંડિશનર, રેફ્રિજરેટર્સ, ડીશવોશર અને કોન્ટ્રાક્ટ મૂલ્ય સાથેના અન્ય ઘરગથ્થુ ઉપકરણો સહિત વિવિધ ઉપકરણોની સલામત, કાર્યક્ષમ રેલ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા કરશે.
ક્રિએટિવ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સ્ટુડિયો, ફેન્ટમ ડિજિટલ ઇફેક્ટ્સ લિમિટેડે પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે, જે કંપનીના વિસ્તરણના અનુસંધાનમાં સહાયક નિવડશેે. કંપનીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રોજેક્ટ્સ હાંસલ થયા છે. નવા પ્રોજેક્ટમાં સમગ્ર ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં ગ્રાહકોની જરૂરિયાતોનો વ્યાપક અવકાશ સામેલ છે. પ્રોજેક્ટનો ભારતીય સેગમેન્ટ રૂપિયા ત્રણ કરોડનું અંદાજિત મૂલ્ય ધરાવે છે. આંતરરાષ્ટ્રીય ઘટક, જેનું મૂલ્ય આશરે રૂ. ૧૪ કરોડ છે.
બજારના નિષ્ણાત અનુસાર સકારાત્મક વૈશ્ર્વિક સંકેતોને કારણે મંગળવારે સ્થાનિક બેન્ચમાર્ક શેરઆંક ઊંચા મથાળે ખુલ્યા હતા. મજબૂત લેવાલીના ટેકાને કારણે, નિફ્ટીએ ૨૨,૭૮૩.૩૫ની તાજી ઇન્ટ્રા-ડે ઓલ-ટાઇમ હાઈ નોંધાવી હતી. પરંતુ તેના પગલે નોંધપાત્ર પ્રમાણમાં પ્રોફિટ બુકિંગ શરૂ થયું હતું અને ઇન્ડેક્સ દિવસના નીચા સ્તરે ૨૨,૬૦૫ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો. વધુમાં, વોલેટિલિટી ઈન્ડેક્સ, ઈન્ડિયા વીઆઇએકસ, વ્યાજ દરો પર યુએસ ફેડરલ મીટિંગ પહેલા ૫.૧૯% વધ્યો. ટેકનિકલ દૃષ્ટિકોણથી, દૈનિક ધોરણે ઇન્ડેક્સે અગાઉના ઉચ્ચ સ્તરની નજીક બેરીશ કેન્ડલ બનાવી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક અને મારૂતિ સુઝુકીના શેરો મુખ્ય ઘટવનારા શેરોની યાદીમાં હતા. એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો અને હોંગકોંગ પોઝિટીવ ઝોનમાં સ્થિર થયા જ્યારે શાંઘાઈ નીચા સ્તરે ગબડ્યો હતો. યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં મોટે ભાગે નીચામાં ટ્રેડ થઈ રહ્યા હોવાના અહેવાલ હતા. વોલ સ્ટ્રીટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સોમવારે પોઝિટીવ ટ્રેન્ડ સાથે આગળ વધ્યા હતા. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૨૧ ટકા વધીને ૮૮.૫૯ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
અમેરિકાની ફેડરલ રિઝર્વની પોલિસી મીટિંગ પહેલા વૈશ્ર્વિક બજારો મિશ્ર રહ્યા હતા, કારણ કે બજારોએ પહેલાથી જ નજીકના ગાળાના રેટ કટની નજીવી તકને ધ્યાનમાં લીધી હોય તેવું લાગે છે. છેલ્લા બે દિવસમાં તીવ્ર તેજીને જોતાં રોકાણકારોએ નફો ગાંઠે બાંધવાનું પસંદ કર્યું હતું. બુધવારે મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે સ્થાનિક ઈક્વિટી બજારો બંધ રહેશે. એક્સચેન્જ ડેટા અનુસાર ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (એફઆઇઆઇ)એ સતત ઓફલોડિંગ પછી સોમવારે મામૂલી કે સાવ અલ્પ કહી શકાય એવી રૂ. ૧૬૯.૦૯ કરોડની ઇક્વિટી ખરીદી હતી. એ વાત નોંધવી રહી કે આ વર્ગે એપ્રિલ મહિનામાં રૂ. ૪૦,૦૦૦ કરોડથી વધુની વેચવાલી નોંધાવી છે.