વિદેશી હૂંડિયામણની અનામતમાં ૪.૦૩ અબજ ડૉલરનો ઉછાળો
મુંબઈ: ગત પહેલી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત ૪.૦૩૯ અબજ ડૉલરનાં ઉછાળા સાથે ૫૯૮.૮૯૭ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત ત્રણ કરોડ ડૉલર ઘટીને ૫૯૪.૮૫૮ અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઑક્ટોબર, ૨૦૨૧માં દેશની અનામત ૬૪૫ અબજ ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચી હતી. જોકે, ત્યાર બાદ વૈશ્ર્વિક પરિબળોને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સતત થઈ રહેલા ધોવાણને ખાળવા માટે રિઝર્વ બૅન્ક દ્વારા હાજર બજારમાં સતત ડૉલરમાં વેચવાલીનું દબાણ રહેતું હોવાથી અનામતમાં ઘટાડો થતો રહ્યો હતો.
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં મોટો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો ૩.૪૪૨ અબજ ડૉલર વધીને ૫૩૦.૬૯૧ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, કુલ વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર સિવાયના યુરો, પાઉન્ડ અને યૅન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત ૫૮.૪ કરોડ ડૉલર વધીને ૪૪.૯૩૯ અબજ ડૉલર, ઈન્ટરનેશનલ મૉનૅટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (એસડીઆર) ૧૦ લાખ ડૉલર વધીને ૧૮.૧૯૫ અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મૉનૅટરી ફંડ સાથેની અનામત પણ ૧.૨ કરોડ ડૉલર વધીને ૫.૦૭૩ અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.