વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સેન્સેક્સમાં ૨૮૨ પૉઈન્ટની અને નિફ્ટીમાં ૯૭ પૉઈન્ટની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટના પ્રોત્સાહક અહેવાલો સાથે સ્થાનિક બજારમાં પણ આજે સતત બીજા સત્રમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ સત્ર દરમિયાન ૪૫૪.૨૯ પૉઈન્ટ વધ્યા બાદ અંતે ૨૮૨.૮૮ પૉઈન્ટના અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી સત્ર દરમિયાન ૧૪૩ પૉઈન્ટ વધ્યા બાદ અંતે ૯૭.૩૫ પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો.
એકંદરે વૈશ્ર્વિક બજારનાં આર્થિક ડેટા મક્કમ વલણ, ક્રૂડ તેલના ભાવમાં ઘટાડાતરફી વલણ તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ હવે વ્યાજદરમાં વધુ વધારો નહીં કરે એવો આશાવાદ સપાટી પર આવતા વિશ્ર્વ બજારમાં જોવા મળેલા સુધારા ઉપરાંત સ્થાનિક સ્તરે જાહેર થઈ રહેલા કોર્પોરેટ પરિણામો પણ પ્રોત્સાહક આવતાં આજે બજારમાં સુધારાને ટેકો મળ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૭૭૩૯ કરોડની ખરીદી સામે રૂ. ૭૭૫૧.૪૩ કરોડની વેચવાલી રહેતાં કુલ વેચવાલી રૂ. ૧૨.૪૩ કરોડની રહી હતી.વેચવાલી ધીમી પડી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૭૯૩૨.૭૩ કરોડની ખરીદી સામે રૂ. ૭૫૩૦.૦૪ કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. ૪૦૨.૬૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાના અહેવાલ હતા.
દરમિયાન આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૪,૦૮૦.૯૦ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૬૪,૪૪૪.૯૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૪,૨૭૫.૩૯ અને ઉપરમાં ૬૪,૫૩૫.૧૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૪૪ ટકા અથવા તો ૨૮૨.૮૮ પૉઈન્ટ વધીને ૬૪,૩૬૩.૭૮ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૯,૧૩૩.૨૫ના બંધ સામે ૧૯,૨૪૧ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૯,૨૧૦.૯૦થી ૧૯,૨૭૬.૨૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૫૧ ટકા અથવા તો ૯૭.૩૫ પૉઈન્ટ વધીને ૧૯,૨૩૦.૬૦ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૦.૯૧ ટકાનો અથવા તો ૫૮૦.૯૮ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૦.૯૬ ટકા અથવા તો ૧૮૩.૩૫ પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો છે.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૬ શૅરના ભાવ વધીને અને ૧૪ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્ય વધનાર શૅરોમાં ખાસ કરીને ટિટાનમાં સૌથી વધુ ૨.૨૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે જેએસડબ્લ્યુ સ્ટીલમાં ૧.૭૫ ટકાનો, ટાટા મોટર્સમાં ૧.૭૩ ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૫૪ ટકાનો, ટૅક મહિન્દ્રામાં ૧.૫૩ ટકાનો અને ઈન્ફોસિસમાં ૧.૩૬ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં બજાજ ફિનસર્વમાં ૨.૩૭ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૦.૭૮ ટકાનો, ટાટા સ્ટીલમાં ૦.૭૨ ટકાનો, એચસીએલ ટૅક્નોલૉજીસમાં ૦.૫૫ ટકાનો, નેસ્લેમાં ૦.૫૩ ટકાનો અને બજાજ ફાઈનાન્સમાં ૦.૪૪ ટકાનો ઘટાડો આવ્યો હતો.વધુમાં આજે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૩૬ શૅરના ભાવ વધીને અને ૧૪ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. તેમ જ આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૯૪ ટકાનો અને મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૭૧ ટકાનો સુધારો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં માત્ર બેઝિક મટિરિયલ ઈન્ડેક્સ, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સ અને ફાઈનાન્સ ઈન્ડેક્સમાં અનુક્રમે ૩.૦૫ ટકાનો, ૨.૪૦ ટકાનો અને ૧.૩૫ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા જેમાં મુખ્યત્વે રિયલ્ટી ઈન્ડેક્સમાં ૨.૬૪ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૧.૪૪ ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૦.૯૪ ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૦.૮૯ ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં ૦.૮૦ ટકાનો અને સીપીએસઈ ઈન્ડેક્સમાં ૦.૭૬ ટકાનો સુધારો આવ્યો હતો.
દરમિયાન આજે એશિયન બજારોમાં સિઉલ, શાંઘાઈ અને હૉંગકૉંગની બજારો સુધારા સાથે બંધ રહી હતી. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન સુધારો દર્શાવાઈ રહ્યો હતો. તેમ જ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૦૧ ટકા વધીને બેરલદીઠ ૮૬.૮૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
બીજા ત્રિમાસિકગાળાના પ્રોત્સાહક પરિણામે
ટાટા મોટર્સના શૅરમાં પાંચ ટકાનો ઉછાળો
નવી દિલ્હી: ગત સપ્ટેમ્બર મહિનાના અંતે પૂરા થયેલા ત્રિમાસિકગાળામાં ટાટા મોટર્સની સબસિડિયરી જગુઆર લૅન્ડ રૉવરની આકર્ષક કામગીરીને પગલે કંપનીનો કોન્સોલિડેટેડ નફો રૂ. ૩૭૮૩ કરોડની સપાટીએ રહ્યો હોવાના નિર્દેશો સાથે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ ખાતે સત્ર દરમિયાન શૅરના ભાવ એક તબક્કે ૪.૪૯ ટકા વધીને શૅરદીઠ રૂ. ૬૬૫.૪૫ અને એનએસઈ ખાતે ૪.૬૪ ટકા વધીને રૂ. ૬૬૬ આસપાસ પહોંચ્યા હતા. જોકે, સત્રના અંતે બીએસઈ ખાતે ભાવ ૧.૭૩ ટકા વધીને રૂ. ૬૪૭.૮૦ અને એનએસઈ ખાતે ૧.૬૩ ટકા વધીને રૂ. ૬૪૬.૮૦ના મથાળે બંધ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે ટાટા મોટર્સે સતત ચોથા ત્રિમાસિકગાળામાં પ્રોત્સાહક પરિણામો દાખવ્યા છે. જોકે, ગત સાલના સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળામાં કંપનીએ રૂ. ૧૦૦૪ કરોડની ચોખ્ખી નુકસાની નોંધાવી હતી.
વધુમાં સમીક્ષા હેઠળના ત્રિમાસિકગાળામાં કંપનીની કોન્સોલિડેટેડ કાર્યકારી આવક રૂ. ૧,૦૫,૧૨૮ કરોડ (રૂ. ૭૯,૬૧૧ કરોડ) રહી હતી. તેમ જ સ્ટેન્ડ એલોન ધોરણે કંપનીનો ચોખ્ખો નફો રૂ. ૧૨૭૦ કરોડના સ્તરે રહ્યો હતો, જ્યારે ગત સાલના સમાનગાળામાં રૂ. ૨૯૩ કરોડની નુકસાની કરી હતી. જોકે, સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળામાં જગુઆર લૅન્ડ રૉવરની આવક વર્ષાનુવર્ષ ધોરણે ૩૦ ટકા વધીને ૬.૯ અબજ પાઉન્ડના સ્તરે રહી હોવાનું કંપનીએ બીએસઈને એક યાદીમાં જણાવ્યું છે.