સોનામાં રૂ. ૧૮નો અને ચાંદીમાં રૂ. ૧૫૩નો ઘસરકો | મુંબઈ સમાચાર

સોનામાં રૂ. ૧૮નો અને ચાંદીમાં રૂ. ૧૫૩નો ઘસરકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે અમેરિકી ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાચાંદીના ભાવમાં પણ ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૦.૮ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલને છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં ૨૧ પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો ઘટવાથી વિશ્ર્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૫૩નો ઘસરકો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં .૯૯૯ ટચ ચાંદીમાં વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી લેવાલી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૫૩ ઘટીને રૂ. ૭૧,૦૧૭ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની ખપપૂરતી લેવાલી અને ડૉલર સામે રૂપિયામાં સુધારો આવતાં વિશ્ર્વ બજારથી વિપરીત ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮,૯૩૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯,૧૭૧ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ૧૯૨૩.૬૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૯૪૭.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૫ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૩.૦૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અમેરિકા ખાતે ગત ઑગસ્ટ મહિનાના સર્વિસીસ આંકમાં અનપેક્ષિતપણે જોવા મળેલી વૃદ્ધિ તેમ જ બેરોજગારી ભથ્થુ મેળવવા માટેની અરજીમાં ઘટાડો થવાથી ડૉલર તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા, પરંતુ આજે તેમાં વધ્યા મથાળેથી નરમાઈનું વલણ રહેતાં સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે વ્યાજદરમાં વધારાની અર્થતંત્ર પર માઠી અસર ન પડે એવું ફેડરલ રિઝર્વ ઈચ્છી રહી છે અને તેવું જ થઈ રહ્યું છે. આથી ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં વધારો નહીં કરે, પરંતુ આગામી વર્ષ ૨૦૨૪ માટે કેવું વલણ અપનાવશે તેનાં સંકેતોની બજાર રાહ જોઈ રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Back to top button