ઇઝરાયલ યુદ્ધની વધતી તીવ્રતા અને ક્રૂડ ઓઇલના ઉછળતા ભાવ વચ્ચે સેન્સેક્સ ૮૨૬ પોઈન્ટ્સ ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય-પૂર્વમાં ઇઝરાયલના હમાસ પર તીવ્ર બની રહેલા આક્રમણને કારણે ડહોળાયેલા માનસ સાથે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં જોવા મળેલી નરમાઇ સાથે સ્થાનિક બજારમાં બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે એક ટકાથી વધુ ગબડ્યા હતા. નિફ્ટીએ મહત્ત્વના સપોર્ટ લેવલ તોડી નાંખ્યા છે તે જોતાં ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર આ અત્યંત જોખમી સ્તર છે.
સ્થાનિક ધોરણે શેરબજારને માટે અત્યારે કોર્પોરેટ પરિણામ અને એફઆઇઆઇનું વલણ મહત્ત્વના પરિબળ છે. જોકે, વૈશ્ર્વિક સ્તરે ભારતને એસર કરી શકે એવું સૌથી મોટું પરિબળ ક્રૂડ ઓઇલના ભાવની વધઘટ અને અમેરિકાની ટ્રેઝરી બિલની યિલ્ડ છે. સમગ્ર વિશ્ર્વની નજર હમાસ અને ઇઝરાયલના યુદ્ધ પર મંડાયેલી છે. સતત ચોથા દિવસની પીછેહઠમાં બીએસઇનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક સેન્સેક્સ ૮૨૫.૭૪ પોઈન્ટ અથવા ૧.૨૬ ટકા ઘટીને ૬૪,૫૭૧.૮૮ પોઇન્ટ પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન તે ૮૯૪.૯૪ પોઈન્ટ અથવા ૧.૩૬ ટકા ઘટીને ૬૪,૫૦૨.૬૮ પર આવી ગયો હતો.
નિફ્ટી જોખમી સ્તરે ગબડ્યો: એ જ રીતે, નિફ્ટી બેન્મચાર્ક ઇન્ડેક્સ ૨૬૦.૯૦ પોઈન્ટ અથવા ૧.૩૪ ટકા ઘટીને ૧૯,૨૮૧.૭૫ પોઇન્ટની સપાટી પર આવી ગયો હતો. શુક્રવારે બીએસઇ બેન્ચમાર્ક ૨૩૧.૬૨ પોઈન્ટ અથવા ૦.૩૫ ટકા ઘટીને ૬૫,૩૯૭.૬૨ પર સેટલ થયો હતો. નિફ્ટી ૮૨.૦૫ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા ઘટીને ૧૯,૫૪૨.૬૫ પર આવી ગયો હતો. બુધવારથી અત્યાર સુધીના ચાર સત્રોમાં સેન્સેક્સ ૧,૯૨૫ પોઈન્ટ ઘટીને ૬૫,૦૦૦ની નીચે આવી ગયો હતો, જ્યારે નિફ્ટી લગભગ ૫૩૦ પોઈન્ટ ગબડ્યો છે. સેન્સેક્સ કંપનીઓમાં, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, એનટીપીસી, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેન્ક, પાવર ગ્રીડ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ટોપ લૂઝર બન્યા હતા.
એમએન્ડએમ, બજાજ ફાઇનાન્સ ટોપ ગેઇનર: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ફાઇનાન્સ ટોપ ગેઇનર રહ્યા હતા. આ સપ્તાહે એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, મારૂતિ સુઝુકી ઈન્ડિયા અને ટેક મહિન્દ્રા સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાણાકીય આંકડા જાહેર કરશે. એશિયન પેઇન્ટ્સ, બીપીસીએલ, કેનેરા બેંક, પીએનબી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ સપ્તાહ દરમિયાન તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરશે. પિરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડનું ૯.૩૫ ટકાનો કૂપન રેટ ધરાવતું એનસીડી ભરણું ખૂલી ગયું છે, જે બીજી નવેમ્બરે બંધ થશે. રૂ. ૧,૦૦૦ની ફેસ વેલ્યુના સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન-ક્ધવર્ટિબલ ડિબેન્ચર્સના ભરણાંનું કદ રૂ. ૨૦૦
કરોડનું છે.
એનસીડી એનએસઇ પર લિસ્ટેડ થશે. વનપ્લસ મોબાઇલે પ્રોડક્ટ એક્સપાન્શન અંતર્ગત તેનો નવો ફોલ્ડેબલ મોબાઈલ વન પ્લસ ઓપન ભારતીય બજારમાં રજૂ કર્યો છે, જેની કિંમત રૂ. ૧,૩૯,૯૯૯ છે, જે કંપનીના સેટઅપ ઉપરાંત રિલાયન્સ રિટેલ અને એમેઝોન પર ઉપલબ્ધ રહેશે. પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડેે ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામમાં ૭૭ ટકાના વધારા સાથે રૂ. ૨૩૦ કરોડનો ચોખ્ખો નફો, ૫૪ ટકાના વધારા સાથે રૂ. ૨૦,૨૧૫ કરોડની એયુએમ નોંધાવી છે.
એનએસઇ ઇમર્જ પર એક વધુ એસએમઇ: એનએસઇ ઇમર્જ પર એક વધુ એસએમઇનું લિસ્ટિંગ થશે. પેરાગોન ફાઈન એન્ડ સ્પેશિયાલિટી કેમિકલ્સ ૨૬ ઓક્ટોબરે મૂડીબજારમાં આવશે, ભરણું ૩૦મીએ બંધ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૯૫-૧૦૦ છે. કંપની રૂ. ૫૧.૬૬ કરોડ એકત્ર કરશે. બુક રનિંગ લીડ મેનેજર હેમ સિક્યોરિટીઝ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કંપનીની આવક રૂ. ૮૩ કરોડ હતી જ્યારે ચોખ્ખો નફો રૂ. ૪.૩૯ કરોડ હતો.
૨૦૨૨-૨૩માં આવક વધીને રૂ. ૧૦૨ કરોડ થઈ છે અને નફો બમણો થઈને રૂ. ૯.૮૯ કરોડ થયો છે. આવકમાં નિકાસનો હિસ્સો ૩૩.૮૭ ટકા છે. કંપની પાસે ૧૪૦ ઉત્પાદનો છે જે એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકામાં પણ નિકાસ થાય છે. તેના વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ ફાર્મા, એગ્રોકેમિકલ્સ, કોસ્મેટિક, પિગમેન્ટ અને ડાઈ ઉદ્યોગોમાં થાય છે. તેની પાસે વિરમગામ, અમદાવાદ ખાતે ૭૦૦૦ ચોરસ મીટરની ઉત્પાદન સુવિધા છે અને તેની અંદર સંશોધન અને વિકાસ સુવિધાઓ પણ છે.
ક્રૂડ ઓઇલના ભાવ બેરલે ૯૦ ડોલર વટાવી ગયા: શેરબજારને આગળ વધતા અવરોધે એવા અનેક પરિબળો અત્યારે મોજૂદ છે અને મોટાભાગના પરિબળો એવા છે કે જેમાં કશું નિશ્ર્ચિત કહી શકાય એમ નથી. આ સપ્તાહે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ, ક્રૂડ ઓઇલની કિંમત, કોર્પોરેટ પરિણામો અને વૈશ્ર્વિક બજારના વલણ સ્થાનિક શેરબજારોને અસરકર્તા પરિબળ બનશે.
ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ૯૦ ડોલરની ઉપર ક્વોટ થવાને કારણે પણ બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું . માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલના ભાવ, વૈશ્ર્વિક વલણો અને કોર્પોરેટ સેકટરની ત્રિમાસિક કમાણી આ અઠવાડિયે ભારતીય ઈક્વિટી બજારોને દિશા આપશે. નોંધનીય છે કે, આ સપ્તાહ ૨૪ ઓક્ટોબરે દશેરાની રજાને કારણે એક દિવસ ટૂંકું રહેશે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પર સીધી અસર થઇ રહી છે, એ જોતાં રોકાણકારોની ગાઝા પટ્ટી પર ખાસ નજર રહેશે. એક્સચેન્જ ડેટા અનુસાર ઓક્ટોબર મહિનામાં ૧૯ ઓક્ટોબર સુધીના સમયગાળામાં એફઆઇઆઇએ કુલ રૂ. ૧૨,૦૦૦ કરોડની નેટ વેચવાલી કરી છે. જોકે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂ. ૪૫૬.૨૧ કરોડની ઇક્વિટી ખરીદી હતી.
બજારના વિશ્ર્લેષકો માને છે કે, બજાર ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં આવનારા વળાંક પર ખાસ નજર રાખશે. ભારતની મોટી કંપનીઓના પરિણામો પર પણ ખાસ નજર રાખવી જોઈએ. કેટલીક મોટી વૈશ્ર્વિક અને સ્થાનિક ઘટનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે, જેમાં યુકે સર્વિસ પીએમઆઇ, યુએસ પ્રોડકશનએન્ડ સર્વિસ પીએમઆઇ, યુએસ જીડીપી, ઇનિશિયલ જોબલેસ ક્લેમ્સ અને ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીઝનો સમાવેશ
થાય છે.
ભારત સહિત વિશ્ર્વભરના બજારો, ત્રિમાસિક પરિણામો સાથે જોડાયેલા શેરલક્ષી પગલાં સાથે, ભૌગોલિક રાજકીય પડકારો, ક્રૂડ ઓઇલની કિંમતો અને બોન્ડની ઉપજની વધઘટનો પ્રતિસાદ આપશે. આ ટૂંકા સપ્તાહમાંં કમાણીની સીઝનમાં તેજી આવશે જે વૈશ્ર્વિક સંકેતો સાથે બજારના વલણને દિશામાન કરશે. વૈશ્ર્વિક મોરચે યુરોપિયન સેન્ટ્રલ બેંક આ અઠવાડિયે વ્યાજ દરના નિર્ણયની જાહેરાત કરશે.