શેર બજાર

ચાઇનીઝ પ્રતિબંધને કારણે એપલમાંબે દિવસમાં ₹ ૧૬.૬૧ લાખ કરોડનું ધોવાણ

મુંબઇ: ચાઇનીઝ પ્રતિબંધને કારણે એપલમાં બે દિવસમાં રૂ. ૧૬.૬૧ લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે. જોકે, બે સત્રના કડાકા બાદ શુક્રવારે એપલના શેરમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં અંદાજે એક ટકાનો વધારો થતા તેનો શેર ૧૭૯.૨૩ ડોલરની આસપાસ ટ્રેડ કરતો હતો. એ નોંધવું રહ્યું કે, એપલની ૩૯,૪૦૦ કરોડ ડોલરની આવકમાંથી લગભગ ૧૯ ટકા ચીન, હોંગકોંગ અને તાઈવાનના બજારોમાંથી આવે છે.
આઇફોન બનાવતી દિગ્ગજ અમેરિકન કંપની એપલને ચીનના એક નિર્ણયથી મોટો ફટકો પડયો છે. ચીનમાં સરકારે સરકારી અધિકારીઓ પર આઇફોન રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ અહેવાલને પગલે પાછલા બુધવારે એપલના શેર લગભગ ચાર ટકા તૂટયા હતા. આ પછી કેન્દ્રના સરકારી અધિકારીઓ બાદ સરકારી કંપનીઓ અને રાજ્યના સરકારી અધિકારીઓ પર પણ પ્રતિબંધના અહેવાલે ગુરૂવારે ફરીથી લગભગ ત્રણ ટકાનો કડાકો જોવા
મળ્યો હતો.
બે દિવસના આ ઘટાડાને કારણે એપલનું માર્કેટ કેપ માત્ર બે દિવસમાં લગભગ ૨૦ હજાર કરોડ ડોલર (રૂ. ૧૬.૬૧ લાખ કરોડ) ધોવાયું હતું. ગુરુવાર ૭ સપ્ટેમ્બરે નાસ્ડેક પર એપલનો શેર ૧૭૭.૫૬ ડોલર પર બંધ થયો હતો. ૫ સપ્ટેમ્બરે એપલના શેરનો ભાવ ૧૮૯.૭ ડોલર પર હતો અને તેનું માર્કેટ કેપ ૨.૭૮ ટ્રિલિયન ડોલર છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ ઓફિસમાં આઈફોન ન લાવે અને ઓફિસના કામ માટે તેનો ઉપયોગ ન કરે. જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે કેટલી ઓફિસોએ આ પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર તેનો વ્યાપ આગામી સમયમાં વધી શકે છે. એપલ માટે ચીન, હોંગકોંગ અને તાઈવાન એકીકૃત રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માર્કેટ છે, કારણ કે તે વિશ્ર્વમાં તેનું ત્રીજું સૌથી મોટું બજાર છે.
એપલની ૩૯.૪ હજાર કરોડ ડોલરની આવકમાંથી તાજેતરના આંકડા અનુસાર લગભગ ૧૯ ટકા આ દેશોમાંથી આવે છે. આ સિવાય એપલની મોટાભાગની પ્રોડક્ટ ચીનમાં જ એસેમ્બલ કરવામાં આવે છે. હવે જો ચીનમાં તમામ સરકારી કર્મચારીઓને આઈફોન રાખવા પર પ્રતિબંધ લાદવમાં આવે તો તેના વેચાણમાં લગભગ ૫ાંચ ટકાનો ઘટાડો થઈ શકે છે.
ચીનના સરકારી અધિકારીઓ પર આઇફોન રાખવા પરનો આ પ્રતિબંધ એક રસપ્રદ સમયે આવ્યો છે. ગત અઠવાડિયે કેટલાક ચાઇનીઝ રિટેલરોએ હુવાઈ પાસેથી નવા મેટ ૬૦ પ્રો ફોન માટે ઓર્ડર લેવાનું શરૂ કર્યું હતુ. આ સ્માર્ટફોનની કિંમત ૬૯૦૦ આરએમબી (૯૫૪ ડોલર એટલે કે લગભગ રૂ. ૭૯,૦૦૦)થી શરૂ થાય છે, તેમાં હુવાઈની પેટાકંપની હાઈસિલિકોન દ્વારા ચીનમાં બનાવેલ ચિપ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button