ભારતની ‘ભાવિ ટીમ’ સામે શનિવારે ઝિમ્બાબ્વેનો પ્રથમ ટી-20 મુકાબલો, સાંજે 4.30થી લાઇવ
હેડ-ટુ-હેડ મુકાબલામાં ભારત 6-2થી આગળ, ગિલ-અભિષેક રમશે ઓપનિંગમાં

હરારે: શુભમન ગિલના સુકાનમાં ભારતની ‘બી’ ટીમ શનિવાર, છઠ્ઠી જુલાઈએ અહીં ઝિમ્બાબ્વે સામે પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની પ્રથમ મૅચ (સાંજે 4.30 વાગ્યાથી લાઇવ) રમશે.
ભારતના મુખ્ય ખેલાડીઓને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. જોકે ઝિમ્બાબ્વે સામે શનિવારે રમનારી ટીમમાંના ઘણા પ્લેયર ભારતની ભવિષ્યની મુખ્ય નૅશનલ ટીમમાં જોવા મળી શકે. આજની પ્રથમ ટી-20 માટેના ભારતના અન્ય ખેલાડીઓમાં ઋતુરાજ ગાયકવાડ, વિકેટકીપર જિતેશ, ઓપનર અભિષેક શર્મા, વિકેટકીપર ધ્રુવ જુરેલ, બૅટર રિયાન પરાગ, મૅચ-ફિનિશર રિન્કુ સિંહ, બૅટર બી. સાંઇ સુદર્શન, પેસ બોલર ખલીલ અહમદ, પેસ બોલર આવેશ ખાન, સ્પિનર રવિ બિશ્નોઈ, પેસ બોલર મુકેશ કુમાર, પેસ બોલર હર્ષિત રાણા તથા બીજા પેસર તુષાર દેશપાંડેનો સમાવેશ છે.
ઓપનિંગમાં કૅપ્ટન ગિલ સાથે અભિષેક રમશે. આઇપીએલમાં તૂફાન મચાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાંના એક અભિષેક પર સૌ કોઈની નજર રહેશે.
આ પણ વાંચો : વડોદરા પહોંચ્યા પછી હાર્દિકનું પુત્ર સાથે સેલિબ્રેશન
યશસ્વી જયસ્વાલ, સંજુ સૅમસન અને શિવમ દુબે ટી-20 વર્લ્ડ કપના વિજેતાપદ બાદ હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝથી ભારત પાછા આવ્યા હોવાથી તેમને ઝિમ્બાબ્વે સામેની પહેલી બે ટી-20 મૅચમાંથી આરામ આપવામાં આવ્યો છે.
સિકંદર રઝા યજમાન ટીમનો કૅપ્ટન છે. તેના ઉપરાંત ટીમમાં જાણીતા પ્લેયર્સમાં વેસ્લી મેધેવીયર, ટેન્ડાઈ ચટારા, વેલિંગ્ટન માસાકાદ્ઝા, બ્રાયન બેનેટ, બ્લેસિંગ મુઝારાબની વગેરે સામેલ છે. રઝાને ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 2,000 રન પૂરા કરનાર ઝિમ્બાબ્વેનો પ્રથમ બૅટર બનવા માટે 53 રનની જરૂર છે. રઝા આઇપીએલમાં પંજાબ કિંગ્સ વતી રમી ચૂક્યો છે.
બન્ને દેશ વચ્ચે અત્યાર સુધીમાં 14 વર્ષમાં કુલ માત્ર આઠ ટી-20 રમાઈ છે જેમાંથી છ ભારતે અને બે ઝિમ્બાબ્વેએ જીતી છે.
હરારેમાં વરસાદનો કોઈ ભય નથી. અહીં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે.