ઝિમ્બાબ્વેના બૅટ્સમૅનનો છ બૉલમાં છ ચોક્કાનો વર્લ્ડ રેકૉર્ડઃ ગુજરાતી ખેલાડીએ લીધી વિકેટ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ઝિમ્બાબ્વેના બૅટ્સમૅનનો છ બૉલમાં છ ચોક્કાનો વર્લ્ડ રેકૉર્ડઃ ગુજરાતી ખેલાડીએ લીધી વિકેટ

હરારેઃ 2026માં રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં નામિબિયા સાથે ક્વૉલિફાય થયેલા ઝિમ્બાબ્વે (Zimbabwe)ના 21 વર્ષીય ઓપનિંગ બૅટ્સમૅન બ્રાયન બેનેટે 72 કલાકમાં બીજો વિશ્વવિક્રમ રચ્યો છે જેમાં તે ટી-20 ઇન્ટરનૅશનલમાં છ બૉલમાં છ ચોક્કા (4, 4, 4, 4, 4, 4) ફટકારનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો છે. તેણે આ સિદ્ધિ બીજી ઑક્ટોબરે હરારેમાં કેન્યા (Kenya) સામેની વર્લ્ડ કપ ક્વૉલિફિકેશન મૅચમાં હાંસલ કરી હતી. 30મી સપ્ટેમ્બરે બેનેટ ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં સેન્ચુરી ફટકારનાર સૌથી યુવાન પ્લેયર બન્યો હતો.

ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં છ બૉલમાં છ છગ્ગા ફટકારવાનો વિશ્વવિક્રમ યુવરાજ સિંહે કર્યો હતો અને હવે છ ચોક્કાનો વર્લ્ડ રેકૉર્ડ બેનેટના નામે લખાયો છે. જોકે તેણે આ વિક્રમ સહિત કુલ 51 રન કર્યા ત્યાર બાદ ભારતીય મૂળના ગુજરાતી લેફ્ટ-આર્મ સ્પિનર વ્રજ પટેલે તેની વિકેટ લીધી હતી. વ્રજ પટેલે તેને કૅચઆઉટ કરાવ્યો હતો.

બેનેટે (Bennett) છ બૉલમાં છ ફોરની કમાલ કેન્યા સામેની મૅચમાં ચોથી ઓવરમાં કરી દેખાડી હતી. એ ઓવર પેસ બોલર લુકૅસ ઓલૉચ નામના બોલરે કરી હતી. બેનેટની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ઝિમ્બાબ્વેએ 123 રનનો લક્ષ્યાંક 15 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો.

આ મૅચ ક્વૉલિફાઇંગ રાઉન્ડની સેમિ ફાઇનલ હતી જેમાં કેન્યાએ પ્રથમ બૅટિંગ લીધી હતી, પરંતુ 20 ઓવરમાં છ વિકેટે માત્ર 122 રન બનતાં ઝિમ્બાબ્વેને 123 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. આ 122 રનમાં ભારતીય મૂળના બીજા ખેલાડી રાકેપ પટેલના 65 રન હાઇએસ્ટ હતા.

આપણ વાંચો:  રવીન્દ્ર જાડેજાએ આ બાબતે ધોનીને પાછળ છોડ્યો; હવે પંત અને સેહવાગના રેકોર્ડ પર નજર

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button