ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાએ હેટ્રિક ઝડપી રચ્યો ઈતિહાસ
નવી દિલ્હીઃ ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝાએ બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રઝાએ આઇસીસી મેન્સ ટવેન્ટી-20 વર્લ્ડ કપ આફ્રિકા રિજન ક્વોલિફાયર 2023માં રવાન્ડા સામે રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે 36 બોલમાં 58 રનની તોફાની ઇનિંગ રમી હતી. બાદ સિકંદર રઝાએ પણ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે હેટ્રિક લઈને ઈતિહાસ રચી દીધો હતો. શાનદાર પ્રદર્શનના કારણે રઝાએ વિરાટ કોહલીના મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
રવાન્ડા સામે રમાયેલી મેચમાં સિકંદર રઝાએ માત્ર 36 બોલમાં 58 રનની ઝડપી ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન રઝાએ છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. રઝાની શાનદાર ઇનિંગ્સને કારણે ઝિમ્બાબ્વેએ 4 વિકેટ ગુમાવીને 215 રન કર્યા હતા.
બાદમાં સિકંદરે શાનદાર બોલિંગ કરી અને 2.4 ઓવરના સ્પેલમાં માત્ર 3 રન આપીને ત્રણ ઝડપી હતી. રઝાએ સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તે ટી-20 ઈન્ટરનેશનલમાં ઝિમ્બાબ્વે માટે હેટ્રિક લેનાર પ્રથમ બોલર પણ બન્યો હતો.
રઝાએ વર્ષ 2023માં છઠ્ઠી વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડરે આ મામલે વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. કોહલી આ વર્ષે અત્યાર સુધીમાં છ વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીતી ચૂક્યો છે.