ન્યૂ ઝીલૅન્ડનો વિક્રમજનક વિજય, ઝિમ્બાબ્વેની સૌથી મોટી નાલેશી...

ન્યૂ ઝીલૅન્ડનો વિક્રમજનક વિજય, ઝિમ્બાબ્વેની સૌથી મોટી નાલેશી…

એક દાવમાં ત્રણ બૅટ્સમેનના 150 રન, 39 વર્ષે પ્રથમ બનાવ

બુલવૅયો (ઝિમ્બાબ્વે): 1955માં ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) ટેસ્ટ-ક્રિકેટના સૌથી નીચા 26 રનના ટોટલમાં (ઑકલૅન્ડમાં ઇંગ્લૅન્ડ સામે) ઑલઆઉટ થઈ ગયું એ ખરાબ વિક્રમ હજી 70 વર્ષે પણ નથી તૂટ્યો એટલે કિવીઓ એ બાબતમાં હજી પણ નિરાશ હશે.

પરંતુ શનિવારે ઝિમ્બાબ્વે (Zimbabwe) સામેની ટેસ્ટ (Test)ના ત્રીજા જ દિવસે મિચલ સૅન્ટનરના નેતૃત્વમાં ન્યૂ ઝીલૅન્ડે જે સિદ્ધિ મેળવી એનાથી અસંખ્ય કિવી ક્રિકેટપ્રેમીઓ આનંદિત હશે. કારણ એ છે કે શનિવારે ન્યૂ ઝીલૅન્ડે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ એક દાવ અને 359 રનના માર્જિનથી જીતીને પોતાનો નવો વિક્રમ રચ્યો હતો.

ટેસ્ટ-ક્રિકેટમાં ન્યૂ ઝીલૅન્ડની આ સૌથી ઊંચા માર્જિનવાળી જીત છે. એણે બીજી બાજુ, ઝિમ્બાબ્વેએ ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી મોટા માર્જિનવાળો પરાજય જોવો પડ્યો છે.

ન્યૂ ઝીલૅન્ડે પોતાનો 13 વર્ષ જૂનો વિક્રમ (Record) તોડ્યો છે. 2012માં ઝિમ્બાબ્વે સામે નૅપિયરમાં કિવીઓએ એક ઇનિંગ્સ અને 301 રનથી જીત મેળવી હતી અને શનિવાર પહેલાં એની આ સૌથી મોટી જીત હતી. જોકે 23 વર્ષની ઉંમરના ઝૅકારી ફૉક્સે કરીઅરની પહેલી જ ટેસ્ટમાં કુલ નવ વિકેટ લઈને ન્યૂ ઝીલૅન્ડને વિક્રમજનક જીત અપાવી હતી. તેણે પ્રથમ દાવમાં ચાર અને બીજા દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી.

ઝિમ્બાબ્વેએ પહેલા દાવમાં માત્ર 125 રન કર્યા હતા જેના જવાબમાં ન્યૂ ઝીલૅન્ડે 3/601ના સ્કોર પર દાવ ડિક્લેર કરીને 476 રનની તોતિંગ સરસાઈ લીધી હતી. બીજા દાવમાં ઝિમ્બાબ્વેનો 117 રન પર રકાસ થઈ ગયો અને ન્યૂ ઝીલૅન્ડે એક ઇનિંગ્સ અને 359 રનના રેકૉર્ડ-બ્રેક માર્જિનથી વિજય મેળવી લીધો હતો.

કિવીઓના પ્રથમ દાવમાં ત્રણ બૅટ્સમેને 150 કે એનાથી વધુ રન કર્યા હતાઃ ડેવૉન કૉન્વે (153 રન, 245 બૉલ, 337 મિનિટ, 18 ફોર), હેન્રી નિકૉલ્સ (150 અણનમ, 245 બૉલ, 305 મિનિટ, 15 ફોર) અને રચિન રવીન્દ્ર (165 અણનમ, 139 બૉલ, 197 મિનિટ, બે સિક્સર, 21 ફોર).

કોઈ એક ટીમના એક જ દાવમાં ત્રણ બૅટ્સમેને 150 કે એનાથી વધુ રન કર્યા હોય એવું 39 વર્ષે ફરી એક વાર અને ટેસ્ટ-ક્રિકેટમાં કુલ ત્રીજી વખત બન્યું છે. આ પહેલાં, 1986માં કાનપુર ટેસ્ટમાં શ્રીલંકા સામે ભારતના પ્રથમ દાવમાં ત્રણ બૅટ્સમેનના 150-પ્લસ રન હતાઃ મોહમ્મદ અઝહરુદ્દીન 199 રન, સુનીલ ગાવસકર 176 રન અને કૅપ્ટન કપિલ દેવ 163 રન. એ મૅચમાં અઝહરુદ્દીને 199 રનના પોતાના સ્કોર પર રવિ રત્નાયકેના બૉલમાં એલબીડબ્લ્યૂમાં વિકેટ ગુમાવી હતી.

ઝિમ્બાબ્વે છેલ્લી તમામ છ ટેસ્ટ હાર્યું છે અને ન્યૂ ઝીલૅન્ડ સામેની આ સિરીઝના ચારેય દાવમાં તેઓ 170થી ઓછા સ્કોરમાં ઑલઆઉટ થઈ ગયા. ન્યૂ ઝીલૅન્ડે ઝિમ્બાબ્વેનો પ્રવાસ અપરાજિત રહીને પૂરો કર્યો. ટ્રાયેન્ગ્યૂલરમાં ન્યૂ ઝીલૅન્ડ તમામ મૅચો જીતીને છેવટે ફાઇનલ પણ જીત્યું અને પછી ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ-સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરી છે.

આ પણ વાંચો…ન્યૂ ઝીલૅન્ડના આ ટોચના બેટ્સમૅને અચાનક કરી નિવૃત્તિની જાહેરાત

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button