ઝિમ્બાબ્વેના 125 રન સામે ત્રણ કિવી બૅટ્સમેન 150 રન સુધી પહોંચ્યા...

ઝિમ્બાબ્વેના 125 રન સામે ત્રણ કિવી બૅટ્સમેન 150 રન સુધી પહોંચ્યા…

બુલવૅયોઃ ન્યૂ ઝીલૅન્ડે યજમાન ઝિમ્બાબ્વેને બે મૅચવાળી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં નવ વિકેટે હરાવ્યા બાદ બીજી ટેસ્ટમાં બીજા દિવસે રનનો ઢગલો કર્યો હતો. પ્રથમ દાવમાં ઝિમ્બાબ્વે (ZIMBABWE)ના માત્ર 125 રન હતા, પરંતુ ન્યૂ ઝીલૅન્ડે ત્રણ બૅટ્સમેનની સેન્ચુરી (CENTURY)ની મદદથી ફક્ત ત્રણ વિકેટે 601 રન ખડકી દીધા હતા.

ફાસ્ટ બોલર મૅટ હેન્રીની પાંચ વિકેટ અને નવા પેસ બોલર ઝકારી ફૉક્સની ચાર વિકેટને લીધે ઝિમ્બાબ્વેની ટીમ પહેલા દાવમાં 125 રનમાં ઑલઆઉટ થઈ ગઈ ત્યાર પછી કિવીઓની મૅરથન ઇનિંગ્સ શરૂ થઈ હતી.

ઓપનર ડેવૉન કૉન્વે (DEVON CONWAY)એ 245 બૉલમાં 18 ફોરની મદદથી 153 રન કર્યા હતા, જ્યારે વિલ યંગ (74 રન) સાથે તેની 162 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. જૅકબ ડફી 36 રન બનાવી શક્યો હતો, પણ પછીથી ઝિમ્બાબ્વેના બોલર્સનું તેલ નીકળ્યું હતું અને ફીલ્ડર્સે ભારે દોડધામ કરવી પડી હતી.

કારણ એ હતું કે હેન્રી નિકૉલ્સ (150 નૉટઆઉટ, 245 બૉલ, 15 ફોર) અને રચિન રવીન્દ્ર (165 નૉટઆઉટ, 139 બૉલ, બે સિક્સર, 21 ફોર) વચ્ચે લાંબી ભાગીદારી થઈ હતી. નિકૉલ્સ અને રચિન વચ્ચે ચોથી વિકેટ માટે 285 બૉલમાં 256 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. ઝિમ્બાબ્વે કરતાં ન્યૂ ઝીલૅન્ડ શુક્રવારના બીજા જ દિવસે 476 રનથી આગળ હતું. 3/601ના સ્કોર વખતે કિવીઓએ દાવ ડિક્લેર નહોતો કર્યો અને હજી ઘણા બૅટ્સમેન બૅટિંગમાં આવવાના બાકી હતા.

ઉલ્લેખનીય છે કે ટેસ્ટ-ક્રિકેટમાં શ્રીલંકા (952/6 ડિક્લેર્ડ)નો ભારત સામેનો 1997ની સાલનો ટીમ-સ્કોર હાઇએસ્ટ છે.
કૉન્વેએ શુક્રવારે પાંચમી ટેસ્ટ-સદી ફટકારવા ઉપરાંત ટેસ્ટ-ક્રિકેટમાં 2,000 રન પણ પૂરા કર્યા હતા. રચિને 104 બૉલમાં પોતાની ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી. આ તેની ત્રીજી સદી હતી. નિકૉલ્સે 10મી સેન્ચુરી ફટકારી હતી.

આ પણ વાંચો…સાઉથ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને અઢી દિવસમાં હરાવી દીધું

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button