ઝિમ્બાબ્વેએ સાત વિકેટે બનાવ્યા માત્ર 152 રન, દેશપાંડેએ ડેબ્યૂમાં પ્રાઇઝ વિકેટ લીધી

હરારે: ભારતે અહીં ઝિમ્બાબ્વે સામેની ચોથી ટી-20માં પહેલા ફીલ્ડિંગ લીધા બાદ યજમાન ટીમને શરૂઆતથી જ કાબૂમાં રાખી હતી અને 20 ઓવરને અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર સાત વિકેટે 152 રન રહ્યો હતો. એકેય બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો.
માત્ર ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રઝા (46 રન, 28 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)એ ભારતીય બોલર્સનો સમજદારીથી સામનો કર્યો હતો. જોકે ભારત વતી પહેલી જ વખત રમનાર પેસ બોલર તુષાર દેશપાંડેના બૉલમાં તે એક્સ્ટ્રા કવર પર હરીફ સુકાની શુભમન ગિલને આસાન કૅચ આપી બેઠો હતો.
આ પણ વાંચો: ઝિમ્બાબ્વેને હરાવતાં જ ભારતે એવો અનોખો રેકૉર્ડ કર્યો જે બીજો કોઈ દેશ નથી કરી શક્યો
ભારત વતી પેસ બોલર ખલીલ અહમદે સૌથી વધુ બે વિકેટ લીધી હતી, જ્યારે દેશપાંડે ઉપરાંત વૉશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા અને શિવમ દુબેને એક-એક વિકેટ મળી હતી. મુખ્ય સ્પિનર રવિ બિશ્ર્નોઈને ચાર ઓવરની બોલિંગમાં બાવીસ રનના ખર્ચે વિકેટ નહોતી મળી શકી. જોકે 5.50નો તેનો ઇકોનોમી-રેટ તમામ છ બોલરમાં બેસ્ટ હતો. ઝિમ્બાબ્વેનો જોનથન કૅમ્પબેલ (ત્રણ રન) સિરીઝમાં બીજી વાર રનઆઉટ થયો હતો. તેને બિશ્ર્નોઈએ નૉન-સ્ટ્રાઇક એન્ડ પરના થ્રોમાં રનઆઉટ કરી દીધો હતો.
આ પણ વાંચો: IND vs ZIM T20: ટીમ ઇન્ડિયા આજે સિરીઝ પર કબજો કરશે કે ઝિમ્બાબ્વે ઉલફેર કરશે? બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11
કૅપ્ટન શુભમન ગિલ સતત ચોથી મૅચમાં પણ ટૉસ જીત્યો હતો અને તેણે ફીલ્ડિંગ પસંદ કરી હતી. ઝિમ્બાબ્વેએ શરૂઆત સારી કરી હતી. છેક નવમી ઓવરમાં 63 રનના સ્કોરે એની પ્રથમ વિકેટ પડી હતી, પરંતુ 96મા રન સુધીમાં બીજી ત્રણ વિકેટ પડી ગઈ હતી અને ભારતીય બોલર્સે મોકો ઉઠાવીને ઝિમ્બાબ્વેના બૅટર્સ પરનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. 141મા રને કૅપ્ટન રઝાની પાંચમી વિકેટ પડી એ પછી 11 રનમાં બીજી બે વિકેટ પડી ગઈ હતી.
છેલ્લા 10 બૉલમાં ઝિમ્બાબ્વેએ હિટિંગથી સ્કોર બને એટલો વધારવા જતાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
પાંચ મૅચની ટી-20 સિરીઝમાં ભારત 2-1થી આગળ છે. જો ભારતીય ટીમ આજે પણ જીતી જશે તો 3-1ના માર્જિન સાથે ટ્રોફી પર કબજો કરી લેશે.
બન્ને ટીમમાં એક-એક ફેરફાર કરવામાં આવ્યો છે. પેસ બોલર આવેશ ખાનના સ્થાને તુષાર દેશપાંડેનો ઇલેવનમાં સમાવેશ કરાયો છે. 29 વર્ષનો રાઇટ-આર્મ મિડિયમ પેસ બોલર દેશપાંડે પહેલી જ વાર ભારત વતી રમી રહ્યો છે.
ભારતની પ્લેઇંગ ઇલેવનમાં શુભમન ગિલ (કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર, વાઇસ-કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રિન્કુ સિંહ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્ર્નોઈ, તુષાર દેશપાંડે અને ખલીલ અહમદનો સમાવેશ છે.