ઝિમ્બાબ્વેએ બનાવ્યો T20નો સૌથી મોટો સ્કોર, સિકંદર રઝાની 15 છગ્ગા સાથેની વિસ્ફોટક બેટિંગ
Sports News: ઝિમ્બાબ્વેએ આજે નૈરોબીના રુઆરાકા સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર રમાયેલી ટી20 મેચમાં ઈતિહાસ રચતાં ટી20 ઈન્ટરનેશનલનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. ઝિમ્બાબ્વેએ આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડકર સબ રીઝનલ આફ્રિકા ક્વોલિફાયર ગ્રુપ બીની મેચમાં ગામ્બિયા સામે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 344 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો. જે પુરુષ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં કોઈ ટીમનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલાનો રેકોર્ડ નેપાળના નામે હતો. નેપાળે 27 સપ્ટેમ્બર, 2023ના રોજ મંગોલિયા સામે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 314 રન બનાવ્યા હતા. ટી20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં માત્ર નેપાળ અને ઝિમ્બાબ્વે જ 300 કે તેથી વધુનો સ્કોર બનાવી શક્યા છે.
રઝાએ રમી વિસ્ફોટક ઈનિંગ
આ મેચમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે માત્ર 43 બોલમાં 133 રન બનાવ્યા અને અણનમ રહ્યો. 38 વર્ષીય બેટ્સમેને માત્ર 33 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 309.30ની સ્ટ્રાઈક રેટથી સાત ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા. તેમના સિવાય બ્રાયન બેનેટ અને તદિવનાશે મારુમણીએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. ગામ્બિયાની ટીમ 14.4 ઓવરમાં માત્ર 54 રનમાં ઓલઆઉટ થઈ જતાં ઝિમ્બાબ્વેનો 290 રનથી વિજય થયો હતો.
રઝાએ બનાવ્યો આ રેકોર્ડ
રઝાની વિસ્ફોટક ઇનિંગ્સ આક્રમક સ્ટ્રોકથી ભરેલી હતી. આ ઐતિહાસિક ઇનિંગે માત્ર ઝિમ્બાબ્વેને રેકોર્ડબ્રેકિંગ સ્કોર સુધી પહોંચાડ્યું જ નહીં, પરંતુ રઝાને T20 ઇન્ટરનેશનલમાં એક દિગ્ગજ તરીકે સ્થાપિત કર્યો. તેના નામે T-20 ઇન્ટરનેશનલમાં સંયુક્ત બીજી સૌથી ઝડપી સદી નોંધાઈ હતી. પ્રથમ ક્રમે એસ્ટોનિયાનો સાહિલ ચૌહાણ ગયો, જેણે સાયપ્રસ સામે 27 બોલમાં સદી ફટકારી હતી. બીજા સ્થાને નામિબિયાના જોન નિકોલ લોફ્ટી ઇટોન છે, તેણે નેપાળ સામે 33 બોલમાં સદી ફટકારી હતી. હવે સિકંદર રઝાએ પણ પોતાની સદી માટે આટલા જ બોલ લીધા હતા. આ મહિનાની શરૂઆતમાં, ભારત બાંગ્લાદેશ સામેની ત્રીજી T20I માં 297/6ના સ્કોર સાથે 300 રનનો આંકડો પાર કરવાની નજીક આવી ગયું હતું.
આ પણ વાંચો : મહિલા ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં દર્દનાક દુર્ઘટના, વેસ્ટ ઈન્ડિઝની ખેલાડીને માથામાં વાગ્યો બોલ, જૂઓ વીડિયો…
T20 ઈન્ટરનેશનલમાં સૌથી મોટા સ્કોર
ઝિમ્બાબ્વે Vs ગામ્બિયા, 344/4
નેપાળ Vs મંગોલિયા, 314/3
ભારત Vs બાંગ્લાદેશ, 297/3
ઝિમ્બાબ્વે Vs સેશેલ્સ, 286/5
અફઘાનિસ્તાન Vs આયર્લેંડ 278/3