સ્પોર્ટસ

વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકાનો નવી ટેસ્ટ સીઝનમાં વિજયી આરંભ…

ઝિમ્બાબ્વેની 328 રનના માર્જિનથી સૌથી ખરાબ હારઃ નવો પ્લેયર બન્યો મૅન ઑફ ધ મૅચ

બુલવૅયોઃ સાઉથ આફ્રિકા ગયા મહિને ઑસ્ટ્રેલિયાને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં હરાવીને પહેલી જ વાર ટેસ્ટનું વર્લ્ડ ચૅમ્પિયન બન્યું ત્યાર પછીની પહેલી જ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ચૅમ્પિયનપદને છાજે એ રીતે ધમાકેદાર જીત મેળવી છે. ભારતીય મૂળના સ્પિનર કેશવ મહારાજના સુકાનમાં સાઉથ આફ્રિકા (SOUTH AFRICA)એ અહીં યજમાન ઝિમ્બાબ્વેને સિરીઝની પહેલી ટેસ્ટમાં 328 રનથી પરાસ્ત કર્યું હતું. રનની ગણતરીએ ઝિમ્બાબ્વે (ZIMBABWE)ની આ સૌથી ખરાબ હાર છે. આ પહેલાંનો સૌથી ખરાબ પરાજય 2002ની સાલમાં શ્રીલંકા સામે હતો જેમાં ઝિમ્બાબ્વેનો 315 રનથી પરાજય થયો હતો.

મંગળવારે ઝિમ્બાબ્વેને જીતવા 537 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો હતો જે સામે ક્રેગ ઇરવિનની ટીમ 208 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. પેસ બોલિંગ ઑલરાઉન્ડર કૉર્બિન બૉશ્ચે પાંચ વિકેટ અને બીજા પેસ બોલર કૉડી યુસુફે ત્રણ વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વેના 208 રનમાં વેલિંગ્ટન માસાકાદઝાના 57 રન અને ઇરવિનના 49 રન સામેલ હતા. એ પહેલાં, સાઉથ આફ્રિકાએ બીજા દાવમાં વિઆન મુલ્ડરના 147 રનની મદદથી કુલ 369 રન કર્યા હતા. માસાકાદઝાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

સાઉથ આફ્રિકાએ પહેલા દાવમાં 418/9ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો જેના જવાબમાં ઝિમ્બાબ્વેએ શૉન વિલિયમ્સના 137 રનની મદદથી 251 રન કર્યા હતા અને વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકાએ 167 રનની સરસાઈ લીધી હતી. પહેલા દાવમાં 160 બૉલમાં ચાર સિક્સર અને અગિયાર ફોરની મદદથી 153 રન કરનાર લુઆન-ડ્રે પ્રીટોરિયસ (Lhuan-dre Pretorius)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. તેની આ કરીઅરની પહેલી જ ટેસ્ટ હતી અને એમાં તેણે આ પુરસ્કાર જીતી લીધો. પહેલા દાવમાં કૉર્બિન બૉશ્ચે પણ સદી (અણનમ 100 રન) કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button