
દુબઈઃ તિમોર-લેસ્ટ (Timor-Leste) અને ઝામ્બિયા (Zambia) નામના બે નાના દેશો હવે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા મેમ્બર બન્યા છે અને એ સાથે ક્રિકેટ જગતનું સંચાલન કરતી દુબઈ-સ્થિત આ સંસ્થાના મેમ્બર-રાષ્ટ્રોની સંખ્યા 110 ઉપર પહોંચી છે. ઝામ્બિયાના ક્રિકેટ ઍસોસિયેશન સાથે મૂળ ગુજરાતના બે વહીવટકારો જોડાયેલા છે.
એશિયાના દેશ તિમોર-લેસ્ટ અને આફ્રિકાના રાષ્ટ્ર ઝામ્બિયાના ક્રિકેટ ઍસોસિયેશનને આઇસીસીમાં અસોસિયેટ મેમ્બર તરીકેની એન્ટ્રી મળતાં આ બે દેશના ક્રિકેટરો અને ક્રિકેટપ્રેમીઓ આનંદિત થયા છે.
આપણ વાંચો: આઇસીસીએ નિયમ બદલ્યોઃ ક્રિકેટરને હવે માથામાં બૉલ વાગે તો…
ઝામ્બિયા આઇસીસીનો મેમ્બર બનનાર બાવીસમો આફ્રિકન દેશ છે, જ્યારે તિમોર-લેસ્ટ પૂર્વ એશિયાનો 10મો દેશ છે જે હવે આઇસીસીમાં પ્રવેશ મળતાં ક્રિકેટની વધુ મૅચો આઇસીસીના અન્ય નાના દેશો સામે રમી શકશે.
સુરત જિલ્લાના લુવારા ગામના ઝુબેર પટેલ (ZUBER PATEL) ઝામ્બિયન ક્રિકેટ યુનિયનના પ્રમુખ છે. ભરૂચ જિલ્લાના પરીએજ ગામના ફિરોઝ આગાઝ (FIROZ AAGAZ) ઝામ્બિયન ક્રિકેટ યુનિયનના સભ્ય છે.
આપણ વાંચો: દુબઈએ વિનંતી ફગાવી એટલે પાકિસ્તાને ક્રિકેટ લીગ મોકૂફ રાખવી પડી…
બન્ને વહીવટકારોએ સોશિયલ મીડિયામાં આઇસીસીનો આભાર માનતા જણાવ્યું છે કે ` અમારી અરજી માન્ય રાખવા બદલ આઇસીસીનો આભાર. અમને આ સમાવેશ સંબંધમાં ટેકો આપનારા દેશોને અમે ધન્યવાદ કહીએ છીએ. અમારા માટે આ સેલિબે્રશનનો સમય છે અને અમારી ટીમ વધુ ક્રિકેટ મૅચો રમે એના પર તેમ જ ઊંચી રૅન્ક મેળવવા પર ધ્યાન આપીશું.
ખરેખર તો ઝામ્બિયાએ આઇસીસીમાં પુનઃપ્રવેશ કર્યો છે. આઇસીસીના મેમ્બરશિપને લગતા નિયમોનું પાલન ન કરવા બદલ 2019માં આ દેશને આઇસીસીની મેમ્બરશિપમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. ત્યારે રશિયા પાસેથી પણ આઇસીસીએ મેમ્બરશિપ પાછી લઈ લીધી હતી અને એક વર્ષની મહેતલ આપી હતી. હવે ઝામ્બિયાનો ફરી મેમ્બર તરીકે સમાવેશ કરાયો છે.