ચહલે ઇંગ્લિશ કાઉન્ટીમાં ડેબ્યૂમાં જ મચાવી હલચલ
મૅચના એક કલાક પહેલાં કૉન્ટ્રૅક્ટ સાઇન પછીની ઍનેલિસિસ 10-5-14-5: પૃથ્વી શોના ત્રણ કૅચ
લંડન: ભારતીય લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં ડેબ્યૂના પહેલા જ દિવસે સનસનાટી મચાવી દીધી. તેણે બુધવારે વન-ડે કપ માટે તેમ જ ડોમેસ્ટિક મૅચો માટે નોર્ધમ્પ્ટનશર સ્ટીલબૅક્સ ટીમ સાથે કરાર સાઇન કર્યા એના એક કલાક પછી તેને રમવાનો મોકો મળ્યો હતો અને તેણે 14 રનમાં પાંચ વિકેટ લઈને તરખાટ મચાવી દીધો હતો.
ચહલે કેન્ટ સામેની આ મૅચમાં (10-5-14-5)ની ઍનેલિસિસ સાથે ધમાલ મચાવી દીધી હતી. તેની પાંચ વિકેટને કારણે કેન્ટની ટીમ 35.1 ઓવરમાં ફક્ત 82 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. એકેય બૅટર પચીસ રન પણ નહોતો બનાવી શક્યો.
ચહલના પાંચ શિકારમાં જેડન ડેન્લી (22), એકાંશ સિંહ (10), ગ્રાન્ટ સ્ટુઅર્ટ (1), બેયર્સ સ્વાનપોએલ (1), નૅથન ગિલક્રિસ્ટ (1)નો સમાવેશ હતો.
જસ્ટિન બ્રૉડ નામના બોલરે ત્રણ વિકેટ અને લ્યૂક પ્રૉક્ટરે બે વિકેટ લીધી હતી.
નૉર્ધમ્પ્ટનશરે જેમ્સ સેલ્સના અણનમ 33 રન અને જ્યોર્જ બાર્ટલેટના અણનમ 31 રનની મદદથી 14 ઓવરમાં એક વિકેટે 86 રન બનાવીને વિજય મેળવ્યો હતો. ઓપનિંગમાં ભારતીય ખેલાડી પૃથ્વી શો 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. એ પહેલાં, પૃથ્વીએ કેન્ટની ઇનિંગ્સમાં ત્રણ કૅચ પકડ્યા હતા.
ચહલ તાજેતરના ટી-20 વર્લ્ડ કપ માટેની સ્ક્વૉડમાં હતો. જોકે તેને એમાં એકેય મૅચ નહોતી રમવા મળી.