મારા પિતાને માનસિક બીમારી છે એટલે ધોની વિશે ઘસાતું બોલ્યા : યુવરાજ
ચંડીગઢ: ભારતના ભૂતપૂર્વ પેસ બોલર યોગરાજ સિંહે તેમના પુત્ર યુવરાજ સિંહની કારકિર્દી બગાડી નાખવા તેમ જ ટૂંકાવી નાખવા માટે એમએસ ધોનીને જવાબદાર ગણાવીને બે દિવસ પહેલાં તેના વિશે અપમાનજનક કમેન્ટ્સ કરી એ વિષયમાં ખુદ યુવરાજ સિંહે એક પૉડકાસ્ટમાં કહ્યું છે કે ‘મારા પિતા માનસિક બીમારીથી પીડાય છે.’
યોગરાજ સિંહે કંઈ પહેલી વખત ધોનીને નિશાન નથી બનાવ્યો. આ પહેલાં પણ તેમણે ભારતીય ક્રિકેટના આ લેજન્ડ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. યોગરાજ સિંહ 1981ની સાલમાં ભારતીય ટીમમાંથી પોતાને કઢાવવા બદલ કપિલ દેવને જવાબદાર ગણાવીને તેમના વિશે પણ ઘસાતું બોલ્યા હતા.
જોકે પુત્રના વિષયમાં ધોની વિશે તેઓ બોલ્યા એટલે તરત યુવરાજે પૉડકાસ્ટમાં ખુલાસો કર્યો છે કે ‘મારા ડૅડને કેટલીક માનસિક તકલીફો છે, પરંતુ તેઓ એ હકીકત સ્વીકારવા તૈયાર જ નથી.’
યુવરાજ સિંહે 17 વર્ષની શાનદાર કરીઅરમાં ભારતને અનેક મૅચો જીતાડી હતી. 2007ના ટી-20 વર્લ્ડ કપમાં અને 2011ના વન-ડે વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં યુવીની મહત્વની ભૂમિકા હતી. તે કૅન્સરની બીમારી છતાં 2011ના વર્લ્ડ કપમાં રમ્યો હતો. એ વર્લ્ડ કપની એક મૅચ દરમ્યાન પિચ પર જ તેને લોહીની ઉલટી થઈ હતી એમ છતાં તે રમતો રહ્યો હતો.
ભારતને વર્લ્ડ કપની ટ્રોફી અપાવ્યા પછી યુવરાજની તબિયત બગડી હતી અને તેણે કીમોથેરપી સહિત મહિનાઓ સુધી સારવાર લીધી હતી અને કૅન્સરના મહા રોગને હરાવીને ફરી રમવા લાગ્યો હતો. યુવીના પિતાએ એક ઇન્ટરવ્યૂમાં ધોનીને ટાર્ગેટ બનાવતા એવું પણ કહ્યું હતું કે ‘હું ધોનીને ક્યારેય માફ નહીં કરું. તેને કારણે મારી મારા પુત્રની કરિયર વહેલી સમેટાઈ ગઈ હતી.’