‘રૂટ છે કોહલીથી ચડિયાતો’…યુવરાજ આ શું કહી ગયો! જાણો કેમ તેણે આવું કહ્યું
નવી દિલ્હી: ઍડમ ગિલક્રિસ્ટ અને માઇકલ વૉન ઘણી વાર જે પૉડકાસ્ટ પર વર્તમાન ક્રિકેટ અને ફૉર્મ ધરાવતા ખેલાડીઓ પર ચર્ચા કરતા હોય છે એમાં આ વખતે યુવરાજ સિંહ પણ જોડાયો હતો જેમાં યુવીને ખૂબ જ જટિલ સવાલ પૂછાતાં તેણે સૌને આશ્ર્ચર્યમાં મૂકી દે એવો જવાબ આપ્યો હતો.
વિરાટ કોહલી અને જૉ રૂટ ટેસ્ટ-ક્રિકેટમાં રનનો ઢગલો કરી ચૂક્યા છે, પરંતુ આ બેમાંથી કોણ ચડિયાતું? એવું પૂછાતાં યુવીએ મોટું નિવેદન આપ્યું હતું.
યુવીએ અનોખા નિવેદનમાં કહ્યું, ‘તમે જો મને ફૉર્મને આધારે સવાલ પૂછો છો તો હું જૉ રૂટનું નામ લઈશ, કારણકે હાલમાં તે બહુ સારા ફૉર્મમાં છે. જોકે તે કયા દેશ સામે અને કયા સ્થળે સારું રમ્યો એ બાબતને પણ હું ધ્યાનમાં લઈશ. જો તે ઇંગ્લૅન્ડમાં રમતો હોય તો હું તેને મારી વર્લ્ડ ઇલેવનમાં જરૂર સામેલ કરીશ. બીજા સ્થળોની બાબતમાં હું વિરાટ કોહલી પર પસંદગી ઉતારીશ. રૂટ ટેસ્ટ-ક્રિકેટમાં કોઈના પણ કાબૂમાં નથી અને દરેક ટીમ સામે રન બનાવી રહ્યો છે. હા, તે ટેસ્ટ-ક્રિકેટમાં સારો છે, પરંતુ તમામ ફૉર્મેટની વાત કરશો તો હું વિરાટને સર્વશ્રેષ્ઠ માનું છું.’
કોહલીએ 2008માં અને રૂટે 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્રણેય ફૉર્મેટમાં બનાવેલા રનની વાત કરીએ તો રૂટ કરતાં કોહલી ઘણો આગળ છે. કોહલી અત્યાર સુધીમાં ત્રણેય ફૉર્મેટમાં કુલ 26,965 રન બનાવી ચૂક્યો છે. બીજી બાજુ, રૂટના નામે હજી 19,817 રન છે. કોહલીની કુલ 80 સેન્ચુરી સામે રૂટની માંડ 50 સદી છે.
આ પણ વાંચો : ભારત કાનપુરમાં રમ્યા વગર જ સિરીઝ જીતી શકે, જાણો કેવી રીતે…
હા, ટેસ્ટ-ક્રિકેટમાં કોહલીથી રૂટ આગળ છે. કોહલીના 8,871 રન સામે રૂટ 12,000ના આંકડાને પાર કરી ચૂક્યો છે. ટેસ્ટમાં સચિન તેન્ડુલકરના હાઈએસ્ટ 15,921 રન સામે રૂટ 12,402 રન સાથે હજી સચિનથી ઘણો પાછળ છે, પરંતુ કહેવાય છે કે 33 વર્ષનો રૂટ હજી થોડા વર્ષ સારું રમશે તો સચિનને પાર કરી શકશે.