ઇતના મારેગા ના તેરે કો વો…યુવરાજ સિંહે આવું કોને કેમ કહ્યું?

નવી દિલ્હીઃ યુવરાજ સિંહ (Yuvraj Singh) વર્ષ 2017 સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમ્યાન લેફ્ટ-હૅન્ડ બૅટિંગમાં બોલર્સની ખબર લેતો હતો અને ડાબા કાંડાની કરામતથી બૅટ્સમેનોને ક્રીઝમાં ગૂંચવી નાખતો હતો, પરંતુ કરીઅર દરમ્યાન જ કૅન્સર સામે સફળતાથી લડીને પોતે જે અનુભવ કર્યો એને આધારે તેણે કારકિર્દી પછી રિટાયરમેન્ટના આઠ વર્ષમાં ઘણાને હસાવ્યા છે અને ઘણી વાર મજાક-મસ્તીથી માહોલને ચાર ચાંદ લગાવ્યા છે.
કૅન્સર સામેની તેની સફળ લડતથી ઘણા લોકોને પ્રેરણા પણ મળી છે. નિવૃત્તિ પછી પણ પહેલા જેવી જ લોકપ્રિયતા ધરાવતા યુવીએ ડ્રેસિંગ-રૂમમાં સાથી ખેલાડીઓનું જે મનોરંજન કર્યું હતું એનો ઉલ્લેખ કરવાની હજી આજે પણ કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ ચૂકતા નથી. તાજેતરમાં આ ભૂતપૂર્વ ઑલરાઉન્ડરે એક ઇવેન્ટ વખતે ચાહકોને ખૂબ હસાવ્યા હતા.
વાત એવી છે કે રોહિત શર્મા (Rohit Sharma) જેવો દેખાતો એક યુવાન યુવીને મળ્યો ત્યારે યુવીએ આગવી સ્ટાઇલમાં એવું શાબ્દિક તીર છોડ્યું કે આસપાસ ઊભેલી દરેક વ્યક્તિ હસવાનું નહોતી રોકી શકી. રોહિત શર્મા લુકઅલાઇક (lookalike)ને જોતાં જ પંજાબી પુત્તર યુવી બોલ્યો, ` શર્માજી કે બેટે, વો (રોહિત શર્મા) તેરે કો દેખેગા ના, ઇતના મારેગા ના તેરે કો વો, ઇતના મારેગા ના વો…’
યુવીની રમૂજવૃત્તિથી ભારતના ભૂતપૂર્વ ખેલાડીઓ સચિન તેન્ડુલકર, એમએસ ધોની, વીરેન્દર સેહવાગ, સુરેશ રૈના, હરભજન સિંહ, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અનિલ કુંબળે, ગૌતમ ગંભીર, વગેરે પણ વાકેફ છે અને તેમના સમયકાળમાં આ લેજન્ડ્સે અદ્ભુત પર્ફોર્મન્સ બતાવવાની સાથે અરસપરસના મૈત્રીભર્યા સંબંધોથી ભારતીય ટીમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી હતી.
યુવીએ રોહિત શર્મા જેવા દેખાતા યુવાન (હમશકલ) વિશે જે હળવી કમેન્ટ કરી એ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે અને કેટલાક ક્રિકેટપ્રેમીઓએ તો રોહિત શર્માને પણ ટૅગ કર્યો હતો. યુવીની આ ટિપ્પણી `શર્માજી કે બેટે…’ તરીકે વાઇરલ અને ફેમસ થઈ છે.
આ પણ વાંચો…‘કુછ તો લોગ કહેંગે…’ યુવરાજ સિંહે આવું કેમ અને કોના વિશે કહ્યું?