World Championship Of Legends-24: Yuvraj Singhએ મારી Robin Uthappaને મારી ટાપલી

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ 2024ના ફાઈનલમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે પાકિસ્તાની ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવીને ટાઈટલ ભલે પોતાના નામે કરી લીધું હોય, પણ હવે આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં રોબિન ઉથપ્પાની હરકતથી યુવરાજ સિંહ નારાજ થઈ ગયો હતો અને આ નારાજગીમાં તેણે ઉથપ્પાને લાફો પણ મારી દીધો હતો. ચાલો જોઈએ શું છે આખો ઘટનાક્રમ…
વાત જાણે એમ છે કે ફાઈનલ મેચમાં પહેલાં પાકિસ્તાન ચેમ્પિયન્સે બેટિંગ કરીને ઈન્ડિયન ચેમ્પિયન્સ 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યાર બાદમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે પાંચ વિકેટ ગુમાવીને છેલ્લી ઓવરમાં જિત હાંસિલ કરી છે. ફાઈનલમાં શાનદાર હાફ સેન્ચ્યુરી ફટકારનાર અંબાતી રાયડુને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવ્યું હતું, જ્યારે યુસુફ પઠાનને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટના ખિતાબથી નવાજવામાં આવ્યો હતો.
આ દરમિયાન એક પળ એવી પણ આવી કે જે જોઈને ફેન્સ એકદમ હેરાન થઈ ગયા છે, જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ઈન્ડિયન ચેમ્પિયન્સ જ્યારે કપ સાથે સેલિબ્રેશન કરી રહ્યા હતા અને આખી ટીમ ફોટો ક્લિક કરાવી રહી હતી ત્યારે રોબિન ઉથપ્પા કેમેરાની એકદમ સામે આવી જાય છે, જેને કારણે યુવરાજ સિંહ પાછળ ઢંકાઈ જાય છે. આ જોઈને યુવીએ ઉથપ્પાના માથા પર ટપલી મારી દીધી હતી અને કેમેરા સામેથી હટવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : યુવરાજ સિંહની ટીમે પાકિસ્તાનને આપી પછડાટ, લેજન્ડ્સ ટ્રોફી જીતી લીધી
પહેલી વખતમાં તો ઉથપ્પા ચોંકી ગયો કે તેને આખરે માથા પર કોણે ટાપલી મારી, પણ યુવી અને રોબિન શાંત રહે છે અને બાદમાં ઉથપ્પાને ખ્યાલ આવે છે કે યુવીએ આ મજાકમાં કર્યું છે. યુવીએ મારેલી આ પ્રેમભરી ટાપલી ખાઈને ઉથપ્પા યુવરાજ સિંહની સામેથી હટી જાય છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ખેલાડીઓએ જોરદાર સેલિબ્રેશન કર્યું હતું. યુવીથી લઈને પઠાનબંધુઓએ મળીને જિતનો જશ્ન મનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ચેમ્પિયલશિપ ઓફ લેજેન્ડ્સમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝની ટીમોએ ભાગ લીધો હતો.