સ્પોર્ટસ

T-20 WC 2024: ICCએ ભારતીય ચાહકોને આપ્યા સારા સમાચાર, આ ક્રિકેટરને સોંપી મોટી જવાબદારી

IPL 2024માં તમામ ટીમો પોતાનું જોરદાર પ્રદર્શન કરવામાં વ્યસ્ત છે અને એ જ સમયે ICC T20 વર્લ્ડ કપની તૈયારીઓ પણ ચાલી રહી છે. T20 ક્રિકેટની ટોચની વૈશ્વિક ઇવેન્ટ શરૂ થવામાં માત્ર 35 દિવસ બાકી છે. T20 વર્લ્ડ કપ 2024 પહેલી જૂનથી શરૂ થશે અને 29 જૂને સમાપ્ત થશે. આ પહેલા એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને વર્લ્ડ કપ માટે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ICCએ ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપ 2024ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યો છે. યુવરાજ સિંહે ICC T-20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડને 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. આઈસીસીએ યુવરાજને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરીને તેનું સન્માન કર્યું છે.


આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે ICC T20 વર્લ્ડ કપ 2007 અને ICC ODI વર્લ્ડ કપ 2011 જીત્યો હતો. બંને વર્લ્ડ કપની ખાસ વાત એ હતી કે બંનેમાં ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ તરીકે યુવરાજ સિંહની પસંદગી કરવામાં આવી હતી.


ICC T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર બનવા બદલ ખુશી વ્યક્ત કરતા યુવરાજ સિંહે જણાવ્યું હતું કે,
“મારી કેટલીક સૌથી પ્રિય ક્રિકેટિંગ યાદો T20 વર્લ્ડ કપમાં રમવાની છે, જેમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારવાનો સમાવેશ થાય છે, તેથી આ એડિશનનો ભાગ બનવું ખૂબ જ રોમાંચક છે. વેસ્ટ ઈન્ડિઝ એ ચાહકો વચ્ચે ક્રિકેટ રમવા માટે એક શ્રેષ્ઠ સ્થળ છે. ક્રિકેટ યુએસએ પણ વિસ્તરી રહ્યું છે. ટી20 વર્લ્ડ કપ દ્વારા તે વૃદ્ધિનો ભાગ બનવા માટે હું ઉત્સાહિત છું. ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે ભારતની ટક્કર આ વર્ષે વિશ્વની સૌથી મોટી રમતગમતની મેચોમાંની એક બનવા જઈ રહી છે, તેથી નવા સ્ટેડિયમમાં રમતા વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓનો ભાગ બનવું અને તેના સાક્ષી થવું એ એક વિશેષાધિકાર છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button