અફઘાનિસ્તાને અજય જાડેજા અને ટ્રૉટને ભૂલીને આ પાકિસ્તાનીને બનાવી દીધો મેન્ટર…
કાબુલઃ ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં રમાનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી વિશે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એક વિચિત્ર નિર્ણય લીધો છે. 2023માં ભારતમાં રમાયેલા વન-ડેના વર્લ્ડ કપ દરમ્યાન અફઘાનિસ્તાને પોતાની ટીમ માટે ભારતના ભૂતપૂર્વ બૅટર અજય જાડેજાને મેન્ટર તરીકે નિયુક્ત કર્યો હતો તેમ જ 2024ના ટી-20 વિશ્વ કપ માટે ઇંગ્લૅન્ડના જોનથન ટ્રૉટને મેન્ટરશિપની જવાબદારી સોંપી હતી અને એ બન્ને મેન્ટરના માર્ગદર્શનમાં અફઘાનિસ્તાને ખૂબ સારું પર્ફોર્મ કર્યું હતું, પરંતુ આગામી ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનના 47 વર્ષના ભૂતપૂર્વ બૅટર યુનીસ ખાનને મેન્ટર બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ઑલરાઉન્ડર રિશી ધવને સાડાઆઠ વર્ષ રાહ જોયા પછી છેક હવે નિવૃત્તિ લીધી
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પોતાની મૅચો દુબઈમાં રમશે.
આઇસીસીની મોટી ઇવેન્ટમાં અફઘાનિસ્તાનની ટીમ હવે ખૂબ પડકારરૂપ થઈ ગઈ છે. ભારતમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને અજય જાડેજાના માર્ગદર્શનમાં ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવ્યું હતું તેમ જ ગ્લેન મૅક્સવેલ જો ઑસ્ટ્રેલિયાની વહારે ન આવ્યો હોત તો અફઘાની ટીમે ઑસ્ટ્રેલિયન ટીમને પણ હરાવી દીધી હોત. 2024ના ટી-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને જોનથન ટ્રૉટની મેન્ટરશિપમાં ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશને હરાવ્યું હતું અને પહેલી વાર આ ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
જોકે ચૅમ્પિયન્સ ટ્રોફીને લગભગ એક મહિનો બાકી છે ત્યારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે યુનીસ ખાનમાં વિશ્વાસ મૂક્યો છે. યુનીસે અફઘાન ટીમના મેન્ટર તરીકે કરાર કર્યા છે. 2022માં યુનીસ ખાન અફઘાનિસ્તાનનો બૅટિંગ-કોચ હતો.
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાનવાળા ગ્રૂપ-બીમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા છે. 21મી ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાનની પ્રથમ મૅચ સાઉથ આફ્રિકા સામે રમાશે.
આ પણ વાંચો : મળો, ઇશાન કિશનની સુપરમૉડેલ ગર્લફ્રેન્ડ અદિતી હુંડિયાને…
યુનીસ ખાને 118 ટેસ્ટમાં 10,099 રન બનાવ્યા હતા જેમાં 313 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. 2009માં યુનીસ ખાનના સુકાનમાં પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપ જીત્યું હતું. તે પાકિસ્તાનની ટીમને તેમ જ અબુ ધાબી ટી-10 લીગની બે ટીમને કોચિંગ આપી ચૂક્યો છે.