
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટરોએ રવિવારે પહેલી જ વખત વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી એ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ હરમનપ્રીત કૌરના સુકાનમાં વિશ્વ વિજેતા બનેલી આ ભારતીય ટીમને ` એક્સ’ પર અભિનંદન આપ્યા હતા અને તેમને ખૂબ બિરદાવી હતી.
પીએમ મોદીએ પ્રશંસાના સંદેશમાં લખ્યું છે, ` મહિલાઓના આઇસીસી વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ઉત્કૃષ્ટ જીત મેળવી. તેમણે આ શાનદાર વિજય કૌશલ્ય તથા આત્મવિશ્વાસ જાળવી રાખીને મેળવ્યો અને આખી ટૂર્નામેન્ટમાં બહુ સારું ટીમવર્ક બતાવ્યું અને દૃઢતાપૂર્વક જીત હાંસલ કરી. આપણી તમામ ખેલાડીઓને હાર્દિક અભિનંદન. આ ઐતિહાસિક વિજય રાષ્ટ્રના ભાવિ ચૅમ્પિયનોને ખેલકૂદમાં કરીઅર બનાવવા પ્રેરિત કરશે.’
મહિલા વન-ડેમાં વર્લ્ડ ચૅમ્પિયન (World Champion) બનનાર ભારત ચોથો દેશ છે. આ પહેલાં ઑસ્ટ્રેલિયાએ સાત વખત, ઇંગ્લૅન્ડે ચાર વખત અને ન્યૂ ઝીલૅન્ડે એક વખત ટાઇટલ મેળવ્યું હતું.
વિમેન્સ વન-ડેમાં કોણ ક્યારે વર્લ્ડ ચૅમ્પિયન બન્યું
વર્લ્ડ ચૅમ્પિયનોની બુધવારે મોદી સાથે મુલાકાત
1973ઃ ઇંગ્લૅન્ડ
1978ઃ ઑસ્ટ્રેલિયા
1982ઃ ઑસ્ટ્રેલિયા
1988ઃ ઑસ્ટ્રેલિયા
1993ઃ ઇંગ્લૅન્ડ
1997ઃ ઑસ્ટ્રેલિયા
2000ઃ ન્યૂ ઝીલૅન્ડ
2005ઃ ઑસ્ટ્રેલિયા
2009ઃ ઇંગ્લૅન્ડ
2013ઃ ઑસ્ટ્રેલિયા
2017ઃ ઇંગ્લૅન્ડ
2022ઃ ઑસ્ટ્રેલિયા
2025ઃ ભારત
નોંધઃ (1) પુરુષોની વન-ડેમાં પ્રથમ વર્લ્ડ કપ 1975માં રમાયો હતો, પરંતુ મહિલાઓમાં એના બે વર્ષ પહેલાં (1973માં) રમાયો હતો. (2) મહિલાઓના પહેલા બે વર્લ્ડ કપમાં ફાઇનલ જ નહોતી રમાઈ. સૌથી ચડિયાતા પૉઇન્ટને આધારે અનુક્રમે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાએ વિજેતાપદ મેળવ્યું હતું.
હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટીમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બુધવાર, પાંચમી નવેમ્બરે પાટનગર દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મળશે એવું એક અહેવાલમાં જણાવાયું હતું. એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટના અહેવાલ મુજબ બીસીસીઆઇને આ બાબતમાં વડા પ્રધાનના કાર્યાલયમાંથી સત્તાવાર આમંત્રણ મળ્યું છે. બુધવારે ગુરુનાનક જયંતી છે અને એ અવસર વિશ્વ વિજેતા ખેલાડીઓ માટે યાદગાર બની રહેશે. ચૅમ્પિયન ખેલાડીઓ મોદીને મળ્યા બાદ પોતપોતાના રાજ્યમાં પાછા જશે.
આપણ વાંચો: સુરતના ઉદ્યોગપતિએ વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ટીમ માટે જાહેર કરી આ ભેટ સોગાદો…



