સ્પોર્ટસ

યુવરાજના પિતા કપિલ વિશે અપમાનજનક બોલ્યા, ધોનીને પણ નિશાન બનાવ્યો

યોગરાજ સિંહ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા

નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના પિતા અને ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર યોગરાજ સિંહે 1970-’80ના દાયકા દરમિયાનની કરીઅરમાં પોતાને અન્યાય થયો હતો એ બદલ કપિલ દેવને જવાબદાર ગણાવ્યા છે. પુત્ર યુવરાજે કારકિર્દી ટૂંકાવી નાખવી પડી હતી એ બદલ તેમણે એમએસ ધોનીને જવાબદાર ગણાવીને તેની પણ ખૂબ ટીકા કરી છે.

આખાબોલા અને સ્પષ્ટવક્તા તરીકે જાણીતા યોગરાજ સિંહે એક મુલાકાતમાં કહ્યું છે કે ‘ કપિલ દેવ મને પોતાનો હરીફ માનતો હતો અને એટલે જ તેણે 1981માં મને ટીમમાંથી કઢાવ્યો હતો. મારા પુત્ર યુવરાજનો જન્મ થયો ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે હું કોઈને કોઈ રીતે કપિલ સામે મારા અન્યાયનો બદલો લઈશ.’

યોગરાજ સિંહે ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું છે કે ‘મારો દીકરો યુવરાજ શાનદાર કારકિર્દીમાં 13 મોટી ટ્રોફી જીત્યો છે, જ્યારે કપિલ દેવના નામે એકમાત્ર 1983 વર્લ્ડ કપની ટ્રોફી છે.’

આવું બોલીને યોગરાજ સિંહ એવું કહેવા માગે છે કે તેમણે પુત્રની સિદ્ધિઓ મારફત કપિલ સામે બદલો લેવાની ઈચ્છા પૂરી કરી છે.

યોગરાજ સિંહે કપિલ દેવને ઊતારી પાડતા નિવેદનોમાં કહ્યું છે કે ‘અમારા સમયના ગ્રેટેસ્ટ ભારતીય કેપ્ટન મનાતા કપિલ દેવને એકવાર મેં કહ્યું હતું કે હું તને એવી સ્થિતિમાં લાવી દઈશ જ્યારે લોકો તને શ્રાપ આપશે, તને નફરત કરશે. આજે મારા દીકરા પાસે 13 ટ્રોફી છે અને તારી પાસે એકમાત્ર વર્લ્ડ કપની ટ્રોફી. બસ, મારે વધારે હવે કંઈ નથી કહેવું.’

યોગરાજ સિંહે મુલાકાતમાં ધોનીને નિશાન બનાવતા કહ્યું હતું કે ‘હું એમએસ ધોનીને ક્યારેય માફ નહીં કરું. હું તેને કહું છું કે તું પોતે કેવો છો એ જાણવા તારે અરીસામાં જોવું જોઈએ. ધોની ભલે મોટો ક્રિકેટર છે, પણ તેણે મારા દીકરા સાથે જે કર્યું એ બધાની નજર સામે આવી જ ગયું છે. મેં ક્યારેય જીવનમાં મારી સાથે ખોટું કરનારને માફ નથી કર્યો અને બીજું, એવી વ્યક્તિને મેં ક્યારેય ગળે પણ નથી લગાડી, પછી ભલે એ મારા કોઈ ફેમિલી મેમ્બર હોય કે મારા સંતાનો હોય.’

જોકે યોગરાજ સિંહ ઓચિંતા આ નિવેદનો બદલ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે. એક નેટ યુઝર લખે છે કે ‘તેઓ એવા પુત્રના (યુવરાજ સિંહના) પિતા છે જેણે ભારત માટે ઘણું કર્યું છે. જોકે તેઓ હવે દીકરાના નામનો દુરુપયોગ કરી રહ્યા છે. યુવરાજે જે કંઈ નામ કર્યું છે એ હવે તેના પિતા બગાડી રહ્યા છે.’

બીજા એક યુવીચાહકે લખ્યું છે કે ‘યુવરાજ સિંહની બાયોપિક થોડા સમયમાં આવી રહી છે. બની શકે કે તેના પર ફિલ્મ આવી રહી હોય એટલે તેના પિતા દ્વારા આવા નિવેદનો અચાનક આપવામાં આવ્યા હોય.’

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button