યશસ્વી-ગિલની જોડીએ અપાવ્યો આસાન વિજય, ભારતનો ટ્રોફી પર કબજો
ટીમ ઇન્ડિયાની હરારેમાં ઝિમ્બાબ્વે સામે બીજી વાર 10 વિકેટે જીત
હરારે: ભારતે અહીં શનિવારે ઝિમ્બાબ્વેને ટી-20 સિરીઝની ચોથી મૅચમાં 10 વિકેટના માર્જિનથી હરાવીને 3-1ની સરસાઈ સાથે ટ્રોફી પર કબજો કરી લીધો હતો. ભારતે 153 રનનો લક્ષ્યાંક એક પણ વિકેટ ગુમાવ્યા વગર 15.2 ઓવરમાં (28 બૉલ બાકી રાખીને) મેળવી લીધો હતો. મૅન ઑફ ધ મૅચ યશસ્વી જયસ્વાલ (93 અણનમ, 53 બૉલ, બે સિક્સર, તેર ફોર) અને કૅપ્ટન શુભમન ગિલ (58 અણનમ, 39 બૉલ, બે સિક્સર, છ ફોર)ની ઓપનિંગ જોડીએ ઝિમ્બાબ્વેના છ બોલરનો સમજદારી અને હિંમતથી સામનો કરીને 156/0ના સ્કોર સાથે ટીમને ટાર્ગેટ આસાનીથી અપાવી દીધો હતો.
ભારતે ટી-20માં ઝિમ્બાબ્વેને બીજી વાર 10 વિકેટના માર્જિનથી હરાવ્યું છે. 2016માં આ જ સ્થળે ભારતનો 10 વિકેટે વિજય થયો હતો.
યશસ્વી સાત રન માટે બીજી ટી-20 ઇન્ટરનૅશનલ સેન્ચુરી ચૂકી ગયો હતો. જોકે તેણે લક્ષ્યાંક મેળવવા માટે ઇનિંગ્સની જે શરૂઆત કરી ત્યારે જ અણસાર આવી ગયો હતો કે ભારત લક્ષ્યાંક આસાનીથી મેળવી લેશે. તેણે આઇપીએલની સ્ટાઇલમાં ફટકાબાજીથી શરૂઆત કરી હતી. તેણે રિચર્ડ ઍન્ગારાવાની પ્રારંભિક ઓવરમાં છેલ્લા ચાર બૉલમાં ત્રણ ફોર ફટકારી હતી અને પછી ટેન્ડાઈ ચટારાની ત્રીજી ઓવરમાં ચાર ચોક્કા ફટકારી દીધા હતા. તેણે માત્ર 13 બૉલમાં 31 રન બનાવ્યા એને લીધે પહેલી ત્રણ ઓવરમાં ભારતનો સ્કોર 43 થયો હતો. ચાર ઓવરની અંદર ભારતની હાફ સેન્ચુરી પૂરી થઈ હતી. ત્યાર પછી પણ યશસ્વી અને ગિલ દરેક બોલર માટે બેકાબૂ હતા. યશસ્વીએ 29 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી, જ્યારે ગિલના ફિફ્ટી 35 બૉલમાં બન્યા હતા.
આ પણ વાંચો : આજે અભિષેકનું ઓપનિંગમાં કમબૅક?: કૅપ્ટન ગિલ પોતાના ક્રમનો ભોગ આપશે?
છેલ્લી ક્ષણો સુધી લાગતું હતું કે યશસ્વીની સેન્ચુરી પૂરી થશે કે ગિલની હાફ સેન્ચુરી? આ સંભાવના વચ્ચે ગિલે ટી-20 ઇન્ટરનૅશનલ કરીઅરના ત્રીજા ફિફ્ટી પૂરા કરવાનો મોકો ઝડપી લીધો હતો.
યશસ્વી અને ગિલ, બન્નેએ 153નો લક્ષ્યાંક સાવ સામાન્ય બનાવી નાખ્યો હતો. મૅચ પછી યશસ્વીએ કહ્યું, ‘મેં આ ઇનિંગ્સ ખૂબ એન્જૉય કરી. ખરું કહું તો અમને બન્નેને શરૂઆતથી છેક સુધી રમવાની ખૂબ મજા આવી.’
ઝિમ્બાબ્વેએ વેલિંગ્ટન માસાકાદ્ઝાના સ્થાને ફરાઝ અકરમને ઇલેવનમાં સમાવ્યો છે. જોકે ફરાઝ સૌથી ખર્ચાળ સાબિત થયો હતો. તેની ચાર ઓવરમાં સૌથી વધુ 41 રન બન્યા હતા.
એ પહેલાં, ભારતે ફીલ્ડિંગ લીધા બાદ યજમાન ટીમને શરૂઆતથી જ કાબૂમાં રાખી હતી અને 20 ઓવરને અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર સાત વિકેટે 152 રન રહ્યો હતો. એકેય બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો.
માત્ર ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રઝા (46 રન, 28 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)એ ભારતીય બોલર્સનો સમજદારીથી સામનો કર્યો હતો. જોકે ભારત વતી પહેલી જ વખત રમનાર પેસ બોલર તુષાર દેશપાંડેના બૉલમાં તે એક્સ્ટ્રા કવર પર હરીફ સુકાની શુભમન ગિલને આસાન કૅચ આપી બેઠો હતો.
ભારત વતી પેસ બોલર ખલીલ અહમદે સૌથી વધુ બે વિકેટ લીધી હતી, જ્યારે દેશપાંડે ઉપરાંત વૉશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા અને શિવમ દુબેને એક-એક વિકેટ મળી હતી. મુખ્ય સ્પિનર રવિ બિશ્ર્નોઈને ચાર ઓવરની બોલિંગમાં બાવીસ રનના ખર્ચે વિકેટ નહોતી મળી શકી. જોકે 5.50નો તેનો ઇકોનોમી-રેટ તમામ છ બોલરમાં બેસ્ટ હતો.