યશસ્વીનું ખતરનાક સેલિબ્રેશન, બ્રિટિશ ફીલ્ડર વાંદરા જેવી ગુલાંટ મારીને બચ્યો…

લંડનઃ યશસ્વી જયસ્વાલે બે મહિના પહેલાં ઇંગ્લૅન્ડ આવ્યા બાદ પહેલી ટેસ્ટના પ્રથમ દાવમાં સેન્ચુરી (101 રન) ફટકારી ત્યાર પછી તે ફરી સદી નહોતો ફટકારી શક્યો, પરંતુ શનિવારે સિરીઝની અંતિમ ટેસ્ટના આખરી દાવમાં સેન્ચુરી ફટકારતાં જ એવો ગેલમાં આવી ગયો હતો કે વાત ન પૂછો. પિચની સામેના સ્ટૅન્ડમાં પોતાના પરિવારજનો બેઠા હતા અને તે કરીઅરની છઠ્ઠી સદી ફટકારવામાં સફળ થયો કે તરત એવો દોડ્યો કે શું કહેવું!
યશસ્વી (Yashasvi)ના આ સેન્ચુરી (118 રન)ને લીધે જ ભારતીય ટીમ બીજા દાવમાં 396 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવીને યજમાન ટીમને 374 રનનો લક્ષ્યાંક આપી શકી હતી.યશસ્વીએ સદી પૂરી કરતાં જ એવું જશન મનાવ્યું કે એમાં ઇંગ્લૅન્ડ (England)નો ફીલ્ડર બચી ગયો હતો.
વાત એવી છે કે યશસ્વીએ આ સદી એવા સમયે ફટકારી જ્યારે ભારત (india)ની ટૉપ-ઑર્ડર બૅટિંગ લાઇન-અપ તૂટી પડી હતી. યશસ્વીએ આકાશ દીપ જેવા નાઇટ-વૉચમૅન સાથેની જોડીમાં મળીને ટીમને મુશ્કેલ સમયમાંથી સધ્ધર સ્થિતિમાં લાવી દીધી અને એ સાથે સદી પૂરી કરી હતી. સેન્ચુરી પૂરી થતાં જ યશસ્વી એકદમ જોશમાં આવી ગયો અને દોડ્યો હતો.
તે દોડતો ગયો અને આગળ કોણ છે એ તેણે જોયું પણ નહીં અને સામે ઊભેલા ઇંગ્લૅન્ડના ફીલ્ડર સાથે અથડાતાં રહી ગયો હતો. યશસ્વીને પોતાની નજીક આવતા જોઈને ફીલ્ડર ડરી ગયો હતો. યશસ્વી તેના બૅટથી મારવા આવી રહ્યો છે કે શું? એવું ધારીને એ ફીલ્ડર સમય સૂચકતાથી વાંદરાની જેમ ગુલાંટ મારીને જમણી દિશામાં નીચે પડ્યો હતો. ખુદ આ ફીલ્ડર પૂરપાટ દોડીને આવી રહેલા યશસ્વી સાથે પોતાને ટકરાતાં બચાવી લીધો હતો. આ વીડિયો વાઇરલ થયો છે.
યશસ્વીએ સદી પૂરી કરીને સ્ટૅન્ડમાં બેઠેલા પરિવારજનો તરફ હાથથી ઇશારા કરીને જીત સેલિબે્રટ કરી હતી.
યશસ્વી પ્રથમ દાવમાં માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો. એ પહેલાં, મૅન્ચેસ્ટરની ચોથી ટેસ્ટના બીજા દાવમાં તે શૂન્યમાં આઉટ થયો હતો એટલે અહીં ઓવલની સદી બદલ તે બેહદ ખુશ હતો અને આવેશમાં આવીને ફીલ્ડર તરફ દોડ્યો હતો.
આ પણ વાંચો…યશસ્વી જયસ્વાલે લીધો મોટો નિર્ણય, એનઓસીની અરજી પરત લીધી મુંબઈ માટે જ રમશે