યશસ્વી અને શુભમન ગિલે ભારત માટે નવો ઇતિહાસ રચ્યો, આ પહેલી જોડી છે જેણે…

હરારે: એક તરફ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝથી ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લાવી ત્યાં બીજી બાજુ હરારેમાં ભારતની ‘બી’ ટીમે ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણીમાં 3-1થી વિજયી સરસાઈ મેળવી છે. એટલું જ નહીં, શનિવારે યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન શુભમન ગિલની જોડીએ ભારત માટે નવો ઇતિહાસ સર્જ્યો હતો.
ભારતની આ પહેલી જોડી છે જેણે ટી-20માં બે વખત ટાર્ગેટ ચેઝ કરતી વખતે 150-પ્લસ રનની ભાગીદારી કરી છે.
શનિવારે ભારતે ઝિમ્બાબ્વેને ચોથી ટી-20માં 10 વિકેટે હરાવીને એની સામે પાંચ મૅચવાળી શ્રેણીમાં 3-1થી વિજય સરસાઈ મેળવી લીધી હતી. ઝિમ્બાબ્વેએ બેટિંગ મળ્યા પછી સાત વિકેટે 152 રન બનાવ્યા ત્યાર બાદ ભારતીય ટીમે વિના વિકેટે 156 રન બનાવીને વિજય મેળવી લીધો હતો.
યશસ્વી જયસ્વાલ (93 અણનમ, 53 બૉલ, બે સિક્સર, તેર ફોર) અને શુભમન ગિલ (58 અણનમ, 39 બૉલ, બે સિક્સર, છ ફોર) આ મૅચના બે સુપરસ્ટાર હતા. તેમણે તમામ છ બોલરની બોલિંગને ચીંથરેહાલ કરી નાખી હતી. તેમણે મેદાનની ચારેય દિશા તરફ શૉટ ફટકાર્યા હતા અને 156 રનની અતૂટ પાર્ટનરશિપ સાથે ભારત માટે અનોખો રેકોર્ડ સર્જી દીધો હતો.
ભારત માટે પહેલી વાર એવું બન્યું છે જેમાં બે બૅટરની જોડીએ ટી-20માં ટાર્ગેટ ચેઝ કરતી વખતે 150-પ્લસની ભાગીદારી બીજી વાર નોંધાવી છે.
ગયા વર્ષે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20માં યશસ્વી અને ગિલની જ જોડીએ 165 રનની ભાગીદારી કરી હતી. તેમની આ બંને ભાગીદારી ટી-20માં ભારત વતી ટાર્ગેટ ચેઝ કરતી વખતે બનેલી પાર્ટનરશિપ્સમાં પહેલા બે સ્થાન પર છે.