બેંગલૂરુ: આરસીબી (RCB)ના લેફ્ટ-આર્મ પેસ બોલર યશ દયાલે 2023ની નવમી એપ્રિલે ગુજરાત ટાઇટન્સ (GT) વતી બોલિંગ કરતી વખતે છેલ્લી ઓવરમાં 28 રન ડિફેન્ડ કરવાના હતા, પરંતુ કેકેઆરના રિન્કુ સિંહે (Rinku Singh) તેની ઓવરના પાંચ બૉલમાં પાંચ સિક્સર ફટકારી જેને કારણે ગુજરાતે છેવટે ત્રણ વિકેટે પરાજય જોવો પડ્યો હતો. એને કારણે યશ ઘેરા આઘાતમાં ડૂબી ગયો હતો, પરંતુ એ સમયના કૅપ્ટન હાર્દિક પંડ્યા અને બીજા સાથીઓએ યશને ખૂબ દિલાસો આપ્યો હતો અને તેને માનસિક આઘાતમાંથી બહાર લાવ્યો હતો. જોકે ગુજરાતની ટીમે યશને પછીથી હરાજીમાં મૂકી દીધો અને આરસીબીના ફ્રૅન્ચાઇઝી તેનામાં વિશ્ર્વાસ રાખીને તેને પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
યશ દયાલે આરસીબીના એ વિશ્ર્વાસને શનિવારે રાતે સીએસકે (CSK) સામેની મૅચમાં સાર્થક ઠરાવ્યો હતો. તેણે છેલ્લી ઓવરમાં 35 રન ડિફેન્ડ કરવાના હતા.
કૅપ્ટન ડુ પ્લેસીએ મૅચ પછી કહ્યું, ‘મને યશ દયાલની કાબેલિયત પર ભરોસો હતો અને એ વાત મેં તેને પણ કહી હતી. બૅટિંગમાં ધોની અને જાડેજા હતા એટલે તેમને કાબૂમાં રાખવાનું સૌથી કપરું કામ હતું, પણ મને યશ પર પૂરો ભરોસો હતો.’
ધોનીએ યશની 20મી ઓવરના પહેલા બૉલમાં સિક્સર ફટકારી હતી, પણ બીજા બૉલમાં ફરી છગ્ગો મારવા જતાં ડીપ બૅકવર્ડ સ્ક્વેર લેગ પર સ્વપ્નિલ સિંહને કૅચ આપી બેઠો હતો. પછીના બે બૉલમાં શાર્દુલ ઠાકુર એક રન બનાવી શક્યો હતો અને અંતિમ બે બૉલમાં 10 રન બનાવવાની જવાબદારી રવીન્દ્ર જાડેજાના માથે આવી હતી. જોકે જાડેજા ઑફ સ્ટમ્પની બહારના બૉલ સાથે બૅટને કનેક્ટ ન કરી શક્યો અને એ ડૉટ-બૉલને લીધે સીએસકેની ત્યાં જ હાર લખાઈ ગઈ હતી. છેલ્લો બૉલ પણ છઠ્ઠા સ્ટમ્પ સુધીનો હતો જેને પણ જાડેજા પોતાના બૅટ સાથે કનેક્ટ ન કરી શક્યો અને ડૉટ-બૉલ જતાં સીએસકે પરાજય સાથે સ્પર્ધાની બહાર થઈ ગયું અને આરસીબીએ 27 રનના માર્જિનમાં વિજય મેળવીને પ્લે-ઑફમાં એન્ટ્રી કરી લીધી.
Taboola Feed