વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ 2031 સુધી ઇંગ્લૅન્ડમાં જ રમાશે, કારણ જાણી લો…
સ્પોર્ટસ

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ 2031 સુધી ઇંગ્લૅન્ડમાં જ રમાશે, કારણ જાણી લો…

દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દ્વિવાર્ષિક વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ (FINAL) 2031 સુધી ઇંગ્લૅન્ડમાં જ રમાશે. ઉલ્લેખનીય છે કે 2021, 2023 અને 2025ની (ત્રણેય સીઝનની) ફાઇનલ ઇંગ્લૅન્ડમાં રમાઈ હતી.

થોડા દિવસ પહેલાં એવી અટકળ હતી કે હવે પછીની ડબ્લ્યૂટીસીની ફાઇનલ ઇંગ્લૅન્ડમાં નહીં, પણ અન્ય કોઈ દેશમાં રખાશે. બીસીસીઆઇ (BCCI) આ ફાઇનલને ભારતમાં લાવવા ઇચ્છે છે એવી પણ અટકળ હતી. રવિ શાસ્ત્રીએ તાજેતરમાં એક મુલાકાતમાં આઇસીસીને અનુલક્ષીને ત્યાં સુધી કહ્યું હતું કે ` જો ડબ્લ્યૂટીસીની ફાઇનલ અમદાવાદ જેવા મોટા સ્ટેડિયમમાં રાખવામાં આવે તો એક લાખથી પણ વધુ પ્રેક્ષકો એ જોઈ શકે અને આ ટૂર્નામેન્ટની ખ્યાતિ વધી શકે. મેલબર્નમાં પણ આ ફાઇનલ રાખી શકાય.’

જોકે આઇસીસીએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે પછીની ત્રણ સીઝનની ફાઇનલ (2027, 2029 અને 2031) ઇંગ્લૅન્ડમાં જ રમાશે. 2021માં ડબ્લ્યૂટીસીની ફાઇનલ સાઉધમ્પ્ટનમાં રમાઈ હતી જેમાં ન્યૂ ઝીલૅન્ડે ભારતને હરાવ્યું હતું. 2023ની ફાઇનલ લંડનના ઓવલમાં રમાઈ હતી જેમાં ભારતનો ઑસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો અને 2025ની તાજેતરની ફાઇનલ લૉર્ડ્સમાં રમાઈ હતી જેમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ પહેલી વાર વિશ્વ કપ સ્તરની ટ્રોફી જીતી લીધી હતી.

આઇસીસીએ જણાવ્યું છે કે ` આ નિર્ણય ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડની ગઈ ત્રણ સીઝનની ફાઇનલનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું તેમ જ ઇંગ્લૅન્ડની ઉનાળાની શરૂઆતમાં આ ફાઇનલ યોજાતી હોવાથી ભૌગોલિક દૃષ્ટિએ પણ એ સુવિધાજનક છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button