સ્પોર્ટસ

ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં અને ભારતની પ્રૅક્ટિસ-મૅચ પહેલાં વિમાન હોનારતના મૃતકોને અંજલિ

લંડન/બેકનહૅમઃ અહીં લૉર્ડ્સ (LORD’S )માં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં શુક્રવારના ત્રીજા દિવસની રમતની શરૂઆત પહેલાં બન્ને ટીમના ખેલાડીઓએ અમદાવાદની ગુરુવારની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને અંજલિ આપવા બે મિનિટનું મૌન (2 MINUTES SILENCE) પાળ્યું હતું અને તેઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા હતા.

આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

બીજી તરફ, બેકનહૅમ (BECKENHAM)માં શુક્રવારે બપોરે ભારતીય ટેસ્ટ ટીમની ઇન્ડિયા એ’ સામે ચાર દિવસની પ્રૅક્ટિસ-મૅચ શરૂ થઈ અને એ પહેલાં પણ બન્ને ટીમના પ્લેયર્સે પણ બે મિનિટનું મૌન પાળ્યું હતું અને પ્લેનની હોનારતમાં મૃત્યુ પામનાર લોકોને શ્રધ્ધાંજલિ આપવા તેઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાન પર ઊતર્યા હતા.

ઍર ઇન્ડિયાના પૅસેન્જર પ્લેનમાં 242 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંના 241 જણનાં મૃત્યુ થયાં હતાં અને એક યુવાન બચી ગયો હતો. વિમાનના તમામ 12 કર્મચારીઓ પણ માર્યા ગયા હતા તેમ જ ઍરપોર્ટની આસપાસ મેડિકલ હૉસ્ટેલ સહિતની ઇમારતો પર વિમાન પડવાને કારણે ઘણી વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.

આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ચરોતરના 50 લોકો માર્યા ગયા, એક ડૉક્ટર અને 15 મહિલાનો સમાવેશ

ઑસ્ટ્રેલિયા ડબ્લ્યૂટીસીનું ટાઇટલ ડિફેન્ડ કરી રહ્યું છે, જ્યારે સાઉથ આફ્રિકાને પહેલી વાર ટેસ્ટનો આ વર્લ્ડ કપ જીતવાનો મોકો છે. બેકનહૅમમાં ઇન્ડિયા અને ઇન્ડિયાએ’ ટીમના ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફના મેમ્બર્સે પણ હાથ પર કાળી પટ્ટી પહેરી હતી.

અનેક ક્રિકેટરોએ અમદાવાદની વિમાન દુર્ઘટના વિશે ગુરુવારે શોક વ્યક્ત કર્યો હતો. સચિન તેન્ડુલકરે શોક સંદેશમાં જણાવ્યું હતું કે ` અમદાવાદમાં હૃદય કંપી જાય એવી દુર્ઘટના બની. મને એ બનાવ વિશે જાણીને ખૂબ દુઃખ થયું હતું. મૃત્યુ પામેલાઓના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ સંકટના સમયનો સામનો કરવાની હિંમત આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું.’

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે 20મી જૂને પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણી શરૂ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button