સ્પોર્ટસ

ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં બીજા દિવસે પણ હોલસેલમાં વિકેટો પડી

ઑસ્ટ્રેલિયાએ 74 રનની લીડ લીધા પછી બીજા દાવમાં ધબડકો જોયોઃ પૅટ કમિન્સનો છ વિકેટનો તરખાટ

લંડનઃ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ (FINAL)માં બુધવારના પ્રથમ દિવસે 14 વિકેટ પડ્યા બાદ ગુરુવારે બીજા દિવસે પણ વિકેટો પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને બીજી કુલ 13 વિકેટ પડી ચૂકી હતી. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 74 રનની સરસાઈ લીધા બાદ બીજા દાવમાં આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં ઑસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 84 રનમાં સાત વિકેટ ગુમાવી હતી. વિકેટકીપર ઍલેક્સ કૅરી દસ રને અને મિચલ સ્ટાર્ક પાંચ રને રમી રહ્યો હતો. ઑસ્ટ્રેલિયા (AUSTRALIA)ના બીજા દાવમાં સાતમાંથી ત્રણ વિકેટ પેસ બોલર લુન્ગી ઍન્ગિડીએ, બે વિકેટ કૅગિસો રબાડાએ અને એક-એક વિકેટ વિઆન મુલ્ડર અને માર્કો યેનસેને લીધી હતી.

સાઉથ આફ્રિકા (SOUTH AFRCA)ના પેસ બોલર કૅગિસો રબાડાએ પહેલા દાવમાં પાંચ વિકેટ લીધા બાદ બીજા દાવમાં કાંગારૂઓની પહેલી બન્ને તેણે વિકેટ લીધી હતી. ઓપનર માર્નસ લબુશેન 16 રન પર રમી રહ્યો હતો, પણ બીજો ઓપનર ઉસ્માન ખ્વાજા (છ રન) અને વન-ડાઉન બૅટ્સમૅન કૅમેરન ગ્રીન (0) રબાડાનો શિકાર થયો હતો. લબુશેન સાથે સ્ટીવ સ્મિથ ચાર રને દાવમાં હતો. પ્રથમ દાવમાં 72 રન કરનાર બ્યૂ વેબસ્ટર બીજા દાવમાં ફક્ત નવ રન અને પ્રથમ દાવમાં 66 રન કરનાર સ્ટીવ સ્મિથ તેર રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. બન્નેને લુન્ગી ઍન્ગિડીએ એલબીડબ્લ્યૂ કર્યા હતા.

આ પણ વાંચો: ડબ્લ્યૂટીસીના પહેલા દિવસે બોલર્સનું રાજઃ રબાડા-યેનસેન પછી સ્ટાર્ક ત્રાટક્યો…

એ પહેલાં, સાઉથ આફ્રિકાની પ્રથમ ઇનિંગ્સ 138 રનના સ્કોર પર પૂરી થઈ હતી. પહેલા દિવસના 43/4ના સ્કોર પરથી સાઉથ આફ્રિકાએ આગળ રમવાનું શરૂ કર્યું હતું અને બીજા 95 રનમાં બાકીની છ વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા દાવમાં 212 રન કરનાર ઑસ્ટ્રેલિયાએ 74 રનની લીડ લઈને પોતાનો હાથ ઉપર રાખ્યો હતો.

પૅટ કમિન્સે (18.1-6-28-6) હરીફ સુકાની ટેમ્બા બવુમા સહિત કુલ છ વિકેટ લીધી હતી. બે વિકેટ મિચલ સ્ટાર્કે લીધી હતી. તેણે ડબ્લ્યૂટીસી ફાઇનલ્સમાં સૌથી વધુ વિકેટ લેવાનો મોહમ્મદ શમીનો વિક્રમ બુધવારે પહેલા દિવસે જ તોડી નાખ્યો હતો. સાઉથ આફ્રિકાની એક વિકેટ જૉશ હૅઝલવૂડે મેળવી હતી.

ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં જે 212 રન કર્યા હતા એમાં બ્યૂ વેબસ્ટરના 72 રન અને સ્ટીવ સ્મિથના 66 રન સામેલ હતા.
ગુરુવારે પ્રથમ સત્રને અંતે (લંચ-બે્રક વખતે) સાઉથ આફ્રિકાનો સ્કોર પાંચ વિકેટે 121 રન હતો અને ઑસ્ટ્રેલિયાથી હજી તેઓ 91 રન પાછળ હતા. જોકે તેમણે 17 રનમાં બાકીની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો: ડબ્લ્યૂટીસી ફાઇનલઃ સાઉથ આફ્રિકાએ ફીલ્ડિંગ લીધી, ઑસ્ટ્રેલિયાએ આરંભમાં જ બે વિકેટ ગુમાવી

સાઉથ આફ્રિકાની ઇનિંગ્સમાં 40મી ઓવર કમિન્સે કરી હતી જેના બીજા બૉલમાં તેણે હરીફ સુકાની બવુમાને કૅચઆઉટ કરાવ્યો હતો. બવુમા 17 રન પર હતો ત્યારે ડીઆરએસમાં તેને જીવતદાન મળ્યું હતું, પણ 36 રનના સ્કોર પર હતો ત્યારે ઑફ સ્ટમ્પની જરાક બહાર પડેલા અને વધુ દૂર જઈ રહેલા બૉલને કવરમાં મોકલવાના પ્રયાસમાં બવુમા કૅચ આપી બેઠો હતો. માર્નસ લબુશેને જમણી દિશામાં ડાઇવ મારીને બન્ને હાથે બૉલને પોતાના કબજામાં કર્યો હતો અને બવુમા પૅવિલિયન તરફ ચાલવા લાગ્યો હતો.

બવુમાએ 84 બૉલમાં એક સિક્સર અને ચાર ફોરની મદદથી 36 રન કર્યા હતા. ટીમના સ્કોરમાં તેનું રનની દૃષ્ટિએ મોટું યોગદાન નહોતું, પરંતુ તેણે ત્રણ ભાગીદારી કરી હતી જેમાંથી બે ભાગીદારી બૉલની સંખ્યાની દૃષ્ટિએ લાંબી હતી અને ત્રીજી ભાગીદારી બૉલ અને રન, બન્ને રીતે મોટી હતી. બવુમાએ વિઆન મુલ્ડર (છ રન) સાથે 40 બૉલમાં છ રનની અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (બે રન) સાથે 30 બૉલમાં પાંચ રનની ભાગીદારી કરી હતી. ત્યાર પછી ડેવિડ બેડિંગમ (39 નૉટઆઉટ) સાથે બવુમાની 114 બૉલમાં 64 રનની પાર્ટનરશિપ થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button