ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલનો તખ્તો બરાબર તૈયાર, બન્ને ટીમે જાહેર કરી પ્લેઇંગ-ઇલેવન | મુંબઈ સમાચાર

ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલનો તખ્તો બરાબર તૈયાર, બન્ને ટીમે જાહેર કરી પ્લેઇંગ-ઇલેવન

ઑસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા વચ્ચે 113 વર્ષમાં પહેલી વખત તટસ્થ મેદાન પર મુકાબલો

લંડનઃ લૉર્ડ્સ (LORD’S) માં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે બુધવાર, 11મી જૂને (ભારતીય સમય મુજબ બપોરે 3.00 વાગ્યે) શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ (FINAL) માટે બન્ને દેશે પ્લેઇંગ-ઇલેવન (PLAYING ELEVEN) જાહેર કરી દીધી છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની ટીમની વિશેષતા એ છે કે ઓપનિંગમાં ઉસ્માન ખ્વાજા સાથે માર્નસ લબુશેન રમશે. સાઉથ આફ્રિકન ટીમની ખાસિયત એ છે કે ત્રીજા સીમ બોલર તરીકે ટીમમાં ડેન પૅટરસનને બદલે અનુભવી લુન્ગી ઍન્ગિડીને સામેલ કરવામાં આવ્યો છે.

બન્ને દેશ વચ્ચે 1912ની સાલ પછી પહેલી વાર (113 વર્ષે) તટસ્થ સ્થળે ટેસ્ટ રમાશે. ડબ્લ્યૂટીસીની ફાઇનલ પહેલી વખત ભારત વગર રમાશે. 2021ની ફાઇનલમાં ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે અને 2023ના નિર્ણાયક મુકાબલામાં ભારતનો ઑસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.

આ પણ વાંચો: સાઉથ આફ્રિકા ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ જીતશે તો `ચૉકર્સ’ની છાપ ભૂંસાઈ જશેઃ માર્ક બાઉચર…

લબુશેન 2023-2025ની ડબ્લ્યૂટીસી સીઝનમાં સારું નહોતો રમ્યો. તેની ફક્ત 28.33ની બૅટિંગ-સરેરાશ હતી. જોકે ડેવિડ વૉર્નરની નિવૃત્તિ બાદ ઑસ્ટ્રેલિયાને ઓપનર તરીકે હજી કાયમી ઉકેલ ન મળ્યો હોવાથી લબુશેનને વધુ એક તક અપાઈ છે. ટીનેજર સૅમ કૉન્સ્ટાસને પડતો મૂકવામાં આવ્યો છે, જ્યારે ટ્રૅવિસ હેડ પાંચમા નંબર પર બૅટિંગ કરશે.

બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવનઃ

ઑસ્ટ્રેલિયાઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), ઍલેક્સ કૅરી (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, માર્નસ લબુશેન, કૅમેરન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યૂ વેબ્સ્ટર, મિચલ સ્ટાર્ક, નૅથન લાયન અને જૉશ હૅઝલવૂડ.

સાઉથ આફ્રિકાઃ ટેમ્બા બવુમા (કૅપ્ટન), રાયન રિકલ્ટન (વિકેટકીપર), એઇડન માર્કરમ, વિઆન મુલ્ડર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, ડેવિડ બેડિંગમ, કાઇલ વેરેની, માર્કો યેનસેન, કેશવ મહારાજ, કૅગિસો રબાડા અને લુન્ગી ઍન્ગિડી.

Back to top button