ડબ્લ્યૂટીસીના પહેલા દિવસે બોલર્સનું રાજઃ રબાડા-યેનસેન પછી સ્ટાર્ક ત્રાટક્યો…
આખા દિવસમાં 14 વિકેટ પડીઃ ઑસ્ટ્રેલિયા 212 રનમાં ઑલઆઉટ, સાઉથ આફ્રિકા 43/4

લૉર્ડ્સઃ અહીં ત્રીજી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની સીઝનની ફાઇનલમાં પ્રથમ દિવસ બોલર્સનો હતો. આખા દિવસમાં કુલ 14 વિકેટ (14 WICKETS) પડી હતી. ઑસ્ટ્રેલિયાની ટીમ 212 રનમાં ઑલઆઉટ થઈ ગઈ ત્યાર બાદ સાઉથ આફ્રિકાએ પહેલા દિવસની રમતના અંત સુધીમાં માત્ર 43 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
સાઉથ આફ્રિકા (SOUTH AFRICA)ના બે ફાસ્ટ બોલર કૅગિસો રબાડા (15.4-5-51-5) અને તાજેતરની આઇપીએલમાં પંજાબ કિંગ્સને રનર-અપ બનાવવામાં મોટી ભૂમિકા ભજવનાર લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર માર્કો યેનસેન (14-5-49-3))ની જોડીએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા (AUSTRALIA)ને ઝૂકાવ્યું અને પૅટ કમિન્સની ટીમ માત્ર 212 રનમાં ઑલઆઉટ થઈ ગઈ ત્યાર બાદ ઑસ્ટ્રેલિયા વતી ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક ત્રાટક્યો હતો. તેણે ફક્ત નવ રનમાં સાઉથ આફ્રિકાના ઓપનર એઇડન માર્કરમ (0) અને રિકી રાયલ્ટન (16)ને વહેલા પૅવિલિયન ભેગા કરી દીધા હતા. સ્ટાર્ક ઉપરાંત જૉશ હૅઝલવૂડ અને કૅપ્ટન પૅટ કમિન્સે એક-એક વિકેટ લીધી હતી. કૅપ્ટન ટેમ્બા બવુમા ત્રણ રને અને ડેવિડ બેડિંગમ આઠ રને દાવમાં હતા.
ફાઇનલમાં પ્રારંભિક દિવસનું પ્રથમ સેશન સાઉથ આફ્રિકાના નામે લખાયું હતું. લંચ સુધીના બે કલાકના પહેલા સત્રમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાએ 23.2 ઓવરમાં 67 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી એનું તેને અને તેની ટીમને તરત સારું પરિણામ જોવા મળ્યું હતું.
એ પહેલાં, 2023-2025ની ડબ્લ્યૂટીસી સીઝનની આ ફાઇનલમાં સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. કૅગિસો રબાડા ઇનિંગ્સની શરૂઆતમાં ત્રાટક્યો હતો. ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ મળ્યા બાદ તરત જ બે વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી વાર ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલા સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર રબાડાએ એક જ ઓવરમાં પહેલી બે વિકેટ લીધી હતી.
ઓપનિંગમાં ઉસ્માન ખ્વાજા (0) સાથે માર્નસ લબુશેન (17) બૅટિંગમાં આવ્યો હતો જેણે ધીમી, પરંતુ સાવચેતીભરી શરૂઆત કરી હતી. ખ્વાજાની વિકેટ પડતાં કૅમેરન ગ્રીન (જે 15 મહિને ફરી રમવા આવ્યો છે) વનડાઉન બૅટિંગમાં આવ્યો હતો, પરંતુ સાતમી જ ઓવરના અંતમાં રબાડાએ ઑફ સ્ટમ્પ પર બૉલમાં ગ્રીનને બીજી સ્લિપમાં એઇડન માર્કરમના હાથમાં કૅચઆઉટ કરાવીને ઑસ્ટ્રેલિયાની છાવણીમાં સોપો પાડી દીધો હતો. ગ્રીન અક્રોસ ધ લાઇન રમવા જતાં કૅચ આપી બેઠો હતો.
ઑસ્ટ્રેલિયા વતી સૌથી વધુ રન બ્યૉ વેબસ્ટરે (72 રન) અને સ્ટીવ સ્મિથે (66 રન) કર્યા હતા.સાઉથ આફ્રિકાના રબાડા અને યેનસેન ઉપરાંતના બીજા બે પેસ બોલર કેશવ મહારાજ અને એઇડન માર્કરમને એક-એક વિકેટ મળી હતી અને તેમણે કાંગારૂઓને કાબૂમાં પણ રાખ્યા હતા.