શુક્રવારથી મહિલાઓની આઇપીએલ

નવી મુંબઈઃ મહિલાઓની આઇપીએલ તરીકે ઓળખાતી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝન શુક્રવાર, નવમી જાન્યુઆરીએ (સાંજે 7.30 વાગ્યે) અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે જેમાં પહેલો મુકાબલો બે ચૅમ્પિયન ટીમ મુંબઈ (Mumbai) ઇન્ડિયન્સ વિમેન અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (Bengaluru) વિમેન વચ્ચે થશે.
હરમનપ્રીત કૌર મુંબઈની અને સ્મૃતિ મંધાના બેંગલૂરુની કૅપ્ટન છે. બીજી નવેમ્બરે આ જ મેદાન પર હરમન અને સ્મૃતિની જોડી તેમ જ બીજી ભારતીય ખેલાડીઓએ સાઉથ આફ્રિકાને ફાઇનલમાં હરાવીને પહેલી વાર વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી હતી.
આપણ વાચો: ફેબ્રુઆરીમાં મહિલાઓની આઇપીએલની ફાઇનલ કેમ વીકએન્ડમાં નહીં રમાય
પાંચ ટીમ વચ્ચેની આ ટી-20 ટૂર્નામેન્ટની બીજી ત્રણ ટીમમાં ગુજરાત જાયન્ટ્સ વિમેન, યુપી વૉરિયર્ઝ વિમેન અને ત્રણેય ફાઇનલમાં રમવા છતાં ટાઇટલ ન જીતી શકનાર દિલ્હી કૅપ્ટિલ્સ વિમેનનો સમાવેશ છે.

ઍશ્લેઇ ગાર્ડનર ગુજરાતની, જેમિમા રૉડ્રિગ્સ દિલ્હીની અને મેગ લેનિંગ યુપીની કૅપ્ટન છે. ચાર અઠવાડિયાની આ ટૂર્નામેન્ટમાં 17મી જાન્યુઆરી સુધીની મૅચો ડી. વાય. પાટીલમાં અને ત્યાર પછીની મૅચો વડોદરામાં રમાશે.
ત્રીજી ફેબ્રુઆરીએ વડોદરામાં એલિમિનેટરનો મુકાબલો થશે અને પાંચમી ફેબ્રુઆરીએ એ જ સ્થળે ફાઇનલ રમાશે. ટૂર્નામેન્ટની મોટા ભાગની મૅચો સાંજે 7.30 વાગ્યાથી રમાશે.



