સ્પોર્ટસ

આજે ડબ્લ્યૂપીએલમાં પહેલી વખત મુંબઈ ઇન્ડિયન્સ વિનાની પ્લે-ઑફ રમાશે

વડોદરામાં દિલ્હી કૅપિટલ્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ વચ્ચે ટક્કર

વડોદરાઃ ટાટા વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) તરીકે જાણીતી મહિલાઓની આઇપીએલની પહેલી ત્રણેય સીઝનની ફાઇનલમાં પહોંચનાર દિલ્હી કૅપિટલ્સ (DC) આજે પ્લે-ઑફના એલિમિનેટર (સાંજે 7.30 વાગ્યાથી)માં ગુજરાત જાયન્ટ્સ (GG) સામે જીતીને સતત ચોથી વખત ફાઇનલમાં પહોંચવા કોઈ કસર બાકી નહીં રાખે, પરંતુ બીજી મહત્ત્વની વાત એ છે કે ભારતની આ સૌથી લોકપ્રિય મહિલા ટી-20 લીગમાં પહેલી જ વાર પ્લે-ઑફમાં મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમ નહીં જોવા મળે. આજે સાંજે 7.00 વાગ્યે ટૉસ થશે. આ એલિમિનેટરમાં જીતનારી ટીમ ગુરુવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) સામે ફાઇનલ રમશે.

આજે બે ઇનિંગ્સની મધ્યમાં સાન્યા મલ્હોત્રા અને બીજા કલાકારો પર્ફોર્મ કરશે.

દિલ્હી પહેલી વખત જેમિમાના નેતૃત્વમાં

ડબ્લ્યૂપીએલના અગાઉના ત્રણમાંથી બે ટાઈટલ જીતનાર હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ ટીમ આ વખતે ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે અને ત્રણેય સીઝનમાં ફાઇનલમાં પહોંચનાર તથા આ વખતે પહેલી જ વાર ભારતની વન-ડે વર્લ્ડ કપ સ્ટાર બૅટર જેમિમા રોડ્રિગ્સની કેપ્ટન્સીમાં રમનાર દિલ્હી કેપિટલ્સની ટીમે પ્લે-ઑફમાં સ્થાન મેળવી લીધું છે. ઑસ્ટ્રેલિયાની ઍશ ગાર્ડનર ગુજરાતની ટીમની કૅપ્ટન છે.

આ પણ વાચો : ટી-20 વર્લ્ડ કપની વિદેશી ટીમો વતી રમશે 40 ભારતીય ક્રિકેટરો!

મંધાનાની આરસીબી સીધી ફાઇનલમાં પહોંચી

સ્મૃતિ મંધાનાના સુકાનમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)ની ટીમ સીધી પાંચમી ફેબ્રુઆરીની ફાઇનલમાં પહોંચી ગઈ છે. 2024માં આ ટીમ ચૅમ્પિયન બની હતી. આ વખતના લીગ રાઉન્ડમાં આરસીબીએ સૌથી વધુ 12 પૉઇન્ટ મેળવ્યા હતા. નવાઈની વાત એ છે કે બે ટાઇટલ જીતનાર મુંબઈની ટીમ આ વખતે આઠમાંથી પાંચ લીગ મૅચ હારી હતી.

દિલ્હીએ યુપીને હરાવતાં મુંબઈ આઉટ થયેલું

રવિવારે દિલ્હીએ યુપી વૉરિયર્ઝને આઠ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિન સાથે હરાવી દીધું એટલે આપોઆપ મુંબઈની ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ હતી.
દિલ્હીની મેરિઝેન કૅપની ત્રણ વિકેટ તેમ જ શ્રી ચરની અને શિનેલ હેન્રીની બે-બે વિકેટને લીધે યુપીની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 122 રન કરી શકી હતી.
દિલ્હીની ટીમે 18.4 ઓવરમાં 5/126 રનના સ્કોર સાથે મૅચ જીતી લીધી હતી. એમાં લૉરા વૉલવાર્ટના 47 તેમ જ કેપ્ટન જેમિમાના અણનમ 34 રન અને શેફાલી વર્માના 29 રન સામેલ હતા.

આ પણ વાચો : ડબલ્યૂપીએલના બે ટાઈટલ જીતનાર મુંબઈ ટૂર્નામેન્ટની બહાર, દિલ્હી પ્લે-ઑફમાં

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button