વડોદરામાં ડબ્લ્યૂપીએલનો ધમાકેદાર આરંભ: શાનદાર ઓપનિંગમાં આયુષમાન છવાઈ ગયો…
રેકૉર્ડ-બ્રેક ચેઝ અને હાઈએસ્ટ સિક્સરના વિક્રમ વચ્ચે સ્મૃતિની બેંગ્લૂરુ ટીમનો વિજય

વડોદરા: વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યૂપીએલ) તરીકે ઓળખાતી મહિલાઓની આઇપીએલની ત્રીજી સીઝનનો ગઈ કાલે વડોદરામાં ધમાકેદાર આરંભ થયો હતો. 2024 ની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) વિમેન ટીમે ગુજરાત જાયન્ટ્સ (જીજી) વિમેન ટીમને સ્પર્ધાના પહેલા જ મુકાબલામાં નવ બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી હરાવી દીધી હતી. આરસીબીએ મેળવેલો 202 રનનો લક્ષ્યાંક આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી સફળ ચેઝ છે. મહિલાઓની ટી-20માં 200-પ્લસનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ થયો હોય એવો આ બીજો જ બનાવ છે. 2023માં ઑસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઇન્ડીઝે 213 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
વડોદરાની ગઈ કાલની મૅચમાં બે ઈનિંગ્સ વચ્ચેના બ્રેકમાં ટૂંકી ઓપનિંગ સેરેમની યોજાઇ હતી જેમાં એક્ટર અને સિંગર આયુષમાન ખુરાનાએ ડાન્સર્સ વચ્ચે પોતાના કર્ણપ્રિય હિટ સોન્ગ્સ અને ડાન્સથી હજારો પ્રેક્ષકોને મંત્ર મુક્ત કરી દીધા હતા. ધમાકેદાર સંગીત વચ્ચે જાણીતી સિંગર મધુબન્તી બાગચીએ પણ લોકોના દિલ જીતી લીધા હતા.
આરસીબીની વિકેટકીપર બૅટર રિચા ઘોષ (64 અણનમ, 27 બૉલ, ચાર સિક્સર, સાત ફોર) આ મૅચની સુપરસ્ટાર હતી. આ પ્લેયર ઑફ ઘી મૅચ અને રાઈટ-હૅન્ડ બૅટરને છેક સુધી લેફ્ટ-હૅન્ડ બૅટર કનિકા આહુજા (30 અણનમ, 13 બૉલ, ચાર ફોર)નો સાથ મળ્યો હતો અને બંને વચ્ચે પાંચમી વિકેટ માટે માત્ર 37 બૉલમાં 93 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
એ પહેલાં, ઑસ્ટ્રેલિયન બૅટર એલિસ પેરી (57 રન, 34 બૉલ, બે સિક્સર, છ ફોર)એ આરસીબીની ટીમને મોટું યોગદાન આપ્યું હતું. રિચા ઘોષને તેના પહેલા જ બૉલે જીવતદાન મળ્યું હતું જેમાં તેનો કૅચ છૂટ્યો હતો. ત્યાર પછી તેણે 23 બૉલમાં હાફ સેન્ચુરી ફટકારીને એ જીવતદાનનો ફાયદો લીધો હતો. એક તબક્કે તેણે એશ્લેઈ ગાર્ડનરની એક ઓવરમાં 23 રન ખડકી દીધા હતા.
કેપ્ટન સ્મૃતિ મંધાના ઓપનિંગમાં ફક્ત નવ રન બનાવીને આઉટ થઈ હતી અને રાઘવી બિસ્તે 25 રનનો ફાળો આપ્યો હતો. આરસીબીએ 202 રનનો લક્ષ્યાંક 18.3 ઓવરમાં ચાર વિકેટના ભોગે મેળવી લીધો હતો. ગુજરાત વતી કેપ્ટન એશ્લેઈ ગાર્ડનરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, ગુજરાતની ટીમે બૅટિંગ મળ્યા પછી પાંચ વિકેટે જે 201 રન બનાવ્યા હતા એમાં કેપ્ટન ગાર્ડનર (79 અણનમ, 39 બૉલ, આઠ સિક્સર, ત્રણ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેની અને તેના જ દેશ ઑસ્ટ્રેલિયાની બેથ મૂની (56 રન, 42 બૉલ, આઠ ફોર)એ ગુજરાતની ટીમને 201 રનનો તોતિંગ સ્કોર અપાવવામાં સૌથી મોટા યોગદાન આપ્યા હતા.
ગાર્ડનરે આઠ સિક્સર ફટકારીને 2023ની સીઝનમાં સૉફી ડિવાઇને નોંધાવેલા રેકૉર્ડની બરાબરી કરી હતી. વેસ્ટ ઇન્ડિયન બૅટર ડીએન્ડ્રા ડૉટિને પચીસ રન બનાવ્યા હતા. આરસીબી વતી ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
બંને ફરીફ ટીમના સ્કોરનો સરવાળો 403 રન થયો હતો જે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં હાઈએસ્ટ છે.