સ્પોર્ટસ

દીપ્તિ શર્મા સૌથી મોંઘીઃ યુપીએ 3.20 કરોડ રૂપિયામાં મેળવી

ડબ્લ્યૂપીએલના મેગા ઑક્શનમાં શિખા પાન્ડેએ 2.40 કરોડની બોલી સાથે મેદાન માર્યું, સર્વત્ર આશ્ચર્ય ફેલાયું

નવી દિલ્હીઃ મહિલાઓની આઇપીએલ તરીકે વિખ્યાત વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની આગામી સીઝન નવમી જાન્યુઆરીથી પાંચમી ફેબ્રુઆરી સુધી રમાશે એવી જાહેરાત બાદ દિલ્હીમાં આયોજિત પ્લેયર્સ ઑક્શન (AUCTION)માં ભારતની સ્પિન-ઑલરાઉન્ડર 2026ના ડબ્લ્યૂપીએલના મેગા ઑક્શનની સૌથી મોંઘી ખેલાડી બની હતી. યુપી વૉરિયર્ઝ ટીમના ફ્રૅન્ચાઇઝીએ તેને 3.20 કરોડ રૂપિયામાં મેળવી હતી. એ સાથે, દીપ્તિ હવે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં બીજા નંબરની હાઇએસ્ટ-પેઇડ ભારતીય ખેલાડી બની છે. તે પ્રથમ ક્રમની હાઇએસ્ટ-પેઇડ ખેલાડી સ્મૃતિ મંધાના (આરસીબી-3.40 લાખ રૂપિયા)થી માત્ર 20 લાખ રૂપિયા પાછળ છે.

ભારતની સ્પિન-ઑલરાઉન્ડર અને વર્લ્ડ કપની પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ દીપ્તિ શર્માને યુપી વૉરિયર્ઝે ઑક્શન માટે છૂટી કરી દીધી હતી, પણ હવે તેને પાછી મેળવી લીધી છે. તેના નામ પર 50 લાખ રૂપિયાથી બોલી બોલાવાની શરૂઆત થઈ હતી.

આ પણ વાંચો : દીપ્તિ શર્માને યુપીની ટીમે પાછી મેળવી અને એ પણ અધધધ…આટલા કરોડ રૂપિયામાં!

આ પણ વાંચો : ઝળહળતી ટ્રોફી તમારી તનતોડ મહેનતનું ઉદાહરણ છેઃ પીએમ મોદી

દિલ્હી કૅપિટલ્સે દીપ્તિને મેળવવા શરૂઆત કરી હતી અને મામલો 3 કરોડ રૂપિયાને પાર ગયો હતો, પણ યુપીએ રાઇટ-ટૂ-મૅચ (આરટીએમ)ની સવલતથી તેને છેવટે 3.20 કરોડ રૂપિયામાં પાછી મેળવી લીધી હતી. ભારતની જ ઑલરાઉન્ડર શિખા પાન્ડેને યુપી વૉરિયર્ઝે 40 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 2.40 કરોડ રૂપિયામાં હાંસલ કરી હતી. નવાઈની વાત એ છે કે તે ભારત વતી છેલ્લે 2023ની સાલમાં રમી હતી.

ભારતીય સ્પિનર શ્રી ચરની અને સાઉથ આફ્રિકાની વર્લ્ડ કપ સ્ટાર લૉરા વૉલ્વાર્ટને પણ ઊંચા ભાવે મેળવવામાં આવી હતી. શ્રી ચરનીને દિલ્હી કૅપિટલ્સે 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 1.30 કરોડ રૂપિયામાં મેળવી હતી. વૉલ્વાર્ટને દિલ્હી કૅપિટલ્સે 30 લાખ રૂપિયા સામે 1.10 કરોડ રૂપિયામાં અને મુંબઈ ઇન્ડિયન્સે ન્યૂ ઝીલૅન્ડની ઍમેલી કેરને 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 3.00 કરોડ રૂપિયામાં તથા ગુજરાત જાયન્ટ્સે ન્યૂ ઝીલૅન્ડની સૉફી ડિવાઇનને 2.00 કરોડ રૂપિયામાં મેળવી હતી. યુપી વૉરિયર્ઝના ફ્રૅન્ચાઇઝીએ ઑસ્ટ્રેલિયાની મેગ લેનિંગને 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 1.90 કરોડ રૂપિયામાં મેળવી હતી. ઑક્શનની છેલ્લી ખેલાડીના રૂપમાં આયુષી સોનીને ગુજરાત જાયન્ટ્સે 30 રૂપિયામાં મેળવી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button