મહિલાઓની મૅચની છેલ્લી ત્રણ ઓવરમાં ત્રણ રનઆઉટની અપીલઃ થર્ડ અમ્પાયર વિવાદમાં

વડોદરાઃ શનિવારે અહીં મહિલાઓની આઇપીએલ તરીકે જાણીતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં 2023ની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચ છેલ્લી પળોમાં રનઆઉટની ઉપરાઉપરી ત્રણ અપીલ થવાને પગલે ચર્ચાસ્પદ થઈ હતી અને થર્ડ અમ્પાયરના નિર્ણયો વિવાદાસ્પદ બન્યા હતા.
હરમનપ્રીત કૌરના સુકાનમાં મુંબઈએ 164 રન બનાવ્યા ત્યાર બાદ દિલ્હીએ જીતવા માટે ભારે સંઘર્ષ કર્યો હતો અને 20 ઓવરમાં આઠ વિકેટે 165 રનના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો. જોકે મૅચની છેલ્લી ત્રણ ઓવરમાં રનઆઉટની ત્રણ અપીલ થઈ હતી અને એમાં ત્રણેય વાર થર્ડ અમ્પાયર ગાયત્રી વેણુગોપાલને દિલ્હીની તરફેણમાં (નૉટઆઉટનો) ફેંસલો આપ્યો હતો. એટલું જ નહીં, એલઇડી લાઇટ્સ સાથેના સ્ટમ્પ્સ પરની ઝિન્ગ બેલ્સને લગતો નિયમ પણ ચર્ચાસ્પદ થયો હતો.
આ વખતની ડબ્લ્યૂપીએલમાં શુક્રવારની પ્રથમ મૅચમાં ગુજરાત જાયન્ટ્સ સામે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુએ રેકૉર્ડ-બે્રક સ્કોર્સ સાથે વિજય મેળવ્યો હતો ત્યાર બાદ મુંબઈ-દિલ્હી વચ્ચેની શનિવારની મૅચ છેલ્લા બૉલ સુધી રોમાંચક બની હતી.
પ્રથમ રનઆઉટનો વિવાદઃ
18મી ઓવરના ચોથા બૉલમાં સ્ટમ્પ્સ પર સીધો થ્રો થયો દિલ્હીની બૅટર શિખા પાન્ડે ક્રીઝમાં નહોતી પહોંચી એવું લાગ્યું હતું. રિપ્લેમાં જોવા મળ્યું હતું કે એલઇડી લાઇટ્સ ઝબકી ત્યારે શિખાનું બૅટ લાઇન પર હતું. જોકે થર્ડ અમ્પાયર ગાયત્રીએ વારંવાર રિપ્લે જોયા બાદ શિખાને નૉટઆઉટ જાહેર કરી હતી. એ નિર્ણય પર મુંબઈની સુકાની હરમનપ્રીત ખૂબ નારાજ હતી. તેણે મેદાન પરના અમ્પાયર સાથે દલીલ પણ કરી હતી.
બીજા રનઆઉટનો વિવાદઃ
ત્યાર બાદ 19મી ઓવરમાં ફરી રનઆઉટના નવા નિર્ણય પર વિવાદ થયો હતો. એ ઓવરના પાંચમા બૉલમાં થયેલા વિવાદમાં રાધા યાદવ વિવાદના કેન્દ્રમાં હતી અને રાધા તથા તાજેતરમાં જ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપ જીતીને પાછી આવેલા ભારતીય ટીમની કૅપ્ટન નિક્કી પ્રસાદ વચ્ચે ગેરસમજ થઈ એમાં વધુ મૂંઝવણ ઊભી થઈ હતી. સ્ટ્રાઇકરના છેડા પર વિકેટકીપર યાસ્તિકા ભાટિયાએ રાધાને સ્ટમ્પ-આઉટ કરી હોવાની અપીલ કરી હતી. એમાં સ્ટમ્પિંગને પગલે સ્ટમ્પ્સની એલઇડી લાઇટ ચમકી ત્યારે રાધાનું બૅટ હજી અધ્ધર જ હતું એવું રિપ્લેમાં દેખાયું હતું. જોકે આ વખતે પણ થર્ડ અમ્પાયર ગાયત્રીએ નિર્ણય દિલ્હીની બૅટરની તરફેણમાં આપ્યો હતો. તેમની દલીલ એવી હતી કે સ્ટમ્પ્સ પરથી બેલ્સ જ્યારે પૂરેપૂરી નીકળી ગઈ એને આધારે તેમણે નિર્ણય આપ્યો હતો.
Also read: હરમનપ્રીત કૌર ટી-20માં આટલા રન પૂરા કરનારી સ્મૃતિ પછીની બીજી ભારતીય ખેલાડી બની
ત્રીજા રનઆઉટનો વિવાદઃ
રાધાએ એ જીવતદાનનો લાભ લઈને એ ઓવરના છેલ્લા બૉલમાં છગ્ગો ફટકાર્યો હતો જેને પગલે દિલ્હીએ 20મી ઓવરના છ બૉલમાં 10 રન બનાવવાના આવ્યા હતા. મૅચની 20મી (અંતિમ) ઓવરના આખરી બૉલમાં નવો ડ્રામા થયો હતો. ત્યારે દિલ્હીએ જીતવા બે રન બનાવવાના બાકી હતી. દિલ્હીની બૅટર અરુંધતી રેડ્ડીએ બીજો રન પૂરો કરવા ડાઇવ મારી હતી. જોકે મુંબઈએ ફરી એક વાર રનઆઉટની અપીલ કરી હતી અને સુપરઓવરની સંભાવના જાગી હતી. જોકે થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયરને નૉટઆઉટના નિર્ણયને વળગી રહેવા કહ્યું જેને પગલે દિલ્હીની જીત થઈ હતી અને મુંબઈની ખેલાડીઓ ગમગીન ચહેરે પાછી આવી હતી.
નિયમોમાં કયો ફરક છે?
અહીં સવાલ એ છે કે થર્ડ અમ્પાયર ગાયત્રીએ બેલ જ્યારે સ્ટમ્પ્સ પરથી પૂરેપૂરી નીકળે એટલે બૅટર રનઆઉટ કહેવાય એવા નિયમને વળગી રહેવાનું પસંદ કર્યું હતું, પરંતુ ડબ્લ્યૂપીએલના નિયમમાં સ્પષ્ટ જણાવાયું છે કે સ્ટમ્પ્સ પરની એલઇડી લાઇટ્સ ઝબકે એ ક્ષણે બૅટર ક્રીઝની બહાર હોય તો તે રનઆઉટ કહેવાય. બીજી ખાસ વાત એ છે કે નિયમ મુજબ બૅટરનું બૅટ જો લાઇન પર હોય અને ત્યારે સ્ટમ્પ્સ પરની બેલ પૂરેપૂરી નીકળી ગઈ હોય તો એ બૅટર રનઆઉટ કહેવાય.
મિતાલી રાજે શું પ્રતિક્રિયા આપીઃ
ભૂતપૂર્વ ક્રિકેટર મિતાલી રાજે પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે શિખા પાન્ડે અને રાધા યાદવને રનઆઉટ આપી જોઈતી હતી. તેઓ રનઆઉટ હતી જ. રાધાના કિસ્સાની વાત કરીએ તો તેનું બૅટ અધ્ધર હતું એટલે તે આઉટ જ હતી.
લિસા સ્થલેકરે શું કહ્યું?
ઑસ્ટ્રેલિયાની ભારતીય મૂળની ભૂતપૂર્વ કૅપ્ટન લિસા સ્થલેકરે એક્સ' પર જણાવ્યું હતું કે
નિયમોને ખોટી રીતે સમજવામાં આવ્યા હતા કે શું? એ બે કિસ્સામાં બૅટર રનઆઉટ હતી?’